શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2017 (12:43 IST)

ભાજપમાં જૂથવાદ વકરતા કાર્યકરો અવઢવમાં, કયા નેતાને સાથ આપવો એની ચર્ચાઓ ચાલુ

કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે  ત્યારે ભાજપની ય આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા જેવી દશા છે. અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચેનો આંતરિક જૂથવાદ એટલો વકર્યો છે કે, વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ નવુ માળખુ ય જાહેર કરી શકતુ નથી એટલે જ જીતુ વાઘાણીને ન ફાવે છતાંયે જૂની ટીમ સાથે કામ કરવા મજબૂર થવુ પડયું છે. 

ભાજપમાં અમિત શાહ અને આનંદીબેન પટેલના આંતરિક જૂથવાદથી ખુદ હાઇકમાન્ડ પણ ચિંતિત છે. આ આંતરિક લડાઇને કારણે જ નવા સંગઠનમાં કોને સમાવવા અને કોના પત્તા કાપવાની લડાઇ એટલી હદે પહોચી છે કે, નવા સંગઠનની રચના પર જ બ્રેક મારી દેવામાં આવી છે. ખુદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને જૂથવાદનું ગ્રહણ નડયુ છે જેના લીધે જૂની ટીમથી કામ લેવુ પડે છે.  જૂથવાદને લીધે ભાજપના કેટલાંય ટોચના નેતાઓમાં મનમેળાપ નથી. આ ઉપરાંત લઘુમતી સહિતના કેટલાંય મોરચાની નિમણુંકો બાકી છે. મોરચામાં નિમણૂંકો મેળવવા હોદ્દેદારો,કાર્યકરો તલપાપડ થઇ રહ્યાં છે, ગોડફાધરો પાસે રજૂઆતો કરી રહ્યાં છે પણ હાઇકમાન્ડ આંતરિક જૂથવાદને લઇને મૂંઝવણ અનુભવી રહ્યું છે.  વિધાનસભાની ટિકિટ આપીશુ તેવુ ગાજર લટકાવી ભાજપના કાર્યક્રમોમાં માત્ર ભીડ એકઠી કરવાની જ કામગીરી કરાવવામા આવી રહી છે.