શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (11:50 IST)

૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી, ૧૦ બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભલે ભાજપને જીત મળી હોય પણ ભાજપ માટે હરાખવવા જેવુ નથી કેમ કે, શહેરોને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો વધ્યો છે. આ કારણોસર આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતતા ભાજપને આંખે અંધારા આવી શકે છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૦ બેઠકો પર સીધો ફાયદો થશે. વિધાનસભાની ચૂંટણીમાં ડાંગ,તાપી,નર્મદા,અમરેલી,અરવલ્લી,ગીર સોમનાથ,મોરબીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થયો છે. નામપૂરતી એકેય ૂબેઠક મળી શકી નથી. આ ઉપરાંત કોંગ્રેસે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, સુરેન્દ્રનગર, જામનગરમાં સારો દેખાવ કર્યો છે. અત્યારે લોકસભામાં ભાજપ પાસે ૨૬ બેઠકો છે. સુરેન્દ્રનગરમાં ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૨ લાખ મતોથી હારી હતી. આ વખતે આ વિસ્તારમાં કોંગ્રેસને ૪૪ હજારની લીડ મળી છે. બનાસકાંઠામાં પણ કોંગ્રેસને ૨ લાખ મતોથી હારનો સામનો કરવો પડયો તે જ વિસ્તારમાં ૨૬ હજારની લીડ મળી છે. ભરૃચમાં ૧.૫૦ લાખથી હારનાર કોંગ્રેસને વિધાનસભામાં ૧ હજાર મતની લીડ પ્રાપ્ત થઇ છે. જૂનાગઢમાં તો કોંગ્રેસ ૧.૩૫ લાખ મતથી હારી હતી તે વિસ્તારમાં આજે કોંગ્રેસને ૧.૧૪ લાખ મતોની લીડ મળી શકી છે. અમરેલીમાં ય કોંગ્રેસને ૫૦ હજારની સરસાઇ મળી છે.આણંદમાં ગત વખતે ૬૩ હજારથી હાર થઇ આજે ૬૦ હજારની લીડ મળી છે. વિધાનસભાની બેઠકોનો અંદાજ જોતાં કોંગ્રેસને આગામી લોકસભાની ચૂંટણીમાં દસેક બેઠકો પર સીધો ફાયદો પહોંચી શકે છે. ભાજપના દિગ્ગજોને ચિંતા પેઠી છેકે, શહેરોને તો સાચવી શકાયાં છે પણ ગામડાઓમાં હજુય કમળ ખીલી શક્યુ નથી જે લોકસભાની ચૂંટણીમાં જોખમ સર્જી શકે છે. ચૂંટણી પરિણામ પરથી રાજકીય સબક મેળવી ભાજપે ખાસ કરીને ગામડાઓમાં એકડો ફરીથી ઘૂંટવો પડશે. રાજ્યસભાની ચાર બેઠકોની મુદત પૂર્ણ થઇ રહી છે તે જોતાં તેમાં ય કોંગ્રેસ ભાગ પડાવી શકે છે. આમ,વિધાનસભાનુ પરિણામ ભાજપ માટે આંચકો આપનારૃ બની રહ્યું છે.