રવિવાર, 19 ઑક્ટોબર 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Updated : મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025 (13:36 IST)

દશેરાનુ મહત્વ - ગુજરાતમાં કંઈ રીતે થાય છે દશેરાની ઉજવણી ?

દશેરાનુ મહત્વ
નવરાત્રી નવ દિવસ મોડી રાત સુધી જાગીને રાસ ગરબા ખેલીને થાકેલા ખેલૈયાઓ દશેરાના દિવસે આરામ ફરમાવી આનંદ પ્રમોદ કરે છે. દશેરાને વિજ્યા દસમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લંકામાં રામ રાવણનું યુદ્ધ સતત નવ દિવસ સુધી ચાલ્યું હતું અને દસમા દિવસે રામે રાવણના રામ રમાડી દીધાં હતાં, તેથી આ પર્વને વિજ્યાદસમી તરીકે ઉજવવામાં આવે છે. વિજ્યાદસમી એ અસત્ય ઉપર સત્યનો વિજયનું પ્રતીક છે.
 
દશેરા અથવા વિજ્યા દશમી ભગવાન રામના વિજય સ્વરુપે મનાવાય છે અથવા દુર્ગા પુજાના રુપમાં-બંને સ્વરુપોમાં તે શક્તિ-પુજાનો પર્વ છે, શસ્ત્ર પુજનની તિથિ છે.હર્ષ, ઉલ્લાસ અને વિજયનો તહેવાર છે. રામે રાવણ સાથે યુધ્ધ કરવા માટે આજના દિવસે પ્રસ્થાન કર્યુ હતુ. મરાઠા રત્ન શિવાજીએ પણ ઔરંગઝેબની વિરુધ્ધ આજના દિવસે પ્રસ્થાન કરી હિંદુ ધર્મનુ રક્ષણ કર્યુ હતુ. ભારતના ઈતિહાસમાં એવા અનેક ઉદાહરણો છે, જેમાં હિંદુ રાજાઓએ આજના દિવસે વિજય-પ્રસ્થાન કર્યુ હતુ. આજના દિવસે લોકો પોતાનુ નવુ કામ શરૂ કરે છે. શસ્ત્રોની પુજા કરે છે. પ્રાચીનકાળમાં રાજા આ દિવસે વિજયની પ્રાર્થના કરી રણ-યાત્રા માટે પ્રસ્થાન કરતા હતા. આ દિવસે જુદી-જુદી જગ્યાએ મેળાઓ થાય છે. રામલીલાનુ આયોજન કરવામાં આવે છે. રાવણનુ વિશાળ પુતળુ બનાવી તેનુ દહન કરવામાં આવે છે.
 
દશેરા પર ફાફડા-જલેબી ખાવાની શરૂઆત કેવી રીતે થઈ?
રાવણનો રામ સેના દ્વારા સંહાર થતાં, રાવણના સદગુણી ભાઈ વિભીષણે દશેરાના દિવસે ફાફડા-જલેબી ખવડાવેલાં, એવી લોકમાન્યતા છે. વિભીષણ તો રામનો પરમ ભક્ત હતો. તેથી જ રામના વિજયને વધાવવા એણે ફાફડા-જલેબી મિષ્ટાન વગેરે રામસેનાને ખવડાવ્યાં, આનંદ-પ્રમોદ કર્યો.
 
દશેરાના દિવસે વાહનોની ખરીદી શા માટે કરવામાં આવે છે?
દશેરા એટલે વિજયાદશમી. વિજયાદશમી તો વણજોયું ઉત્તમ મુહૂર્ત (shubh muhurta day) ગણાય છે. એટલે આવા શુભ મુહૂર્તે અત્યારે મોંઘા વાહનો (ગાડી, કાર, ટ્રેક્ટર, રીક્ષા વગેરે) ખરીદાય છે. વળી દશેરાના વિજયાદશમીના દિવસે રથ-ઘોડા વગેરે વાહનો દ્વારા મેળવાતા વિજયની કથાઓ ગૂંથાયેલી છે. એટલે જ આ દિવસે રથ, ઘોડા વગેરે દોડાવવાની સ્પર્ધાઓ યોજાય છે.
 
દશેરાના દિવસે વાહનો અને શાસ્ત્રોની પૂજા શા માટે કરાય છે?
દશેરા એટલે શત્રુના સીમાડે ત્રાટકીને વિજય મેળવવાનો દિવસ, આ દિવસે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું. તેથી આજે પણ કેટલેક સ્થળે લોકો ગામનો સીમાડો ઓળંગે છે. મરાઠાઓ અને રાજપૂતો વાહનો-શસ્ત્રો વગેરેની પૂજા કરીને શત્રુના પ્રદેશ ઉપર ચઢાઈ કરતા શસ્ત્રાસ્ત્ર સજ્જ કરી, હાથી-ધોડાની સવારી નીકળતી, ધોડાદોડની સ્પર્ધાઓ પણ થતી. આ સંદર્ભમાં બહુચરાજી વગેરે સ્થાનકોએ દશેરાના દિવસે માતાજીને નવલખો હાર પહેરાવીને એમની ભવ્ય સવારી સીમા ઓળંગી, ગામ બહાર શમીવૃક્ષનું પૂજન કરવા જાય છે. માતાજીના હાથોમાં પણ શસ્ત્રો છે. એ શસ્ત્રોથી એમણે રાક્ષસોનો સંહાર કરેલો. આ સંદર્ભમાં પણ વિજ્યાદશમીએ શસ્ત્રોની પૂજા થાય છે.
 
વિજ્યાદશમીએ શમીના પાનનુ મહત્વ એક પૌરાણિક કથા મુજબ એક રાજાએ પોતાના રાજ્યમાં એક મંદિર બનાવડાવ્યુ અને એ મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરવા માટે એક બ્રાહ્મણને બોલાવ્યો. પ્રાણ-પ્રતિષ્ઠા કરી ભગવાનની સ્થાપના કર્યા બાદ રાજાએ બ્રાહ્મણને પુછ્યુ, હે બ્રાહ્મણ તમને દક્ષિણા રુપે શું જોઈએ? બ્રાહ્મણે કહ્યુ, મને લાખ સુવર્ણ મુદ્રા જોઈએ. બ્રાહ્મણની વાત સાંભળી રાજાને ઘણી ચિંતા થઈ. કારણકે રાજા પાસે આપવા માટે આટલી સુવર્ણ મુદ્રા ન્હોતી. પરંતુ બ્રાહ્મણને તેની દક્ષિણા આપવી પણ જુરૂરી હતુ. પરિણામે રાજાએ બ્રાહ્મણને તે દિવસે વિદા કર્યા નહિ. તેમને રાજ્યમાં જ રાત રોકાવા કહ્યુ.