શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

દિવાળીમાં લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરો અને લાભ મેળવો

દિવાળીનો તહેવાર એક એવો ઉલ્લાસભર્યો તહેવાર છે જેને દરેક ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. હિન્દુઓનુ સૌથી મોટો તહેવાર. આ તહેવાર નવા વર્ષ પર નવી આશાઓ અને નવા સપનાં લઈને આવે છે. દિવાળીમાં ધનની દેવી માતા લક્ષ્મીનુ વિશેષ મહત્વ હોય છે. મા લક્ષ્મીનું પૂજન કરવાથી સદૈવ જીવનમાં લક્ષ્મીની કૃપા બની રહે છે. ઘરમાં બરકત રહે છે અને પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે છે.

આમ તો આપણે દિવાળીમાં આપણા કુળદેવતા સહિત દરેક ઈશ્વરની પૂજા કરીએ છીએ. પણ લક્ષ્મીની પૂજા વિશેષ રૂપે કરીએ છીએ. દિવાળી એટલે અમાસની રાત. આ રાતના ચાર પ્રહર હોય છે. પ્રથમ નિશા, બીજો દારૂણ, ત્રીજો કાળ અને ચોથો મહા પ્રહર કહેવાય છે. જ્યોતિષના કહેવા મુજબ મા લક્ષ્મીજીની પૂજા અને આરાધના મધ્યરાત્રિ પછી કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે છે અને ઘરમાં ધનની વર્ષા થાય છે.

જ્યોતિષ મુજબ દરેક જાતકે પોતાની રાશિ મુજબ દિવાળીમાં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.


જાણો આગળ કંઈ રાશિના લોકોએ કેવી રીતે પૂજા કરવી ...

 
મેષ અને વૃશ્ચિક રાશિ : આ બંને રાશિના દેવ મંગળ છે. મંગળની દેવી માતા ભુવનેશ્વરીની પૂજા અર્ચના કરવાથી યોગ્ય ફળ મળે છે. લક્ષ્મીને લાલ ગુલાબ તેમજ બેસનના લાડુ અર્પણ કરો. સિદ્ધિ યંત્રનું રોજ પૂજન કરવાથી યોગ્ય ફળ મળે છે.

વૃષભ તથા તુલા રાશિ : આ બે રાશિના સ્વામી છે શુક્રદેવ. આ રાશિના જાતકોએ ઉત્તમ ફળ આપનારી મા માતંગીની આરાધના કરવી ફળદાયક રહેશે. આ રાશિના જાતકોએ સવારે નિત્યકાર્યોથી પરવારીને માતા માતંગીને બાજટ પર વિરાજમાન કરાવીને તેમની જળ, અત્તર અને મોગરાના ફૂલથી પૂજન કરવુ. આ રાશિના જાતકો માટે ભાગ્યવૃદ્ધિ યંત્રની પૂજા કરવી લાભકારી છે. પ્રસાદના રૂપમાં માતાને ચોખાનો લાડુ અર્પણ કરો.

મિથુન અને કન્યા રાશિ : મિથુન અને કન્યા રાશિના જાતકોએ મા ભૈરવીની પૂજા અર્ચના કરવી જોઈએ. આ માટે તેમણે દિવાળીના દિવસે શુભ સમયમાં માતાની ફુલ, ગુલાબ અને સુગંધ વડે વિધિસર પૂજા કરવી. માતાને કેવડો ચઢાવવાથી વિશેષ લાભ મળશે. પ્રસાદના રૂપમાં માતાને ધાણી અને પતાશા ચઢાવો. આ રાશિના લોકો માટે સિદ્ધિ યંત્રની પૂજા કરવી ફાયદાકારક છે.

કર્ક રાશિ અને સિહં રાશિ - કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે. આ રાશિના લોકોએ દુર્ગાદેવીની આરાધના કરવી જોઈએ. માતા દુર્ગાને સફેદ ફુલ અને ખીર ચઢાવીને દુર્ગા પાઠ કરવા જોઈએ. બની શકે તો એક કન્યાને ભોજન કરાવીને તેને અભ્યાસની કોઈ સામગ્રી ભેટ રૂપે આપવાથી માતા તમારા જીવનના તમામ દોષ દૂર કરશે. 

સિંહ રાશિના જાતકોનો સ્વામી સૂર્ય છે. તેથી તેમણે દિવાળીના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરીને માતા ભાગવતીની આરાધના કરવી. માતાની કમળ પુષ્પથી પૂજા કરવી.

ધન અને મીન રાશિના જાતકો - આ રાશિના લોકોનો સ્વામી ગુરૂ છે. આ રાશિના જાતકોએ દિવાળીના દિવસે ચોખા, હળદર, કંકુનો ઉપયોગ કરી, બગલામુખી માતાની આરાધના કરવી. બગલામુખીને સફેદ પુષ્પ અને કોઈપણ સફેદ પ્રસાદ અર્પણ કરો.

મકર અને કુંભ રાશિ - આ રાશિના જાતકોનો સ્વામી શનિ છે, શનિ ગ્રહની શાંતિ માટે મહાકાળીની પૂજા કરવી શુભ ફળદાયક હોય છે. મહાકાળીને ચમેલીના ફુલ અને કોઈ પણ મીઠાઈ અર્પિત કરીને તેમની પૂજા અર્ચના કરવી.