કપિલદેવનું નામ સાંભળતા જ ભારતીય ક્રિકેટ રસિયાઓના મનમાં 1983ના વિશ્વકપના ઐતિહાસિક અને યાદગાર વિજયની યાદો તાજી થઈ જાય છે. ભારતમાં લોકપ્રિયતાની દ્રષ્ટીએ ક્રિકેટની રમત અગ્રસ્થાને છે, પરંતુ અફસોસની વાત એ છે કે આપણા દેશમાં ધર્મની જેમ પૂજાતી આ રમતમાં ભારત એક જ વખત વિશ્વવિજેતા બન્યું છે અને તે પણ છેક 1983માં કપિલદેવ નીખંજના નેતૃત્વ હેઠળ.
ભારતના સર્વાધિક લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક અને શ્રેષ્ઠ મધ્યમ ઝડપી ગોલંદાજ એવા કપિલદેવનો જન્મ 6 જાન્યુઆરી 1959ના રોજ ચંદીગઢ ખાતે થયો હતો. જમણેરી બેટ્સમેન અને બોલર એવા કપિલદેવનો 1978માં પાકિસ્તાનના પ્રવાસ માટે રાષ્ટ્રીય ટીમમાં એક બોલર તરીકે સમાવેશ કરવામાં આવ્યા હતો. જો કે કપિલે પોતાની ઓળખાણ માત્ર બોલર તરીકે મર્યાદિત ન રાખતા બેટીંગમાં પણ તેની ક્ષમતાઓનો અસંખ્ય વખત પરચો આપ્યો હતો અને એટલા માટે જ તેને નિવૃત્ત થયાને દશ વર્ષથી વધુનો સમય વિતી ગયો હોવા છતાય તેને ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકેની ઉપમા આપવામાં આવે છે. અને તેની જગ્યા હજી પણ ખાલી છે.
16 ઓક્ટોબર 1978ના રોજ ફૈઝલાબાદ ખાતે પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ પ્રવેશ કરનાર કપિલદેવ નીખંજે સતત દોઢ દાયકા સુધી ભારતીય ક્રિકેટને તેની સેવાઓ આપી હતી. હરીયાણા હરીકેન, ચંદીગઢ એક્સપ્રેસ, પંજાબ દા પુત્તર જેવા ઉપનામે જાણીતા એવા કપિલદેવની કારકિર્દીમાં દેખીતી રીતે જ 1983ના વિજયની ક્ષણને સૌથી યાદગાર ક્ષણ કહી શકાય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું નામ ઉજાળનાર આ ક્રિકેટરે હરીયાણા, નોર્ધેમ્પ્ટનશાયર અને વોર્સેસ્ટશાયર ટીમોનું પ્રતિનીધીત્વ પણ કર્યુ હતું. ટેસ્ટ મેચોમાં 400થી વધુ વિકેટ અને 5000થી વધુ રનની બેવડી સિદ્ધી મેળવનાર કપિલે વનડેમાં 250થી વધુ વિકેટ ઝડપી હતી તેમજ સાડા ત્રણ હજારથી વધુ રન ફટકાર્યા હતા.
1983માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યરના પુરસ્કારથી સન્માનિત કપિલદેવને 2002માં 20મી સદીનો શ્રેષ્ઠ ભારતીય ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. જે વખતે ભારતીય ક્રિકેટમાં સ્પિનરોનો દબદબો હતો અને ફાસ્ટરોની અછત, તેવા સમયે કારકિર્દીની શરૂઆત કરીને કપિલદેવે ક્વોલીટી ફાસ્ટ બોલરો માત્ર ઓસ્ટ્રેલીયા, ઈંગ્લેન્ડ કે વેસ્ટઈન્ડિઝમાં જ જન્મે છે તે વાતને ખોટી પૂરવાર કરી હતી.
ક્રિકેટ સમીક્ષકોના મતે કદાચ તે ઈયાન બોથમ, ઈમરાન ખાન કે રીચાર્ડ હેડલીના સમયે ક્રિકેટ ના રમ્યો હોત તો તે વિશ્વનો સર્વકાલીન શ્રેષ્ઠ ઓલરાઉન્ડર પૂરવાર થતો. રીચાર્ડ હેડલીએ ટેસ્ટ મેચોમાં 431 વિકેટોનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ત્યારે તે રેકોર્ડ લાંબા ગાળા સુધી અતૂટ રહેશે એવું કહેવાતું હતું. પરંતુ કપિલદેવે ગણતરીના વર્ષોમાં જ હેડલીના રેકોર્ડને ધારાશયી કરીને 434 વિકેટોનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. પ્રદર્શનમાં સાતત્યતા અને સ્વીંગ બોલીંગ કપિલદેવની વિશેષતા હતી.
દેવે સૌથી નાની ઉંમરે ટેસ્ટ મેચોમાં 100 વિકેટ અને 1000 રન કરનાર ક્રિકેટર તરીકેનો રેકોર્ડ ધરાવતો કપિલદેવ 1990માં લોર્ડસ્ ખાતે એડી હેમીંગ્સની બોલીંગમાં સળંગ ચાર સિક્સર ફટકારીને ભારતને ફોલોઓનમાંથી બચાવ્યું હતું. નોંધપાત્ર છે કે તે વખતે ભારતની છેલ્લી બેટીંગ જોડી મેદાન પર હતી અને આવું જોખમ તો કપિલ જ લઈ શકે. તો તે જ રીતે 1980માં ડોક્ટરોએ આરામ કર્યાની સલાહ આપ્યા છતાય ઓસ્ટ્રેલીયા વિરૂદ્ધ મેલબોર્ન ખાતે સતત ત્રણ કલાક સુધી બોલીંગ કરીને કાંગારૂઓને 143 રનના નજીવા ટાર્ગેટને હાંસલ કરતા રોક્યું હતું.
1982માં કપિલને પહેલીવાર ભારતીય ટીમનો કેપ્ટન બનાવાયો હતો. કેપ્ટન તરીકે કપિલદેવે ભારતને 1983ના વિશ્વકપ વિજયની તેમજ 1986માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 2-0થી વિજયની ભેટ ધરી હતી. નવાઈની વાત તો એ છે કે ભારતને વિશ્વવિજેતા બનાવનાર કપિલદેવે 13 વર્ષની ઉંમર સુધી વિધીવત્ રીતે કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો નહોતો. તે જ કપિલ માત્ર ચાર વર્ષના ગાળામાં તેના સત્તરમા જન્મદિને હરીયાણાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. અને પહેલી જ પ્રથમ કક્ષાની મેચમાં તેણે 39 રનમાં છ વિકેટ ઝડપી હતી.
કપિલના ક્રિકેટ અનુભવને ધ્યાનમાં લઈને 1999માં તેને બીસીસીઆઈએ રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે નીયુક્ત કર્યો હતો. જો કે વર્ષમાં મેચ ફિક્સીંગના આરોપોને લીધે કપિલે આ પદ છોડવું પડ્યું હતું. સમગ્ર ક્રિકેટ કારકિર્દી દરમિયાન નીર્વીવાદ રહેનાર કપિલ માટે આ તેનો સૌથી કપરો સમય હતો. જો કે પાછળથી તેને નીર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
1983ના વિશ્વકપમાં ઝીમ્બાબ્વે વિરૂદ્ધ ભારત 20 રન સુધી પહોંચે તે પહેલા 5 વિકેટ પડી ગઈ ત્યારે રમવા ઉતરેલા કપિલદેવે તોફાની બેટીંગ કરીને અણનમ 175 રન ઝૂડી નાખતા ભારતને અકલ્પનીય વિજય અપાવ્યો હતો. કપિલની તે ઈનીંગને આજે પણ વનડે ઈતિહાસની શ્રેષ્ઠ ઈનીંગોમાં ગણવામાં આવે છે.