ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2024 (13:04 IST)

હિંમતનગરમાં 10 લાખમાં નિવૃત્ત પોલીસકર્મી અને પત્નીની હત્યા

Retired policeman and wife killed for 10 lakhs in Himmatnagar
Retired policeman and wife killed for 10 lakhs in Himmatnagar

હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેની પત્નીની હત્યા તેમજ લૂંટના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. ડબલ મર્ડર સાથે લૂંટની આ ઘટનામાં પુત્રવધુ, પૌત્ર તેમજ તેના મિત્રની પોલીસે ધરપકડ કરી રોકડ રૂપિયા 30 લાખ 30 હજાર તથા સોનાના દાગીના 129.598 ગ્રામનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

લૂંટ વીથ ડબલ મર્ડરની આ ઘટનામાં સાસુ-સસરાના ત્રાસથી કંટાળેલી પુત્રવધુ અને પૌત્રએ ભેગા મળીને મિત્રની મદદ લઇ હત્યા માટે રૂપિયા 10 લાખની સોપારી આપી હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે હાલ તો લૂંટ વીથ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની નાયબ પોલીસ અધિક્ષક Dy.sp એ.કે.પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગરના રામનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા તેમના પત્ની મનહરબાની તેમના ઘરમાં મંગળવારના સુમારે હત્યા કરવામાં આવી હતી. લૂંટ વીથ મર્ડરની આ ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત પોલીસકર્મી વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા તેમની પત્ની મનહરબા ભાટીની અજાણ્યા બે ઇસમો દ્વારા હત્યા કરીને ઘરમાં રહેલા રોકડા રૂપિયા 35 લાખ તથા સોનાના દાગીના 65 તોલા કિંમત રૂપિયા 42,25,000ની લૂંટના બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન તથા એલસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક મુલાકાતમાં મૃતક વિક્રમસિંહ તથા મનહરબા ભાટીના દીકરા વનરાજસિંહની પત્ની મીત્તલકુમારીના રસોડામાં લોહીના ડાઘાવાળા પગલા પડ્યા હતા. તે જગ્યાએ કપડુ મારીને નિશાની હટાવ્યા હોવાનુ ખુલ્યું હતું. જેથી મીત્તલકુમારીની અલગ અલગ રીતે પુછપરછ કરતા મીત્તલકુમારી ભાંગી પડી હતી અને સમગ્ર હત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપી તેની કબૂલાત કરી હતી.

મીત્તલકુમારીએ PI બી.પી. ડોડીયા સમક્ષ જણાવ્યું હતું કે, તેના સસરા નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટી તથા તેના સાસુ મનહરબા તેમને અને તેમના સગીરવયના દીકરાને માનસિક ત્રાસ આપતા હતા અને અવારનવાર ઝઘડો, તકરાર પણ કરતા હતા. જેથી ત્રાસથી કંટાળેલી મીત્તલકુમારી તથા તેમના સગીરવયના દીકરાએ ભેગા મળીને વિક્રમસિંહ ભાટી તથા મનહરબાની હત્યા કરવાનું નક્કી કરી દીધું હતું.