સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:46 IST)

રીવરફ્રન્ટ પર મોજ કરનારાએ ભારતની રોજગારી છીનવી - જયોતિરાદિત્ય સિંધિયા

દેશમાં રોજગારીની સમસ્યા ફેણ માંડીને ઉભી રહી છે. જેમને અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિંચકામાં બેસાડી ઝૂલાવ્યાં તેમણે જ ભારતની રોજગારી છિનવી લીધી છે તેવો આક્ષેપ કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ મોદી સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે, ચીન દોઢ વર્ષમાં એક કરોડને રોજગારી પુરી પાડે છે જયારે ભારત માત્ર ૩૫ લાખને રોજગારી આપે છે.

આજે ગુજરાતમાંય ૩૦ લાખ બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યાં છે. અમદાવાદમા યુવાસંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા પૂર્વ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ મોદી સરકાર પર આકરાં પ્રહારો કરતાં જણાવ્યું કે, આજે દેશનો ખેડૂત પાયમાલ થયો છે. ટ્રેકટર સહિત ખેતીના સાધનોને જીએસટીમાં આવરી લેવાયાં છે.ડીએપી-યુરિયા ખાતર મોંઘા થયાં છે. ખેતપેદાશોના ભાવ મળતા નથી જેથી ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યાં છે. વિશ્વમાં કયાંય ઘટના બને,મોદી તરત જ ટ્વિટ કરે છે પણ આજદીન સુધી ખેડૂતો આત્મહત્યા કરે છે ત્યારે ટ્વિટ કર્યુ નથી. ગુજરાતમાં ભાજપના ૨૨ વર્ષના શાસનની ટિકા કરતાં તેમણે કહ્યું કે, મહિલાઓ પર બળાત્કારના કિસ્સા વધ્યાં છે. ખુલ્લેઆમ ડ્રગ્સ-દારૃ વેચાય છે. ડૉ.આંબેડકરની ઉજવણી કરનાર ભાજપના રાજમાં દલિતો પર અત્યાચાર થઇ રહ્યાં છે.શિક્ષણની એવી દશા છેકે, ગણિતમાં ૬૫ ટકા અને અંગ્રેજીમાં ૬૨ ટકા બાળકો નાપાસ થઇ રહ્યાં છે. શાળાઓમાં શિક્ષકો નથી. ૨૨ વર્ષમાં એકેય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. કોંગ્રેસના વખતમાં બનેલાં ૭૨૬૩ પ્રા.આરોગ્ય કેન્દ્રો આજેય યથાવત છે. અમદાવાદમાં એકેય સરકારી શાળા-કોલેજ બની નથી. નોટબંધી-જીએસટી બાદ ગુજરાતની ટેક્સટાઇલ્સ,ડાયમંડ સહિતની ઇન્ડસ્ટ્રીઝ મરવા પડી છે. જે સુરતમાં ૪.૫ કરોડ મિટર કાપડનું ઉત્પાદન થતુ ત્યાં આજે ૨ કરોડ મિટર કાપડ ઉત્પાદિત થઇ રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, કોંગ્રેસના દબાણને લીધે જીએસટીમાં મોદી સરકારે ફેરફાર કરવો પડયો.જોકે,કોંગ્રેસ હજુ આનાથી સંતુષ્ટ નથી. અનામતના મુદ્દે સિંધિયાએ એવી સ્પષ્ટતા કરી કે,કોંગ્રેસ બંધારણના દાયરામાં રહીને ઉકેલ લાવશે. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ બદલાની ભાવનાની નહીં,બદલાવની ભાવનાથી લડશે. છેલ્લે તેમણે ભાજપ સામે આંગળી ચિંધતાં કહ્યું કે, પૂરમાં પિડીતોનો આશ્વાસન આપવા આવનારાં રાહુલ ગાંધી પર પથ્થર ફેંકવો, હોટલમાં કોંગ્રેસના નેતાને કોણ મળ છે તેના સીસીટીવી ફુટેજ મેળવવા, હોટલના બેડરૃમ સુધી પહોંચીને સીડી બનાવવી એ રાજનિતી છે,શું આ અહિંસાનો વ્યવહાર છે. આવી છિછરી રાજનિતી હોઇ શકે ખરી.