મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 20 ઑક્ટોબર 2021 (16:16 IST)

પિતાના મોત બાદ પરીણિતા પાસે સાસરિયાઓએ 10 લાખ માંગ્યા, સસરાએ પુત્રવધુના ભાઈને કહ્યું પૈસા ના હોય તો તારી બહેનને ભાડે આપી દે

હનિમૂનની વાત સાસરિયાઓને કરતાં તેમણે પુત્રવધુને ઘરમાંથી જ કાઢી મુકી
 
અમદાવાદમાં પરીણિતાઓ પર પારિવારિક ત્રાસની ઘટનાઓમાં વધારો થયો છે. શહેરમાં સાસરિયાઓના ત્રાસને કારણે પરીણિતા દ્વારા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે ફરીવાર એક એવો શરમજનક કિસ્સો મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પરીણિતાના પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા તો સસરાએ પરીણિતાના ભાઈ પાસે 10 લાખની માંગણી કરી. ભાઈ રૂપિયા નહીં ચૂકવી શકતાં બહેનના સાસરિયાઓએ કહ્યું કે રૂપિયા ના હોય તો તારી બહેનને ભાડે આપી દે.
 
પત્નીને પતિ દારૂ પીને માર મારતો હતો
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક પરિવારે તેમની દિકરી નેહા (નામ બદલ્યું છે) સાસરીમાં ખુબ ખુશ રહેશે તેમ માનીને પિતાએ સારો પરિવાર શોધીને તેના લગ્ન કરાવ્યાં હતાં. નેહાનો ભાઈ અને પિતા હંમેશા તેની તમામ પ્રકારે તકેદારી રાખતા હતાં. તેની આંખમાંથી ક્યારેય આંસુ ના આવે તે માટે પ્રયાસ કરતાં હતાં. નેહા લગ્ન કરીને સાસરીમાં ગઈ તેનો પતિ મહેશ (નામ બદલ્યું) ખૂબ દારૂ પીતો હતો. લગ્ન બાદ પતિ પત્ની હનીમૂન માટે હિમાચલ પ્રદેશ ગયા હતાં. જ્યાં મહેશ ચિક્કાર દારૂ પી ગયો અને હોટલના રૂમમાં ઊલટીઓ કરી હતી. નેહાએ મહેશને રોકતા મહેશે તેને માર મારી હોટેલમાં સફાઈ કરાવી હતી.
 
સસરાએ પુત્રવધુ પાસે 10 લાખની માંગણી કરી
બંને જણા ફરીને પરત આવ્યા ત્યારે નેહાએ આ અંગે તેના સાસરિયાઓને વાત કરી પણ તેમણે મહેશને ઠપકો આપવાને બદલે નેહાને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યાર બાદ સમજાવટ બાદ નેહા સાસરીમાં પરત આવી હતી. પરંતુ આ વખતે નેહાના પિતા કોરોનામાં સપડાયા અને થોડા દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. નેહા પિતાનું મોત થતાં પિયર ગઈ ત્યારે તેના સસરાએ તેના ભાઈને સાંત્વના આપવાની જગ્યાએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 
 
સસરાએ પુત્રવધુના ભાઈને કહ્યું પૈસા ના હોય તો બહેનને ભાડે આપ
તેમણે નેહાના ભાઈને એવું કહ્યું હતું કે જો રૂપિયા નહીં આપે તો નેહાને સાસરીમાં પરત ના મોકલે. એક દિવસ નેહાના ભાઈ પર નેહાના સસરાનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે, તું રૂપિયા ના આપી શકતો હોય તો તારી બહેનને ભાડે આપી દે. આ સાંભળીને નેહા અને તેનો ભાઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં. આ ઘટના બાદ નેહાએ તેના પતિ અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા પ્રયાસ શરૂ કર્યાં છે.