શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (16:16 IST)

અમદાવાદના રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી, ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું

કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું છે. સામાન્ય રીતે કોંગ્રેસની પ્રચારસભા કે સંમેલનોમાં એક ઉંચા મંચની જ વ્યવસ્થાઓ હોય છે પરંતુ, લોકસભા – 2014ની ચૂંટણી દરમિયાન કાર્યકરો, કોલેજો, ઈન્સ્ટિટયુટ અને સમાજજીવનના વિવિધ વર્ગો સાથે સંવાદ માટે અર્ધવર્તુળાકારે- સી રેપમાં બેઠક વ્યવસ્થા યોજવાનો રાહુલ ગાંધીએ નવો ચિલો ચાતર્યો છે. આથી, ગુજરાત કોંગ્રેસે પણ આજે સાબરમતી રિવર ફ્રન્ટ પરના ઈવેન્ટ સેન્ટરમાં યોજાનારા કાર્યક્રમ માટે સી- રેપમાં બેઠક વ્યવસ્થા કરી છે.

જેમાં તાલુકા- જિલ્લા પંચાયતોથી લઈને પાલિકાઓમાં કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓથી હાજર રહેશે. આ ઉપરાંત વિધાનસભા બેઠક દીઠ 100 કાર્યકરોને જાહેરજીવનના કર્મશીલો, આગેવાનોને કોંગ્રેસે ખાસ આમંત્રણ આપીને તેડાવ્યા હોવાનું જાહેર કર્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષ્યમાં રાહુલ ગાંધી સંવાદ કરશે. આ કાર્યક્રમને લઈને પોલીસતંત્રએ પણ ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે. ગુજરાતની ભાજપ સરકાર પર ચાબખા મારતા રાહુલે કહ્યું હતું કે, ગુજરાતમાં પૈસા હોય તો જ ડિગ્રી મળે છે, અને ડિગ્રી મળ્યા પછી પણ નોકરી માટે યુવકોને ભટકવું પડે છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં 125થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે. રાહુલે કહ્યું હતું કે, ભાજપ અને પીએમ મોદી ગુજરાતમાં ચૂંટણીથી ડરી રહ્યા છે. ભાજપના વિકાસ મોડેલની ટીકા કરતા રાહુલે જણાવ્યું હતું કે, ભાજપના વિકાસના મોડેલની પોલ ખૂલી ગઈ છે. ભાજપના ‘ગરજે ગુજરાત’ કેમ્પેઈનની હાંસી ઉડાવતા રાહુલે કહ્યું હતું કે, ગરજનારા વાદળ ક્યારેય વરસતા નથી. ગુજરાતના લોકોએ ભાજપને સત્તામાંથી દૂર ફેંકી દેવા મન બનાવી લીધું છે. રાહુલે એવી પણ જાહેરાત કરી હતી કે, વિધાનસભાની ચૂંટણીમાં કોને ટિકિટ મળશે તે અંગે પક્ષ ટૂંક જ સમયમાં નિર્ણય લેશે. ભાજપની સામે કામ કરનારા અને ગ્રાઉન્ડ લેવલ પર સંપર્ક બનાવનારા કાર્યકર્તાઓને ટિકિટ અપાશે તેમ તેમણે જણાવ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, 1960માં કોંગ્રેસે ગુજરાતનું સર્જન કર્યું હતું, અને હવે પક્ષ ગુજરાતનું નવસર્જન કરશે.,ભાજપ દ્વારા મીડિયા પર પ્રેશર કરવામાં આવતું હોવા અંગે એક કાર્યકર્તાએ પૂછેલા સવાલનો જવાબ આપતા રાહુલે કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોના માથે 30,000 કરોડનું દેવું છે, અને મોદી સરકારે 60,000 કરોડ રુપિયા ટાટા કંપનીને નેનો કારના પ્રોજેક્ટ માટે આપી દીધા. પરંતુ ગુજરાતમાં ક્યાંય નેનો દેખાતી નથી. મોદી માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે, પરંતુ મીડિયા ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓ નથી ચલાવતા. મીડિયાને પાંચ-છ ઉદ્યોગપતિઓ ચલાવી રહ્યા છે અને મોદી તેમને હજારો કરોડો રુપિયા આપી રહ્યા છે. જે મીડિયા હાઉસ મોદીની વિરુદ્ધ લખવા ઈચ્છે છે તેમનો અવાજ દબાવાઈ રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પક્ષના જ ઉમેદવારને હરાવવા સક્રિય છે તેવા સવાલનો જવાબ આપતા રાહુલે જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિ કરનારા ગમે તે મોટા નેતાને પણ પક્ષમાં કોઈ જગ્યા નહીં મળે. જીએસટી અને નોટબંધી અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા રાહુલે કહ્યું હતું કે, 8મી નવેમ્બરે ખબર નહીં શું થઈ ગયું કે પીએેમને 500 અને 1000 રુપિયાની નોટો સારી નહોતી લાગતી અને તેમણે તેને બંધ કરી દીધી. તેમણે નાણાંમંત્રીને ન કહ્યું, આર્થિક સલાહકાર સાથે વાત ન કરી. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ પોતાના પુસ્તકમાં કહ્યું છે કે નોટબંધી દેશ માટે સારો નિર્ણય નહોતો, પરંતુ પીએમ માત્ર પોતાના મનની વાત કહે છે, કોઈના મનની વાત સાંભળતા નથી. નોટબંધી બાદ 99 ટકા પૈસા બેંકમાં આવી ગયા છે, મોદી કહેતા હતા કે નોટબંધીથી આતંકવાદનો ખાત્મો બોલાઈ જશે, પરંતુ કાશ્મીરમાં આજે રોજ આતંકી હુમલા થઈ રહ્યા છે. નોટબંધી ખરેખર તો ખેડૂતો પર કરાયેલો હુમલો હતો. જીએસટી મામલે કેન્દ્ર સરકાર પર હુમલો કરતા રાહુલે કહ્યું હતું કે, જીએસટી મૂળ કોંગ્રેસનો વિચાર હતો, અને તે પણ હાલના જીએસટી કરતા ઘણો અલગ. કોંગ્રેસે જીએસટીના મહત્તમ દર 18 ટકા રાખવા સુધી કહ્યું હતું, જે હાલની સરકારે વધારીને 28 ટકા કરી દીધો. જીએસટીએ નાના વેપારીઓની હાલાકી વધારી દીધી છે. સરકાર જીએસટીના નામે નાટક કરવા માગતી હતી, જેથી અડધી રાત્રે તેને કોઈ ટ્રાયલ કર્યા વગર જ લાગુ કરી દેવાયો. જેનાથી સૌથી વધુ નુક્સાન ગુજરાતના વેપારીઓને ગયું. ચીન મામલે પણ સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં ફોન, જૂતાથી લઈને શર્ટ પણ મેડ ઈન ચાઈના હોય છે.