સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2017 (13:49 IST)

દિગ્ગજો હારતાં બંને પક્ષોમાં મથામણ, ભાજપમાં વિધાનસભાના અઘ્યક્ષ માટે અને કોંગ્રેસમાં વિપક્ષ

દિગ્ગજો હારતાં બંને પક્ષોમાં મથામણ, ભાજપમાં વિધાનસભાના અઘ્યક્ષ માટે અને કોંગ્રેસમાં વિપક્ષના નેતા માટે 
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનેક દિગ્ગજો હાર્યા છે ત્યારે અધ્યક્ષ પદની પસંદગી માટે ભાજપને હવે નવેસરથી કવાયત કરવી પડશે. આગામી વિધાનસભામાં કોંગ્રેસ વિપક્ષ તરીકે વધુ મજબૂત બનીને આવી રહી છે. ત્યારે ગૃહને ચલાવવા માટે શાસક પક્ષને સક્ષમ નેતાની જરૂર પડશે. ભાજપે અત્યારથી આ પદ માટેની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમાં ગણપત વસાવા, આર.સી. ફળદુ અને નીમાબહેન આચાર્યનાં નામો મોખરે છે. આ ચૂંટણીમાં ગત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને આત્મારામ પરમારની હાર પછી સિનિયર અને અનુભવી અધ્યક્ષની પસંદગી ભાજપે કરવી પડશે. નીમાબહેન આચાર્ય અનુભવી અને સિનિયર ધારાસભ્ય છે. ગૃહનું સુકાન તેમણે ઘણી વાર સંભાળ્યું છે તો બીજી તરફ ભાજપના સિનિયર પૂર્વ પ્રધાન ગણપત વસાવા પણ અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. તેમને પણ ગૃહ સંચાલનનો અનુભવ છે. જેથી તેમની પસંદગી પણ પક્ષ અધ્યક્ષ પદે કરી શકે છે. જોકે બીજી તરફ ૧૪મી વિધાનસભાની ટર્મમાં ભાજપની નવી સરકાર માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંચાલન માટે કેબિનેટ પ્રધાનપદ સોંપવા માટે ત્રણથી ચાર ટર્મના સિનિયર ધારાસભ્ય નહીં હોવાથી માત્ર એસસી જ નહીં આદિજાતિ વિકાસ માટે કેબિનેટમાં ગણપત વસાવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં હોઈને તેમને અધ્યક્ષ પદના બદલે પ્રધાન મંડળમાં સમાવવાની વિચારણા પણ સમાંતર રીતે ચાલી રહી છે. ઓબીસી વર્ગ માટે શંકર ચૌધરીના પરાજય પછી ભાજપ પાસે બે વિકલ્પ બચ્યા છે દિલીપ ઠાકોર અને બાબુ બોખીરિયા તેમને પણ પ્રધાન મંડળમાં સમાવવા પડે તેવી પરિસ્થિતિ હોઈને ભાજપને અનુભવી વ્યક્તિત્ત્વની જરૂર પડી શકે છે. તેના માટે ત્રીજા વિકલ્પના ભાગરૂપે આર.સી. ફળદુની પસંદગી અધ્યક્ષ પદે થઈ શકે છે. ફળદુ પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે. આ પરિસ્થિતિમાં ગૃહનું સંચાલન સંભાળી શકે તેવા ત્રણ ચહેરાઓમાં નિમાબહેન આચાર્ય, ગણપત વસાવા અને આર.સી.ફળદુ પર અધ્યક્ષપદની પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.