શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2017 (12:24 IST)

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ત્રીજુ નેત્ર બનશે અલ્પેશ ઠાકોરની સેના

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના અગ્રણી અલ્પેશ ઠાકોરે રાજનીતિ કરવા છેવટે આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા વિકલ્પ તરીકે ઝૂકાવવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક સમયથી દારૂબંધી સહિતના સામાજિક મુદ્દે આંદોલન ચલાવતા અલ્પેશ ઠાકોરના મંચની કારોબારી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ચૂંટણી માટે અમારૂ સંગઠન તૈયાર છે અને જો રાજકીય પાર્ટી ઓબીસી-એસસીને પ્રતિનિધિત્વ નહીં આપે અને અમારી રાજકીય વિચારધારાને કોઇ પક્ષ નહીં સ્વીકારે તો ત્રીજા વિકલ્પ તરીકે પ્રજાની વચ્ચે જઇશું. જેમાં લઘુમતી સમાજને પણ સાથે રાખવાનું નક્કી કરાયું છે. ઓબીસી મંચ અને ઠાકોર સેનાએ મુસ્લિમ સમાજ સાથે ભેગા થઇને અયોધ્યાના શ્રીરામ મંદિર જેવું ભવ્ય મંદિર ધોળકા પાસે બનાવવાની જાહેરાત કરી છે.
જ્ઞાતિગત સંગઠનના આધારે સામાજિક મુદ્દાને લઇને આગળ આવેલા અલ્પેશ ઠાકોરે લઘુમતી, ગરીબ, પછાત, બેરોજગારો અને ખેડૂતોના નામે ચૂંટણી લડવા અત્યારથી જ પોતાના સંગઠનની દાવેદારી જાહેર કરી દીધી છે. તે સાથે જે રાજકીય પક્ષને તેમની સાથે જોડાણ કરીને પ્રતિનિધિત્વ આપવું હોય તેનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. અમદાવાદના આંબલી વિસ્તારમાં મળેલી સંગઠનની બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાની અલ્પેશ ઠાકોર, ઋષિસિંહ ઠાકોર સહિતના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં એવો નિર્ણય કરાયો હતો કે, રાજયમાં ઓબીસી, એસસી-એસટી અને લઘુમતી સમાજની વસતી 75 ટકાથી વધુ છે પરંતુ આ સમાજોનું મજબૂત રાજકીય નેતૃત્વ નથી. તેમને રાજકીય પ્રતિનિધિત્વની સાથે સત્તામાં ભાગીદારીમાં મહત્વના સ્થાનો આપવામાં આવે તેવી રાજકીય પક્ષો સમક્ષ અમારી માગણી છે. વિધાનસભાની ચૂંટણીને લઇને બૂથ મેનેજમેન્ટ પણ તૈયાર છે. જો પક્ષો પ્રતિનિધિત્વ નહીં આપે તો રાજનીતિ કરવા સંગઠન તૈયાર છે. જો કોઇ પક્ષ અમને સ્વીકારશે તો ઠીક છે નહીં તો ત્રીજા વિકલ્પ તરીકે પ્રજાની વચ્ચે જવાનું પસંદ કરીશું.
બેઠકમાં રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગારી ન મળે ત્યાં સુધી માસિક પાંચ હજાર રૂપિયા મોંઘવારી ભથ્થુ આપવા અને ઉદ્યોગોમાં 85 ટકા સ્થાનિક રોજગારી માટે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય-ઠાકોર સેના દ્વારા 28 મે એ અમદાવાદથી 182 ગાડીના કાફલા સાથે નિકળી ભગવાન સોમનાથના દર્શન કરીને વિજય શંખનાદ કરવામાં આવશે.