ફરી થયો વિવાદઃ ફૈઝાબાદમાં મોદીના મંચ ઉપર રામ અને રામ મંદિરની તસ્‍વીર

modi
Last Modified સોમવાર, 5 મે 2014 (17:43 IST)

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદી આજે જયારે ફૈઝાબાદ પહોંચ્‍યા ત્‍યારે તેમના મંચથી લઇને ભાષણ સુધી બધી જ બાબત રામના રંગે રંગાયુ હોવાનું જણાયુ હતુ. મોદીના મંચ પર રામની તસ્‍વીર સાથે અયોધ્‍યામાં પ્રસ્‍તાવિત મંદિરનું મોડલ પણ મુકવામાં આવ્‍યુ હતુ. મોદીના મંચ ઉપર રામ અને રામ મંદિરની તસ્‍વીર લગાવવા બાબતે વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસે ચૂંટણીમાં ફાયદો લેવા માટે મોદી ઉપર ધાર્મિક પ્રતિકોના ઉપયોગનો આરોપ મુકયો છે અને આ મામલાની તેણે ચૂંટણી પંચને ફરિયાદ કરવાનું નક્કી કર્યુ છે. મોદીની આ રેલી માટે જે મંચ બનાવવામાં આવ્‍યો હતો તેના બેક ગ્રાઉન્‍ડમાં લાગેલા પોસ્‍ટર પર ભગવાન રામની તસ્‍વીર હતી. જે પર ચૂંટણી પંચે વાંધો ઉઠાવ્‍યો છે. પંચે રેલીની વિડીયો ફુટેજ પણ મંગાવી છે.

અંતિમ ચરણોમાં પહોંચી ચુકેલ ચૂંટણીમાં મોદીના મંચ અને ભાષણમાં રામના ઉલ્લેખ એ બાબત તરફ સંકેત આપે છે કે હવે મોદી દરેક તરકીબનો ઉપયોગ કરવા મન બનાવી ચુકયા છે. એવુ મનાતુ હતુ કે, રામ મંદિરનો મામલો હવે ભાજપ માટે જુનો થઇ ગયો છે પરંતુ આજે જે પ્રકારે રામ અને રામ રાજયનો ઉલ્લેખ મોદી એ કર્યો તેનાથી સંકેત મળ્‍યો છે કે હજુ પણ ભાજપ અને મોદીને લાગે છે કે, આ મામલો ચૂંટણીની બાબતમાં કારગત સાબિત થઇ શકે છે.

મોદીના પ્રવચનમાં અનેક વખત રામનો ઉલ્લેખ થયો છે. મોદીએ દાવો કર્યો હતો કે જો દેશના લોકો તેમને જીતાડશે તો તેઓ રામ રાજયની ફરી કલ્‍પના સાકાર કરશે. મોદીએ કહ્યુ હતુ કે, તમે મને મજબુત સરકાર આપો, હું તમને મજબુત હિન્‍દુસ્‍તાન આપીશ. મોદીએ કહ્યુ હતુ કે, ગાંધીજીએ પણ રામ રાજયના વખાણ કર્યા હતા. મોદીએ કહ્યુ હતુ કે, ભગવાન રામની પરંપરામાં વચનોને સ્‍થાન નથી, રામ રાજયનો અર્થ છે સૌનો વિકાસ અને સૌ ખુશખુશાલ. મંચ ઉપરથી તેમને કહ્યુ હતુ કે પ્રાણ જાયે પર વચન ન જાયે.

મોદીએ રામ રાજયના બહાને કોંગ્રેસ, સપા અને બસપા ઉપર પ્રહારો કર્યા હતા. મોદીએ આરોપ મુકયો હતો કે, આ પક્ષોએ વોટબેંકની રાજનીતિથી દેશને બરબાદ કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે, ખુરશીનો રોગ સમગ્ર દેશને વહેચી રહ્યો છે. આ માટે કોંગ્રેસ પ્રથમ ગુનેગાર છે, બીજા ગુનેગાર છે પિતા-પુત્રની સરકાર અને ત્રીજી ગુનેગાર છે બહેનજી.મોદીએ લોકોને કહ્યુ હતુ કે તેઓ ભ્રષ્‍ટાચાર સામે લડશે. આ માટે તેમણે રામની ધરતી (ફૈઝાબાદ)થી કમળને મોકલવાની માંગણી કરી. અયોધ્‍યા અહીથી ૭ કિ.મી. દુર છે.

દરમિયાન મોદીની રેલીમાં મંચ ઉપર ભગવાનની રામની તસ્‍વીર પર ચૂંટણી પંચે કડકાઇ દાખવી છે. પંચનું કહેવુ છે કે, ધાર્મિક પ્રતિક અને ચિન્‍હનું પ્રદર્શન તથા ધાર્મિક આધાર પર વોટની અપીલ કરવી એ આચારસંહિતાનો ભંગ છે. આ બાબતે ચૂંટણી પંચે વિડીયો ફુટેજ પણ મંગાવ્‍યા છે.કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા અખિલેશ પ્રતાપસિંહે કહ્યુ છે કે, મોદી જો રામ રાજયની વાત કરતા હોય તો તેમણે ગુજરાતમાં રામ રાજય કેમ નથી કર્યુ ? ગુજરાતમાં આજે પણ અત્‍યાચાર કેમ થાય છે ? તેમણે આરોપ મુકયો હતો કે ભાષણમાં રામ રાજયનો ઉપયોગ ભકત વોટ માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો :