શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : મંગળવાર, 7 નવેમ્બર 2017 (13:03 IST)

ચલો ઘર ચલે હમ ભાજપનું મહાસંપર્ક અભિયાન અમિત શાહે ઘેર-ઘેર પેમ્ફલેટ વહેંચ્યા

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગુજરાતમાં પોતાના પ્રચાર અભિયાનને તીવ્ર બનાવતા આજે ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાન શરુ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત અમિત શાહે આજે પોતાના એક સમયના મતવિસ્તાર નારણપુરામાં ઘેર-ઘેર જઈને પક્ષના સ્ટીકર લગાવ્યા હતા, અને લોકોને સરકારની પ્રજાલક્ષી કામગીરીથી વાકેફ કર્યા હતા.બીજી તરફ, સીએમ વિજય રુપાણીએ પણ પોતાના હોમ ટાઉન રાજકોટમાંથી મહાજનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમે પોતે ઘેર-ઘેર જઈને મતદારો સાથે મુલાકાત કરી હતી, અને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ગુજરાતમાં પહેલા તબક્કામાં 9મી ડિસેમ્બરે મતદાન થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ તબક્કામાં મતદાન થવાનું છે. અમિત શાહ તાજેતરમાં જ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લઈ અનેક સભાઓ કરી ચૂક્યા છે, અને કાર્યકર્તાઓને તેમને કામે લાગી જવા માટે જણાવ્યું છે. તો બીજી તરફ, દિલ્હીથી પક્ષના એક પછી એક સિનિયર નેતાઓ પણ ગુજરાત આવી રહ્યા છે. તાજેતરમાં જ અરુણ જેટલી ગાંધીનગર આવ્યા હતા, અને આગામી દિવસોમાં અન્ય મંત્રીઓ પણ ગુજરાત આવી પ્રચાર કરશે.ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી પણ અત્યાર સુધી ગુજરાતમાં અનેક સભાઓ સંબોધી ચૂક્યા છે. જોકે, આગામી દિવસોમાં પીએમ મોદી પણ મેરેથોન પ્રચાર શરુ કરવાના છે. પક્ષ દ્વારા અત્યારથી જ તેનું શિડ્યૂલ બનાવી દેવાયું છે, અને જુદા-જુદા દિવસોમાં પીએમ ગુજરાતના લગભગ તમામ સ્થળોએ ફરીને પ્રચાર કરે તેવું આયોજન થઈ ચૂક્યું છે.મહત્વનું છે કે, કોંગ્રેસે પણ પોતાનું પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે, અને પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં અનેક સ્થળોએ રેલીઓ કરી ચૂક્યા છે. રાહુલ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસે અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને સાથે લઈ લેતા ભાજપની ચિંતા વધી છે.