ઈન્સ્ટાગ્રામ પરથી સસ્તા ફોન અને લેપટોપ લેવા ભારે પડ્યાં, 1.80 લાખ રૂપિયા ગુમાવ્યા
સોશિયલ મીડિયાના યુગમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે. એક રિલ્સ બનાવીને કોઈ પણ વસ્તુ વેચવા માટે લોકોને આકર્ષિત કરીને છે તકવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર લેપટોપ તથા આઈફોન વેચવાની જાહેરાત મુકીને આરોપીએ 1.81 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેપટોપ અને મોબાઈલ ફોન વેચાણની જાહેરાત જોઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા તરંગ માલકીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 18મી જૂનના રોજ મેં ઈન્સ્ટાગ્રામ પર એક આઈડી દ્વારા લેપટોપ અને મોબાઈલ ફોન વેચાણની જાહેરાત જોઈ હતી. જેથી આ આઈડી ધારકને એક લેપટોપ અને બે આઈફોન ખરીદવા માટે મેસેજ કર્યો હતો. જેથી સામે વાળાએ એક મોબાઈલ નંબર મોકલી આપ્યો હતો અને તેની પર ઓર્ડરની વિગતો મોકલી આપવા માટે જણાવ્યું હતું. ઓર્ડર મોકલ્યા બાદ સામે વાળાએ ગૂગલ પેથી 500 રૂપિયા મોકલી આપવા જણાવ્યું હતું.
છેતરપિંડી થઈ હોવાનું જણાતા પોલીસ ફરિયાદ કરી
ત્યાર બાદ સામે વાળાએ ઓર્ડર કન્ફર્મ થયો હોવાનો ફોટો મોકલી આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, લેપટોપની કિંમત 45 હજાર રૂપિયા છે અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશે તો 9000માં પડશે અને બાકીની રકમ પરત મોકલી આપશે. તે ઉપરાંત બે આઈફોનની કિંમત 1.48 લાખ થતી હતી પણ મને ડિસ્કાઉન્ટમાં બંને ફોન 37890માં પડશે એમ જણાવ્યું હતું. ત્યારબાદ મને સ્કેનર મોકલીને તેમાં પેમેન્ટ કરવા જણાવ્યું હતું. મેં તેને 1.80 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. મેં તેમને વોટ્સએપથી ઓર્ડર મોકલવા માટે મેસેજ કર્યા હતાં પણ તેમણે કહ્યું હતું કે, અમને હજી સુધી પેમેન્ટ મળ્યુ નથી. જેથી મને છેતરપિંડી થઈ હોવાનું જણાતા પોલીસ ફરિયાદ કરી છે.