2014માં ભાજપની જે રણનિતી હતી તે હવે ગુજરાતમાં 2017માં કોંગ્રેસે અપનાવી
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે વિવિધ આંદોલનોને સોશિયલ મીડિયા પર હથિયાર બનાવ્યા હતા. ભાજપની આ રણનીતિ તેને સત્તા સુધી પહોંચાડવામાં સફળ સાબિત થઇ હતી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પૂર્ણ થયાને સાડા ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. હવે ગુજરાતની ચૂંટણી જીતવી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ત્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે કારગત સાબિત થયેલા આ બે હથિયારનો ઉપયોગ કોંગ્રેસ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ હોંશિયારીપૂર્વક કરી રહી છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ ટુની સરકાર સામે નાગરિકોમાં ફીટકારની લાગણી પેદા થઇ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા ઉપર વિકાસ ગાંડો થયો છે તેવું કોંગ્રેસનું કેમ્પેઇન હીટ થઇ ગયું છે. આ કેમ્પેઇન તો એટલું લોકપ્રિય સાબિત થયું હતું કે તેને પછાડવા ભાજપે તેની ગૌરવયાત્રાના થીમ તરીકે ‘હું છુ વિકાસ, હું છું ગુજરાત’નું સ્લોગન અપનાવવું પડયું હતું. આ ઉપરાંત કોંગ્રેસનું બીજું કેમ્પેઇન મારા હાળા છેતરી ગયા એ પણ ભાજપને ભીંસમાં મુકી દીધો છે. હાલમાં ગુજરાતમાં સ્થિતિ એવી થઇ છે કે, એક તરફ ત્રણ મોટા સમાજના નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞોશ મેવાણીના આંદોલનથી ભાજપની ચિંતાઓ વધી છે.
જ્યારે અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસ ગેલમાં આવી છે. આમ ૨૦૧૪થી ૨૦૧૭ના સાડા ત્રણ વર્ષના શાસનમાં ભાજપના હથિયારો કોંગ્રેસે આંચકી લીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે તો કોંગ્રેસનો પંજો સ્વીકારી લીધો છે તો હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસ સાથે આવવાની ના પાડી રહ્યાં છે પણ ભાજપને પાડી દેવાની વાત કરી રહ્યાં છે જેનો ફાયદો કોંગ્રેસને થતો દેખાય છે. હાર્દિક પટેલ પાટીદાર યુવાનોના લોકપ્રિય નેતા છે. પાટીદાર વોટબેન્ક નિર્ણાયક વોટબેન્ક છે. તે ભાજપની પરંપરાગત વોટબેન્ક મનાય છે પણ જે રીતે પાટીદાર અનામત આંદોલન થયું તે પ્રકારે આ કોર વોટ બેંકમાંથી જેટલા મતો તૂટે તેટલું ભાજપને નુકસાન અને કોંગ્રેસને ફાયદો છે. જ્યારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાવવાથી કોંગ્રેસની પરંપરાગત ઓબીસી વોટબેન્ક પરત ફરે તો ભાજપને ભારે પડી શકે તેમ છે જ્યારે દલિત નેતા જિજ્ઞોશ મેવાણીના આંદોલનની અસર શહેરી વિસ્તારોમાં ભાજપની મજબુતાઇના પાયા હલાવી શકે છે કેમ કે, અમદાવાદ શહેરમાં દલિતોની સૌથી વધુ એટલે કે ૧૮થી ૨૦ ટકા વસ્તી હોવાનો અંદાજ છે.