અંબાજીમાં ભાદરવી પૂનમે માતાના દર્શન

W.DW.D

દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.

પુરાણો અને શાસ્ત્રોકત મત પ્રમાણે કુલ એકાવન શકિતપીઠો છે, જે પૈકીની એક શકિતપીઠ આરાસુરી મા અંબાની ગણાય છે. એકાવન શકિતપીઠોમાં હૃદયસમી અંબાજી શકિતપીઠ લાખો ભકતોની શ્રદ્ધાનું કેન્દ્ર છે જેમનાં દર્શન માત્રથી માનવી બધાં પાપોમાંથી મુકિત મેળવે છે અને જગતજનની સઘળી પીડા દૂર કરે છે.

અંબાજીનું મૂળ મંદિર બેઠા ઘાટનું નાનું છે પણ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. મંદિરની સામેની બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી કહે છે. આ ચાચર ચોકમાં હોમ હવન કરવામાં આવે છે. ૧૦૩ ફૂટ ઉંચા બનાવેલા શિખર ઉપર અંબાજીની આરાસુરની ખાણમાંથી કઢાયેલાં વિશેષ આરસપહાણના અખંડ પથ્થરમાંથી બનાવેલ ત્રણ ટનથી વધુ વજનનો કળશ મુકાયો છે. આ કળશ સુવર્ણથી મઢેલ છે. મંદિરનું શિલ્પીકામ ખૂબ જ કલાત્મક છે.

અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. વીસાયંત્રને શણગાર, ચૂંદડી, મુગટ એવી રીતે ગોઠવાય છે જેથી માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. માન્યતા અનુસાર આ શ્રીયંત્ર છે. આ યંત્ર કૂર્મ પુષ્ઠવાળું સોનાનું છે. જે ઉજજૈન, નેપાળની શકિતપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. યંત્ર સ્થાનમાં નજરથી જોવાનો નિષેધ હોઇ આંખે પાટા બાંધી યંત્ર પૂજન કરવામાં આવે છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. શ્રીયંત્રની ઉપાસના કરવાથી દરિદ્રતા દૂર થાય છે. શ્રીયંત્ર વૈષ્ણવ સંપ્રદાય, શિવ સંપ્રદાય અને શાકત સંપ્રદાય એમ ત્રણ સંપ્રદાયથી વણાયેલું છે.
W.DW.D

અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનાં મંદિરો જેવા કે હનુમાનજી મંદિર, અજય માતા મંદિર, શીતળા માતાજીનું મંદિર, સોમેશ્વર અને કુંભેશ્વર મહાદેવનાં મંદિરો છે. જે ઘણાં જ પૌરાણિક ગણાય છે.

અંબાજી પરિસરનાં અન્ય સ્થાનો અંબાજીની આસપાસ અન્ય પૌરાણિક અગત્યતા ધરાવતા મહત્વનાં સ્થળો છે. કોટેશ્વર જે અંબાજીથી આઠ કિ.મી. દૂર આવેલ છે. સરસ્વતી નદીનો પ્રારંભ અહીંના ગોમુખમાંથી થતો હોવાનું મનાય છે. વાલ્મીકિ આશ્રમ, શકિત આશ્રમ વગેરે જોવાલાયક સ્થળો છે. અંબાજીથી દોઢ કિ.મી. કુંભારિયાનાં દેરાસરો છે. દેલવાડાનાં દેરાં જેવી જ કલા સમૃદ્ધિ જૈન ધર્મના ચોવીસ પૈકીના પાંચ તીર્થકરો-શ્રી પાર્શ્વનાથ, શ્રીનેમીનાથ, શ્રીશાંતિનાથ, શ્રીસંભવનાથ અને શ્રીમહાવીર સ્વામીની પ્રતિમાઓ અહીં પ્રસ્થાપિત કરાઇ છે. જૈનો માટે પણ મહત્વનું તીર્થધામ છે.
અંબાજી કેવી રીતે જવું -
હવાઇ માર્ગે - સૌથી નજીકનું હવાઇ મથક અંબાજીથી લગભગ 179 કિ.મી દૂર અમદાવાદ છે.
રેલ માર્ગ - અમદાવાદ થી પાલનપુર 144 કિ.મી રેલ માર્ગે જઇ શકાય અને પાલનપુર થી અંબાજી ફકત બસ માર્ગેજ જઇ શકાય છે તેનું અંતર 60 કિ.મી છે.
વેબ દુનિયા|
બસ માર્ગ - અંબાજી થી અમદાવાદ બસ માર્ગ સતત ધબકતો રહે છે.


આ પણ વાંચો :