રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (11:50 IST)

કોંગ્રેસની મંથન બેઠકમાં સૂરતનો મુદ્દો ચગ્યો, અલ્પેશ અને જિજ્ઞેશથી કોંગ્રેસને કોઈ ફાયદો ના થયો

કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પાછળ જવાબદાર કારણોનું હાલ મનોમંથન કરવામાં લાગી છે. પક્ષનું માનવું છે કે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ તેમજ જુનાને બદલે નવા ચહેરાઓને ટિકિટ અપાતા કેટલીક બેઠકો ગુમાવવી પડી. પક્ષના નેતાઓ પણ બે દિવસથી અશોક ગેહલોતની આગેવાનીમાં ચિંતન બેઠક કરી રહ્યા છે. સુરતમાં પાટીદારોનો ગઢ ગણાતી બેઠકોમાં પણ કોંગ્રેસની હાર થઈ છે, અને 16 બેઠકોમાંથી પક્ષ માત્ર 1 જ બેઠક જીતી શક્યો છે.

કોંગ્રેસની સમજમાં એ વાત હજુ નથી આવી રહી કે, સુરતમાં તો હાર્દિકના કાર્યક્રમોમાં જોરદાર ભીડ ઉમટતી હતી, તો પછી તે ભીડ વોટમાં કેમ પરિવર્તિત ન થઈ? પાટીદાર આંદોલન જ નહીં, જીએસટી અને નોટબંધીને કારણે પણ આ ચૂંટણીમાં ભાજપને ફટકો પડશે, અને તેનો ફાયદો પોતાને મળશે તેવી કોંગ્રેસની ગણતરી હતી. જોકે, તે પણ ખોટી પડી છે. જોકે, કેટલાક નેતાઓ માની રહ્યા છે કે, સુરતમાં પક્ષનું સંચાલન જે રીતે થઈ રહ્યું છે તેના કારણે પક્ષની વિરુદ્ધમાં ચૂંટણીનું પરિણામ આવ્યું. કો-ઈનચાર્જ હર્ષ શાકલ્પને પણ હાર માટે જવાબદાર ઠેરવાઈ રહ્યા છે. એટલું જ નહીં, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પણ પોતાની બેઠકો જીતવા સિવાય પક્ષને કશોય ફાયદો કરાવી શક્યા નથી.  માંડવી બેઠક પરથી પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ તેમજ મહુવા બેઠક પરથી પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી કઈ રીતે હાર્યા તેનું કારણ શોધવા પણ મંથન થઈ રહ્યું છે. ચિંતન બેઠકમાં એવું પણ સૂચન કરાયું છે કે, સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહેતા શક્તિસિંહ અને તુષાર ચૌધરી હાર્યા છે. ભરતસિંહ સોલંકીએ તો પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં જે કસૂરવાર ઠર્યું તેની સામે કડક પગલાં લેવાની પણ ચિમકી આપી દીધી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનાવવા પણ કોંગ્રેસે અત્યારથી જ પ્રયાસ શરુ કરી દીધા છે.કેટલાક નેતાઓ દ્વારા ઈવીએમને બદલે બેલેટ પેપર દ્વારા વોટિંગ કરાવાય તેવું પણ સૂચન અપાયું છે. સોલંકીએ જણાવ્યું કે, ઈવીએમ સાથે ચેડાં શક્ય છે કે નહીં તે જાણવા માટે કેટલાક એક્સપર્ટ્સની મદદ લેવાશે. બીજી તરફ, હાર માટે જવાબદાર કારણોનો રિપોર્ટ બનાવીને 23મીએ ગુજરાત આવી રહેલા રાહુલ ગાંધીને તે સુપ્રત કરવામાં આવશે.