1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
  4. Dusshera puja vidhi

દશેરા પૂજા વિધિ: જાણો વિજયાદશમીના દિવસે પૂજા કેવી રીતે કરવી?

Dusshera
દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. આ દિવસે ભગવાન શ્રીરામ, માતા દુર્ગા, શમી વૃક્ષ અને દેવી અપરાજિતાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. ઘણી જગ્યાએ શસ્ત્રો, વાહનો, પુસ્તકો અને કામમાં ઉપયોગમાં લેવાતાં સાધનોની પણ પૂજા કરવામાં આવે છે

દશેરા પૂજા માટેની સામગ્રી

- કંકુ અને ચંદન
- અક્ષત (સાબૂત ચોખા)
- ફૂલ અને ફૂલની માળા
- ધૂપ, અગરબત્તી અને દીવો
- નારિયેળ અને સોપારી
- ફળ અને મીઠાઈનો પ્રસાદ
- શમીનાં પાન
- દેવી અપરાજિતાનાં ફૂલ (ઉપલબ્ધ હોય તો)
- પૂજા માટે સ્વચ્છ પાણી
- શસ્ત્રો, પુસ્તકો અથવા કામનાં સાધનો (પરંપરા અનુસાર)
દશેરાની પૂજા કરવાની સરળ રીત

1. ઘરની સફાઈ અને સ્નાન

દશેરાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજાસ્થળની સફાઈ કરીને ભગવાનની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો.
 

2. ભગવાન શ્રીરામ અને માતા દુર્ગાની પૂજા

ભગવાન શ્રીરામ અને માતા દુર્ગાને કંકુ, ચંદન, અક્ષત અને ફૂલ અર્પણ કરો. દીવો પ્રગટાવી ધૂપ કરો અને આરતી ઉતારો. પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.
 
3. શમી વૃક્ષની પૂજા
 
શમીના છોડ પાસે જઈને પાણી અર્પણ કરો. કંકુ, અક્ષત અને ફૂલ ચઢાવી દીવો પ્રગટાવો. શમી વૃક્ષને નમન કરીને જીવનમાં સફળતા, હિંમત અને વિજય માટે પ્રાર્થના કરો. શમીનાં પાન તોડવાને બદલે જમીન પર પડેલાં પાનનો ઉપયોગ કરી શકાય છે.
 
4. દેવી અપરાજિતાની પૂજા
 
પરંપરા મુજબ દેવી અપરાજિતાનું સ્મરણ કરીને ફૂલ, કંકુ અને અક્ષત અર્પણ કરો. જીવનના અવરોધો દૂર થાય અને દરેક કાર્યમાં સફળતા મળે તેવી પ્રાર્થના કરો.
 
5. શસ્ત્ર અને સાધનોની પૂજા
તમારા વ્યવસાય કે કામમાં ઉપયોગમાં લેવાતાં સાધનો, પુસ્તકો, વાહન અથવા શસ્ત્રોને સ્વચ્છ કરીને તેના પર કંકુ-ચંદનનું તિલક કરો અને ફૂલ અર્પણ કરો. આ પૂજા કાર્યમાં પ્રગતિ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.
 
6. આરતી અને પ્રસાદ
અંતમાં ભગવાનની આરતી ઉતારો, પ્રસાદ ધરાવો અને પરિવારના સભ્યોમાં વહેંચો. ત્યારબાદ પરિવારના વડીલોના આશીર્વાદ લો.

દશેરા 2026માં પૂજાનો શુભ મુહુર્ત 

દશેરા 2026 મંગળવાર, 20 ઑક્ટોબરે ઉજવવામાં આવશે. ગુજરાતના લાલપુર માટેના પંચાંગ મુજબ વિજય મુહૂર્ત બપોરે 2:30થી 3:16 સુધી છે. જોકે, પૂજાનો ચોક્કસ સમય સ્થળ અને સ્થાનિક પંચાંગ પ્રમાણે બદલાઈ શકે છે. 
આગળનો લેખ
Happy Dussehra 2026 Wishes In Gujarati - વિજયાદશમીની હાર્દિક શુભેચ્છાઓ