1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (11:15 IST)

અમદાવાદમાં પતિના ત્રાસથી પરીણિતાએ પિયર જઈને આપઘાતનો પ્રયાસ કર્યો, માતાએ બચાવી લીધી

દહેજના દૂષણના કારણે મહિલાઓની જીંદગી છિન્ન ભિન્ન થઇ રહી છે, અમદાવાદના દાણીલીમડામાં સાસરીયા દ્વારા અસહ્ય માનસિક શારિરીક ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ તંગ આવીને પંખા સાથે લટકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલા સારવાર હેઠળ છે, મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ કરતાં દાણીલીમડા પોલીસે પતિ સહિત પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દાણીલીમડા વિસ્તારમાં રહેતી 31 વર્ષની પરિણિતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પતિ, જેઠ, જેઠાણી સહિત સાસરીના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૧૦માં જ્ઞાતિના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્નની શરુઆતમાં સારી રીતે રાખવામાં આવી હતી. પરંતુ પાંચ વર્ષ બાદ નાની નાની બાબતે તકરાર કરીને પતિ તથા જેઠ જેઠાણી દ્વારા મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપવામાં  આવતો હતો. મહિલા તેમના પિતાના ઘરે રહેતી હતી પતિ શંકા વહેમ રાખીને નશાની હાલતમાં મારઝૂડ કરતો હતો.મહિલાએ જેઠ જેઠાણીને રજૂઆત કરતાં તેઓ પણ પતિને સાથ આપીને તને રાખવી નથી તારે જો રહેવું હોય તો ચૂપચાપ વધુ સહન કરન કરવું પડશે, તેમ કહીને તે પણ મારઝૂડ કરતા હતા. સાસરિયાઓના ત્રાસને કારણે પરિણીતા બાળકોને લઈને પિયરમાં રહેવા આવી ગઈ હતી. પિયરમાં રહેલી પરીણિતાને પતિએ ફોન કરીને મારા ભાઇએ તને રાખવાની ના પાડી છે માટે હું તને નહી રાખું તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. પતિના આ પ્રકારના ફોનથી પરીણિતાના મનમાં લાગી આવતાં મહિલાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે  સમયસર માતા આવી જતાં દિકરીને નીચે ઉતારી સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલમાં ICCUમાં મહિલાની સારવાર ચાલી રહી છે.  આ અંગે પરિણિતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.