મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (11:43 IST)

છુપા મતદારો ભાજપ માટે તકલીફોનું કારણ બની શકે છે.

બીજેપીના સાંસદ અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવની ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂંક થઈ તેના થોડા દિવસો પછી તેમણે ગુજરાતના વરિષ્ઠ પત્રકારો સાથ એક ગોષ્ઠિ કરી હતી. આ વાતચીતમાં ભાજપ ૧૫૧ બેઠકોનો લક્ષાંક કેવી રીતે પાર પાડશે તે અંગે પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, કોઈને કઈ કીધા વગર ગુપ્ત રીતે ચૂપકીદીથી મતદાન કરી જતા સાયલન્ટ વૉટરની ટકાવારી ૫૫ ટકા જેટલી હોય છે અને ભાજપ આ લક્ષ્યાંક પાર પાડવા આવા સાઇલન્ટ વૉટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ રણનીતિની છણાવટ કરતાં ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, કોઈ પણ ઉમેદવારને ભાજપની ટિકિટ આપવામાં આવે અને તે ફોર્મ ભરીને અમેરિકા પણ જતો રહે અને જરાય પ્રચાર ન કરે તો પણ તેને ૩૦ હજાર જેટલા મત મળે તેમ સાહજિકપણે માનવામાં આવે છે.

આવી જ રીતે કોંગ્રેસના ઉમેદવારોને પણ ૧૦ હજાર મત મળી શકે છે. કારણ કે, આ બંને મુખ્ય પક્ષના કેટલાક કમિટેડ વૉટર્સ હોય છે. આ કમિટેડ વૉટર્સ સિવાય કેટલાક વૉટર્સ સાઇલન્ટ વૉટર્સ હોય છે. આવા સાયલન્ટ વૉટર્સ પોતે કોને મત આપવાના છે તે કોઈને કહેતા નથી કે કળવા પણ દેતાં નથી અને ચૂપચાપ મતદાન કરી આવે છે. સાયલન્ટ વોટર્સને પોતાની તરફ વાળી શકાય તો ભાજપનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં ઘણી મદદ મળે એ વાત બિલકુલ સાચી છે, કારણ કે આવા મતદાતા મોટા ભાગે સામાન્ય નાગરિકો હોય છે અને તેમાં નોકરી કરતો વર્ગ, નાના વેપારીઓ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો વગેરેનો સમાવેશ થાય છે.  ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીઓ વખતે વાજપેયી સરકારે ઈન્ડિયા શાઈનિંગના સૂત્રને રમતું મુકેલું. આત્મવિશ્વાસથી છલકાતી હતી ભાજપ. ૨૦૦૪ના પરિણામો શું આવ્યા તે સહુ કોઈ જાણે છે. મતદારો અને ખાસ કરીને પેલા સાઇલન્ટ વોટર્સની નાડ પારખવામાં જે પાર્ટી થાપ ખાય તેણે આંચકા માટે તૈયાર રહેવું પડે છે. આ હકીકત ભાજપ સુપેરે જાણે છે. એટલે જ ભૂપેન્દ્ર યાદવને જ્યારે ગુજરાતનો હવાલો સોંપવામાં આવ્યો ત્યારે ગુજરાતના આ જ સાઇલન્ટ મતદારો તેમના મન પર હાવી ગયા હોય એ શક્ય છે. તે દિવસથી માંડી ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યાં સુધીમાં ગુજરાતના રાજકીય પટલ પર જે શ્રેણીબદ્ધ ઘટનાક્રમ બન્યા તે એનો સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ માટે આ સાઇલન્ટ વોટર્સની નાડ પારખવી એ જ મોટી કસોટી બની રહેશે.