વડાપ્રધાનપદ માટે મોદીનો ચૂંટણી જંગનો પ્રારંભ

modi
વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 27 માર્ચ 2014 (10:46 IST)
W.D
અરવિંદ કેજરીવાલે વારાણસીથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડતમાં ઝંપલાવ્યું છે. વારાણસીમાં કેજરીવાલ લડી રહ્યા છે તે જીતવા માટે નહીં, પણ પોઈન્ટ સ્કોર કરવા માટે. તેથી લોકસભાની ચૂંટણીમાં લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અથવા તો વધુ સ્પષ્ટપણે કહીએ કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી થાય તેવી ગણતરી રહી છે. તે ગણતરીમાં કેજરીવાલ ગાબડું પાડી રહ્યા છે. તેમણે લડાઈને નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેજરીવાલ એવી ઓળખ આપી છે. મોદીએ સલામત બેઠક માટે નહીં પરંતુ હિન્દુત્વનો મેસેજ આપવા માટે આ બેઠકની પસંદગી કરી હતી. હિન્દુત્વના મુદ્દે જ ભાજપને ઉત્તર પ્રદેશમાં 52, 55 અને 57 બેઠકો મળી હતી. તે પછી ભાજપે રામમંદિરનો મુદ્દો પડતો મૂક્યો એટલે ભાજપની પડતી થઈ. સીધા જ 29 પર આવી ગયા અને અત્યારે માત્ર 10 જ બેઠકો છે. તે સંખ્યા વધારીને ફરીથી 40 સુધી કરવાની છે. યુપીમાં 40થી વધારે બેઠક ના મળે તો દિલ્હીમાં સત્તા મળે તેવી કોઈ શક્યતા નથી. તેથી જ સૌથી વધારે મહેનત યુપી અને સાથોસાથ બિહારમાં થઈ રહી છે.

વારાણસી ખાતે ભાજપે સોનેલાલ પટેલના પક્ષ અપના દલ સાથે જોડાણ કરી લીધું છે. વારાસણી બેઠક સલામત કરવા માટે અમિત શાહે પૂરતી વ્યવસ્થા કરી છે. વારાણસીમાં પડતી એક વિધાનસભાની બેઠક અપના દલ પાસે છે. તેની સામે અપના દલને લોકસભામાં બે બેઠકો ભાજપે ફાળવી દીધી છે. કેમ કે અઢી લાખ જેટલા કુર્મી મતો વારાણસીમાં છે. તે મતો અપના દલને કારણે મળશે. કુર્મીઓ એટલે પટેલ. ગુજરાતના પટેલ નેતાઓ ત્યાં જઈને પ્રચાર કરશે અને ગુજરાતમાં ભાજપ પટેલોની પાર્ટી છે તેમ જણાવીને કુર્મીઓના મતો પાકા કરી લેવામાં આવશે. મુસ્લિમોના મતો કોંગ્રેસ કે એસપીને મળવાના નથી. તે મતો બીએસપીના મુખ્તાર અન્સારીને મળવાના છે. આ ઉપરાંત બ્રાહ્મણોના એક લાખ મતો છે તેના પર પણ ભાજપને આશા છે. તે રીતે વારાણસી બેઠક ભાજપે પોતાની રીતે મજબૂત કરી લીધી છે.
રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટી લડવા માગતી હોય તો તેનું કોઈ વજૂદ ગણાતું નથી. દિલ્હી બહાર મેટ્રો શહેરોમાં અમુક બેઠકો માટે આપ આશા રાખી શકે છે, પણ તે સિવાય ખાસ કોઈ ચિંતા ભાજપ કે કોંગ્રેસને નથી. કેજરીવાલ એક પ્લાન મુજબ આખું રાજકારણ રમી રહ્યા છે. જે કોંગ્રેસને આવડ્યું નથી તે એકલા હાથે કરી રહ્યા છે. તેમણે લોકોના મનમાં નરેન્દ્ર મોદીના પ્રચાર સામે શંકા ઊભી કરી છે. કોંગ્રેસ એક દાયકાથી આ કામ કરી શકી નથી, કેમ કે કોંગ્રેસની આબરુ તળિયે બેઠેલી છે. કોંગ્રેસ સામે લડીને કેજરીવાલને ખાસ ફાયદો પણ થવાનો નથી. તેથી તેણે મોદી સામે લડત આરંભી છે. હારીને પણ તેઓ શહિદી અને કુરબાનીના ગાણા ગાઈ શકશે. આમ આદમી પાર્ટીની મોમેન્ટમ ધીમી ના પડે તે માટે કેજરીવાલે હોળી સળગતી રાખવી પડે. અરવિંદ કેજરીવાલ માટે વારાસણીની લડાઈ આ રીતે પોતાના લક્ષ્ય માટે અને પોતાની પાર્ટીના ભવિષ્ય માટે છે, પણ ભાજપને તેના કારણે અકળામણ થઈ શકે છે.
દેર આયે દુરસ્ત આયે... સ્થિતિને પારખીને ગુજરાતમાં નરેન્દ્ર રાવતની જગ્યાએ મિસ્ત્રી પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે વડોદરામાં 16 લાખ મતદારો છે. 70 ટકા મતદાન થાય અને 50 ટકા મતો મળે તો જ વિક્રમ થાય. એ વિક્રમ કરવો કદાચ મુશ્કેલ બનશે, કેમ કે મિસ્ત્રીના કારણે કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહ વધશે. મધૂસુદન મિસ્ત્રીએ પોતાની એનજીઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં ખાસ્સું કામ કરેલું છે. જયારે અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલને કોંગ્રેસ મૂક્યા છે તેના કારણે એ વાત વળી સ્પષ્ટ થઈ ગઈ કે આ વખતે કોંગ્રેસને ઉમેદવારો શોધવાના ફાંફા છે. મનીષ તિવારી પણ હવે લુધિયાણામાંથી ચૂંટણી નહીં લડે તેની જાહેરાત થઈ ગઈ છે. ચિદમ્બરમથી માંડીને અનેક મોટા કોંગ્રેસી નેતાઓ આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી. ભાજપમાં પણ અનેક મોટા માથાને આ વખતે બેસાડી દેવાયા છે. જશવંતસિંહને પણ ઘરે બેસાડી દેવાયા છે. તેમણે અપક્ષ તરીકે જંપલાવ્યું છે. તેમની જેમ હરિન પાઠકની હિંમત ચાલી. પરંતુ જાજુ કંઈ ઉકાળી શકયા નથી.


આ પણ વાંચો :