બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By કલ્યાણી દેશમુખ|

Happy Diwali - જો દિવાળીમાં આટલુ કરીએ તો..

દિવાળી અનેરો ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે. આ એક એવો તહેવાર છે જે બાળકોથી માંડીને વડીલોનો પ્રિય છે. દિવાળીમાં આપણે ઘણું બધુ કરવા માંગીએ છીએ પણ ઘણીવાર એવુ બને છે કે આપણે દરેક વસ્તુ કરી શકતા નથી. તમે જો દિવાળીમાં દરેક વાત માટે પ્લાનિંગ કરો તો તમારી કોઈ ઈચ્છા અધૂરી ન રહે અને તમે દિવાળીનો ભરપૂર આનંદ માણી શકો. 

દિવાળીમાં કેટલીક વાતો પ્રત્યે ધ્યાન રાખીએ તો દિવાળીનો આનંદ વધી જાય.

- આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીમાં ઘરની સાફ-સફાઈ અને સજાવટ થવી જ જોઈએ. તેથી દિવાળીની વાનગીઓ બનાવવાના અઠવાડિયા પહેલા ઘરની સાફ સફાઈ કરી દેવાથી એકદમ થાક નથી લાગતો.

- દિવાળીમાં આપણે ઘરને વિશેષ સજાવીએ છીએ. ઘણા લોકો છેવટ સુધી ઘરને શણગારતા રહે છે. અગાઉથી પ્લાનિંગ કરી ઘરના બધા લોકો જુદા જુદા રૂમના શણગારમાં લાગી જાય તો ઘર સુંદર અને સમયસર સજાવી શકશો.

- જો પતિ-પત્ની બંને સર્વિસ કરતા હોય તો સ્વભાવિક છે કે દિવાળી પછી રોજ મહેમાનોનુ સ્વાગત કરવાનો તમારી પાસે વધુ સમય ન હોય. આવી પરિસ્થિતિમાં એક દિવસ એવો રાખો કે તમે બંનેના ઓફિસના મિત્રોને તમારા ઘરે આમંત્રિત કરો, અને એક નાનકડી દિવાળી પાર્ટીનુ આયોજન ગોઠવી દો.

- જેટલા પણ મિત્રો અને સંબંધીઓ હોય તેનુ દિવાળી પહેલા જ એક લિસ્ટ બનાવો, જેમાં તેમના નામ સામે તેમનો ફોન નંબર અને ઈમેલ આઈડી લખી રાખો. એક દિવસ રાત્રે સમય કાઢી બધાને મેલ અથવા એસએમએસ દ્વારા દિવાળીની શુભેચ્છાઓ પાઠવી દો. આવુ કરવાથી દિવાળીની શુભેચ્છા આપવામાં કોઈને ભૂલી નહી શકો અને બધાના દિલ જીતી લેશો.

- દિવાળી આનંદ અને મોજ-મસ્તીનો દિવસ છે. જો આપણને આટલો ઉલ્લાસ હોય તો બાળકોના મનની તો વાત જ શુ કરવી. બાળકો માટે દિવાળી એટલે મીઠાઈઓ ખાવી અને ફટાકડાં ફોડવા. અતિઉત્સાહમાં ક્યારેક બાળકો ફટાકડાં સાથે મસ્તી કરી બેસે છે. તેથી બાળકો જ્યારે ફટાકડાં ફોડતા હોય ત્યારે એક મોટી વ્યક્તિએ તેમની પાસે ફરજીયાત ઉભા રહેવુ જેથી ફટાકડાં ફોડતી વખતે થતી દુર્ઘટનાઓથી બચી શકાય.

- દરેકના મનમાં ખાસ કરીને ગૃઃહિણીની ઈચ્છા દિવાળી સમયે ઘરમાં કંઈક નવીનીકરણ કરાવવાની કે ઘરમાં કંઈક નવુ લાવવાની હોય છે. પરંતુ દિવાળી સમયે દરેકના નવા કપડાં, ઘરનુ પેંટીંગ, મીઠાઈઓ, ફટાકડાં વગેરેનો ખર્ચ એટલો હોય છે કે કાં તો એમની ઈચ્છા પૂરી નથી થતી કે પછી તેઓ હપ્તાથી વસ્તુઓ ખરીદે છે. મોંધવારીના જમાનામાં આ હપ્તા વધુ મોંધા પડી જાય છે. આવુ ન થાય તે માટે જો આપણે વર્ષ દરમિયાન દરેક મહિને 500-1000 રૂપિયા બચાવતા જઈએ અને આ જ પૈસાથી દિવાળીમાં કંઈક ખરીદીએ તો તમને એ વસ્તુ ખરીદવાનો અનેરો આનંદ મળશે. 

તો પછી આવો ઉજવીએ સંપૂર્ણ હર્ષોલ્લાસથી ખુશીઓથી ભરપૂર દિવાળી.