1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified સોમવાર, 20 જૂન 2022 (09:35 IST)

વડોદરામાં યુવકે પોતાની માતા અને બહેન પર ચપ્પા વડે હુમલો કરી 7 જેટલા ઘા મારી દીધા

crime news
ઘરમાં આર્થિક સંકડામણના કારણે ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરનાર યુવકે પોતાની માતા અને બહેન પર ચપ્પા વડે હુમલો કરી 7 જેટલા ઘા મારી દીધા હતા. વરણામા પોલીસ મથકમાં માતાએ હુમલાખોર દીકરા સામે ફરિયાદ નોંધાવી છે.

શહેરના ખટંબા ખાતે આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા 48 વર્ષિય શૈની એલેક્સ અબ્રાહમ મલઇકને સંતાનમાં બેન નામનો 24 વર્ષિય દીકરો અને તેનાથી નાની બેટ્ટી નામની 21 વર્ષિય દીકરી છે. મહિલાનો દીકરો બેન ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી બેટ્ટી ખાનગી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મહિલાના પતિ થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટિરિયલ સપ્લાયનો ધંધો કરે છે.માતાની ફરિયાદ અનુસાર, 18 જૂને સાંજના 4 વાગ્યે તેમનો દીકરો બેન ગુસ્સામાં હોય તેવું લાગ્યું હતું. ઘરમાં નાણાકીય સંકળામણના લીધે દીકરો બેન માનસિક તણાવમાં આવતાં તે માતા પર અચાનક ગુસ્સામાં આવીને જોરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સો કરતાં જોઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તેણે ગુસ્સો કરવાનું ઓછું ન કરતાં માતાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં જ દીકરી ફટાફટ ઘરે આવીને બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવી રહી હતી.દરમિયાન ભાઈ બેને પોતાની બહેન ઉપર ગુસ્સો કરી ઘરની સામે રોડ પર સૂવડાવીને શાક સમારવાના ચપ્પા વડે તેના પેટ અને પગમાં 5 થી 7 ઘા મારી દેતાં તે ચીસો પાડવા લાગી હતી. દરમિયાન માતા દીકરીને છોડાવવા જતાં દીકરાએ તેમના જમણા હાથની કોણી પર ચપ્પાના ઘા મારી ઇજા પહોંચાડી હતી.

દીકરી અને માતાએ ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. તેઓએ દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી બંનેને 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યાં હતાં. માતાની ફરિયાદના આધારે વરણામા પોલીસે હુમલાખોર દીકરા બેન એલેક્સ મલઇક સામે આઈપીસી 323 અને 326 મુજબ ગુનો દાખલ કર્યો છે.