Last Updated:
સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (17:33 IST)
બારડોલી તાલુકામાં સરકારે વર્ષ 1928માં મહેસૂલમાં 25 ટકાનો વધારો કરતાં ઉપલા વર્ગમાં 23 ગામોને રાખ્યા હતા. ત્યારે તાલુકાના આગેવાનો કલ્યાણજી મહેતા અને કુંવરજીભાઇની વિનંતી સામે વલ્લભભાઇ પટેલે સત્યાગ્રહની સરદારી સંભાળી લીધી. પોતાના જુસ્સેદાર સંબોધનો અને ભાષણૉના લીધે વલ્લભભાઇ પટેલે પૂરાં દેશમાં બારડોલીના ખેડૂતો પ્રત્યે સંવેદનાઓ જગાડતાં ભારત ભરના ખેડૂતોની મારફત વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટનાને બારડોલી દિવસ તરીકે જાણવવામાં આવે છે, જેના કારણે વલ્લભભાઇ પટેલને લોકોએ 'સરદાર' નો ખિતાબ આપ્યો.
વર્ષ 1929માં લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન યોજવવામાં આવ્યું, જેમાં 26 જાન્યુઆરી, 1930ના દિવસે પૂરા ભારતમાં 'સ્વાતંત્ર્ય દિવસ' ઉજવવાનું કહેવાયું હતું. ત્યાર પછી તરત જ 12 માર્ચ, 1930ના દિવસે ગાંધીજીએ તેમના 78 સાથીઓ જોડે સાબરમતી આશ્રમથી 'દાંડીકૂચ' કરી. દરરોજ સાંજે જુદા-જુદા ગામે ભરાતી સભાઓમાં ગાંધીજીએ દારૂબંધી, અસ્પૃશ્યતા અને સરકારી નોકરીનો ત્યાગ કરવાનું કહેતાં હતા. 6 એપ્રિલ 1930ના દિવસે તેમણે દાંડી મુકામે ચપટી મીઠું ઉપાડી મીઠાનો કાયદો તોડ્યો હતો. આ રીતે 'સવિનય કાનૂનભંગ' ની શરૂઆત થઇ અને 5 મે 1930ના દિવસે ગાંધીજીની ધરપકડ થઇ.
સૂરત જીલ્લામાં આવેલાં ધરાસણામાં ઇમામસાહેબના નેતૃત્વમાં ગયેલાં નમક સત્યાગ્રહીઓ પર નિર્દયતાથી લાઠીઓથી માર માર્યો. અને બારડોલી તાલુકામાં ચાર હજારથી વધુ ખેડૂતોના કુટુંબીઓએ પાંચ મહીના સુધી હિજરત કરી હતી. તે સમયે ગુજરાતના હજારો સત્યાગ્રહીઓ જેલમાં ગયા, છતાં બધે ઠેકાણે લોકોએ ચળવળ ચાલુ રાખી અને તે સરકારના દમનનો ભોગ બન્યા. ઓગસ્ટ 1932માં કોમી ચુકાદાની જાહેરાત થયાં પછી ગાંધીજીએ તેના વિરોધમાં અને હરિજનોને હિંદુઓથી અલગ ગણાવતાં આખા દેશમાં અછૂતોના ઉદ્ધાર માટે ઉપવાસ કર્યાં.
વર્ષ 1938 અને 1939 દરમિયાન ગુજરાતનાં દેશી રાજ્યોમાં પ્રજામંડળો સ્થાપિત થયાં. ઉત્તર ગુજરાતના માણસા રાજ્યમાં દરબારે ખેડૂતો પર જમીન પરના હક નાબૂદ કરતાં જુલમ કર્યાં અને તેથી ગુસ્સે થઇને ખેડૂતોએ મહેસૂલ ન ભરતાં સત્યાગ્રહ શરૂ કર્યો. લોકોએ દરબારનો બહિષ્કાર કર્યો અને છેવટે સરદાર પટેલે માણસાના દીવાન સાથે બન્ને પક્ષને ન્યાય થાય- એવું સમાધાન કરાવ્યું. સરદાર સાથે થયાં આ સમાધાનનો વીરાવાળાએ ભંગ કરતાં ગાંધીજીએ 3 માર્ચ, 1939ના દિવસથી તે સામે ઉપવાસ કર્યાં હતા.
ભારતના લોકોની સમ્મતિ વિના સરકારે બીજાં વિશ્વયુદ્ધમાં જોડાવવાના નિર્ણય સામે પણ કોંગ્રેસી પ્રધાનોએ રાજીનામાં આપ્યાં અને રામગઢ કોંગ્રેસના ઠરાવ મુજબ યુદ્ધના વિરોધનો પ્રચાર કરવા માટે ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે આચાર્ય વિનોબા ભાવેને પસંદ કર્યા હતા. તેમણે 17 ઓક્ટોબર, 1940ના દિવસે યુદ્ધ સામે પ્રવચન આપતાં સત્યાગ્રહ શરૂં કર્યો હતો.
ગુજરાતમાં સરદાર પટેલ, મોરારજી દેસાઇ, ચંદુલાલ દેસાઇ અને કન્હૈયાલા દેસાઇને સત્યાગ્રહ શરૂ કરતાં પહેલાં જ પકડવામાં આવ્યા અને માર્ચ 1941 સુધીમાં લગભગ 300 સત્યાગ્રહીઓને પકડી લેવામાં આવ્યા હતા. આના વિરોધમાં લોકોએ ભારે સંખ્યામાં વિરોધ કરતાં બજારો, નિશાળો અને બધી રીતે કામકાજ બંધ રાખવામાં આવ્યા હતા.
8 ઓગસ્ટ, 1942ના દિવસે કોંગેસની મહાસમિતિએ 'ભારત છોડો' માટેનો પ્રસ્તાવ પારિત કરતો છેલ્લો નિર્ણય લીધો અને આખાં દેશમાં અંગ્રેજો સામે ભારત છોડો આંદોલન ગાજી ઊઠયું. આ દરમિયાન સૂરતની કાપડ મિલોમાં પણ 105 દિવસો માટેની લાંબી હડતાલ ચાલી; જ્યારે અમદાવાદમાં બજારો, કોલેજો અને બીજાં સસ્થાનો પણ બંધ રાખવામાં આવ્યાં હતા. ગુજરાત સિવાય ભારતના બીજાં રાજ્યોમાં પણ અંગ્રેજોને બહાર કાઢવા માટેની ગૂંજ બધે ઠેકાણે થયાં પછી અંગ્રેજોએ વધુ જુલમ કર્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ સમાપ્ત થયાં પછી કેબિનેટ મિશનની યોજના મુજબ 1946માં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી. તે સમયે લૉર્ડ માઉંટબેટનને ગવર્નર-જનરલ તરીકે ભારત મોકલવામાં આવ્યા અને તેમની 3 જૂન, 1947ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું- જે અંતે ભારત અને પાકિસ્તાન, એમ બે રાષ્ટ્રોની રચના થઇ.
આઝાદી મેળવ્યાં બાદ 30 જન્યુઆરીના દિવસે દિલ્હીમાં આવેલાં સ્થળ રાજઘાટ પર નથૂરામ ગોડશે નામના એક વ્યક્તિએ ગાંધીજીના ભાષણ દરમિયાન ગુસ્સે થતાં તેમને ગોળી મારી દીધેલી અને અંતે 'હે રામ' કહેતાં આ મહાપુરૂષે સંસારથી વિદાઇ લીધી. તે પછી એ જગ્યાએ જ ગાંધીજીની સમાધી બનાવવામાં આવી હતી, જ્યારે દરવર્ષે તેમની યાદમાં 30 જન્યુઆરીએ 'શહીદ દિવસ' મનાવવામાં આવે છે.