ઘુમાસણની યુવતીને અમેરિકા લઈ જવાના બહાને ગોંધી રાખી 3 લાખ ખંડણી વસૂલી
મહેસાણા જિલ્લામાં કબૂતરબાજીમાં વસાઈ, લાંઘણજ, કડી બાદ નંદાસણ પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. કડી તાલુકાના ઘુમાસણ ગામની યુવતીને વર્ક પરમિટ પર અમેરિકા મોકલવાની લાલચ આપી ત્રણ શખ્સોએ કોલકાતામાં ગોંધી રાખી ધાકધમકી આપી રૂ.3 લાખ ખંડણી વસૂલી હતી. તેમજ વધુ પૈસા પડાવવા અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.
ઘુમાસણ ગામની હિરલબેન ભરતભાઈ પટેલને અમેરિકા જવાની ઇચ્છા હતી. જેના માટે તેમણે અમદાવાદના સુશીલ રોય અને સંતોષ રોયને કામ આપ્યું હતું. આ શખ્સોએ કોલકત્તાના કમલ સિંઘાનિયા સાથે મળી કેનેડાના કાયદેસરના વિઝા અપાવી ત્યાંથી અમેરિકા મોકલી આપવાના બહાના હેઠળ પૈસા પડાવવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. ગત 26 ડિસેમ્બરે હિરલબેનને અમેરિકા મોકલવા માટે ઘુમાસણથી અમદાવાદ અને ત્યાંથી કોલકાતા લઈ ગયા હતા. તેની સાથે કડીની બીજી યુવતી પણ હતી. બંને યુવતીઓને કોલકત્તાની એક હોટલમાં ઉતારી બીજા દિવસે બીજી જગ્યાએ ફ્લેટમાં લઈ ગયા હતા. ત્યાં બીજા લોકોને ગોંધી રાખ્યા હતા. આ યુવતી પાસે કમલ સિંઘાનિયાએ આવી ધમકી આપી કેનેડા પહોંચી ગયાનો ફોન તેના પરિવાર સાથે કરાવી પૈસા મગાવતો હતો. ત્યાર બાદ યુવતી સહિત અન્ય પેસેન્જરોને દિલ્હી લઈ ગયા હતા. જ્યાંથી યુવતી સહિતના પેસેન્જરો 13 ફેબ્રુઆરીએ ઘરે આવી ગયા હતા. આ મામલે હિરલબેન પટેલે અમદાવાદના સુનિલ રોય, સંતોષ રોય અને કોલકત્તાના કમલ સિંઘાનિયા સહિત તેના સાગરિતો સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત કરી અપહરણ કર્યા બાદ ખંડણી વસૂલવા મામલે ફરિયાદ નોંધાવી છે. વિદેશ જવા આંધળુકિયા કરતા લોકો માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે