બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 28 ઑગસ્ટ 2017 (12:43 IST)

જમ્મુ કાશ્મીરમાં શહિદ થયેલા અમદાવાદના જવાનને શ્રદ્ધાંજલિ, સરકારે શહીદના વારસદારને રૂા. ૪ લાખની સહાય આપી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઇ કાલે જમ્મુ કશ્મીરના પુલવામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા સી.આર.પી.એફ.ના નરોડા અમદાવાદના વીર શહીદ દિનેશ દીપકભાઇ બોરસેને હ્દયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીએ આ વીર શહીદના વારસદારને રૂા. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધીમાંથી આપવાની જાહેરાત કરી છે. આ વીર શહીદનો પાર્થિવ દેહ આજે બપોરે ૧-૦૦ વાગે બી.એસ.એફ.ના ખાસ વિમાન દ્વારા  અમદાવાદ લાવવામાં આવ્યો. શહીદ સ્વ.દિનેશ દીપક બોરસેના પાર્થિવ દેહને એરપોર્ટ પર આવકારવા માટે કાયદા રાજ્ય મંત્રી   પ્રદિપસિંહ જાડેજા અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. નિર્મલાબહેન વાધવાણી, કલેક્ટર   અવંતિકાસિંઘ, પોલીસ કમિશનર એ. કે. સિંઘ તથા લશ્કરના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાયદા રાજ્ય મંત્રી   પ્રદિપસિંહ જાડેજાએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના પુલવા ક્ષેત્રમાં પોલીસ લાઇન પર થયેલા ફિદાઇન હુમલામાં દિનેશ બોરસે શહીદ થયા છે. રાજ્ય સરકારે શહીદ જવાન માટે રૂા. ૪ લાખની સહાય જાહેર કરી છે. આ ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા વધારાની રૂા. ૧ લાખની એસ ગ્રેશિયા સહાયની જાહેરાત ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કરી હતી.આ ઉપરાંત શહીદની પત્નીને આજીવન રૂા. ૧ હજારની સહાય, શહીદના બે બાળકોને ૨૫ વર્ષના થાય ત્યાં સુધી રૂા. ૫૦૦-૫૦૦ની બાળક દીઠ સહાય અને શહીદના માતા-પિતાને રૂા. ૫૦૦-૫૦૦ની આજીવન સહાયની જાહેરાત મંત્રીશ્રીએ કરી હતી. મંત્રીશ્રીએ આ દુઃખની વેળાએ તેમના કુટુંબીજનોને આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે તેવી કામના શહીદને શ્રદ્ધાંજલિ પાઠવતા વ્યક્ત કરી હતી.