ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શનિવાર, 29 જુલાઈ 2017 (14:55 IST)

ધારાસભ્યોને ખરીદવા કરોડોની ઓફર, કોંગ્રેસનો સાથ, ભાજપનો વિકાસ: વર્ષોથી ચાલતો સિલસિલો

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક બેઠક પણ ન મળે તેવી મુરાદ સાથે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખેડવવાનું શરુ કરતા અને અર્ધો ડઝન ધારાસભ્યોએ પક્ષ-મતદારો પ્રતિ વફાદારી જેવી આદર્શ વાતોને તિલાંજલિ આપીને રાજીનામા આપી દેતા કોંગ્રેસ હવે રહી સહી આબરું બચાવવાની કવાયતમાં પડી છે. આ અન્વયે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ૧૨ પૈકી ૯ ધારાસભ્યો આજે પ્રગટ થયા કે કરાયા હતા અને ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોને સામ,દામ,દંડ,ભેદથી તોડવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

રાજકોટમાં મુંજકા પાસે કોંગી ધારાસભ્યની ક્લબમાં બે દિવસથી જવાહરભાઈ ચાવડા (માણાવદર), હર્ષદભાઈ રીબડીયા (વિસાવદર), પ્રવિણભાઈ રાઠોડ (પાલીતાણા), પુંજાભાઈ વંશ (ઉના), મેરામભાઈ બોરીયા (જામખંભાળીયા), મહંમદ જાવીદ પીરઝાદા (વાંકાનેર), પરેશભાઈ ધાનાણી (અમરેલી) અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ (રાજકોટ પૂર્વ) , બાબુભાઈ વાજા (માંગરોળ) એ ૯ ધારાસભ્યો અંકબંધ રહે તે માટે રખાયા છે જેઓએ આજે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. ૧૦મા ધારાસભ્ય ભોળાભાઈ ગોહીલ પણ હતા જે આ સ્થળને છોડી ગયા છે. જ્યારે જામનગર જિલ્લાના રાઘવભાઈ પટેલ, હકુભાઈ આવ્યા નથી.આમ, સૌરાષ્ટ્રમાં ૧૨માંથી ૯ ધારાસભ્યો કોંગ્રેસ પાસે અંકબંધ છે તેમ આજે દેખાડાયું હતું અને તમામે એકસૂરમાં કહ્યું કે તેઓને લોકોએ કોંગ્રેસની ટિકીટ પર ચૂંટયા છે અને તેઓ પક્ષ કે પ્રજા સાથે ગદ્દારી કરશે નહીં. કોંગ્રેસ સાથે રહેશે. આ ધારાસભ્યોની હાજરીમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે જે ધારાસભ્યો ભાજપની બીછાવેલી જાળમાં ફસાઈને કોંગ્રેસ છોડી રહ્યા છે તેઓ રાજકીય આત્મહત્યા કરી રહ્યા છે, ભાજપ ભ્રષ્ટાચારથી કમાયેલું ધન તથા સત્તાનો બળપ્રયોગ કરીને ડરાવીને કે લલચાવીને ધારાસભ્યોના પક્ષપલ્ટા કરાવી રહ્યા છે પણ પ્રજાનો મિજાજ ફરશે ત્યારે આ કશુ કામે નથી આવવાનું. રાજકોટ જિ.પં.ની ચૂંટણી પહેલા પણ ભાજપે આવું કર્યું પણ મતદારોએ ૩૬માંથી માત્ર ૨ બેઠકો ભાજપને આપી હતી. આવું ધારાસભા ચૂંટણીમાં પણ થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે ભાજપે કોંગ્રેસના કોઈ ધારાસભ્યને બાકી રાખ્યા નથી, લાલચ આપી, ડર દેખાડયો બધ્ધુ કર્યું છે પણ છતાં આજની સ્થિતિએ બહુમતિ ધારાસભ્યોએ પ્રજા અને પક્ષ પ્રતિ વફાદારી છોડીને ઈમાનનો સોદો કર્યો નથી. ધારાસભ્યોને ખરીદવા કેટલી લાલચ અપાય છે? સવાલના ઉત્તરમાં રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું વેચાઈ જશે તેવું લાગે તેવા ધારાસભ્યોને કે રૃ।.૫થી માંડીને રૃ।.૧૫ કરોડ સુધીની ઓફરો થઈ છે. પણ લોકો જ આવા ધારાસભ્યોને જવાબ આપશે. વાંકાનેરના પીરઝાદાએ કહ્યું કે મને સીધી અને આડકતરી રીતે પક્ષ છોડવા માટે કહેવામાં આવ્યું,લઘુમતિ કોમના નેતાઓ મારફત દબાણ થયું પણ કોંગ્રેસની નીતિને વરેલો હોઉ મેં સ્પષ્ટ ના પાડી હતી. અનૌપચારિક વાતચીતમાં હાજર નવ પૈકીના કેટલાક ધારાસભ્યોએ સ્વીકાર્યું કે સૌરાષ્ટ્રમાંથી હજુ ૩ સહિત રાજ્યમાંથી કૂલ દસેક જેટલા ધારાસભ્યો હજુ પક્ષ છોડે તેવી સંભાવના છે. જો કે તેમને સમજાવવાના પ્રયાસો ચાલે છે. ધાનાણીએ વધુમાં કહ્યું કે ધારાસભ્યોને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા વ્હીપ અપાયો છે અને તે મૂજબ કરવા દરેક બંધાયેલ છે.શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસને મત આપવાનું જાહેર વચન આપ્યું છે. કોંગ્રેસના કૂલ ૫૭ ધારાસભ્યો છે અને અહેમદભાઈ પટેલને જીતવા માટે ૧૮૨ ધારાસભ્યો હોય તો ૪૬ ધારાસભ્યો જોઈએ. રાજીનામા બાદ આ પ્રમાણ ઘટશે અને અહમદભાઈ જીતી જાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી.

રાજ્યસભાની ચૂંટણીમાં હોર્સટ્રેડિંગ: કોંગ્રેસના ધારાસભ્યોને રૃા.૧૦ કરોડની ઓફર થઇ - આદિવાસી-દલિત કોંગ્રેસી ધારાસભ્યોએ સનસનીખેજ ખુલાસો કર્યો - પૂના ગામિત,મંગળ ગામિત,ઇશ્વર પટેલ સહિતના ધારાસભ્યોએ ઓફરો ઠુકરાવી દીધી, રાજપાના હોદ્દેદારો કામે લાગ્ અમદાવાદ, તા. 28 જુલાઇ, 2017, શુક્રવાર ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનશે કેમ કે, કોંગ્રેસના નારાજ ધારાસભ્યો એક પછી એક કેસરિયો ખેસ ધારણ કરી રહ્યાં છે. ખુદ કોંગ્રેસના ધારાસભ્યોએ એવો આક્ષેપ કર્યો છેકે, ભાજપમાં પ્રવેશ મેળવવા માટે રૃા.૧૦ કરોડની ઓફર થઇ રહી છે. આ ઉપરાંત વિધાનસભાની ટિકીટની પણ લાલચ ભાજપ તરફથી મળી રહી છે. આદિવાસી-દલિત ધારાસભ્યોએ આ સનસનીખેજ ખુલાસો કર્યો છે. રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ હોર્સટ્રેડિંગ શરૃ થયું છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ આજે પત્રકાર પરિષદમાં એવો સનસનીખેજ ખુલાસો કર્યો કે, ભાજપના ઇશારે સરકારી અધિકારીઓ,શંકરસિંહની સૂચનાથી રાજપાના હોદ્દેદારો કોંગ્રેસના ધારાસભ્યો સાથે ડીલ કરી રહ્યાંછે. અમિત શાહ સાથે મિટીંગ કરાવી રહ્યાં છે.

વ્યારાના ધારાસભ્ય પૂનાભાઇ ગામિતે એવો આક્ષેપ કર્યો કે,ગઇકાલે જિલ્લા કારોબારી સમાપ્ત થયા બાદ હુ ઘેર પરત ફરી રહ્યો હતો. તે વખતે એક પોલીસ અધિકારી મને મળ્યા હતાં તેમણે કહ્યું કે, આ વખતે તમારી ટિકિટ કપાવવાની છે.કોંગ્રેસે તમને અત્યાર સુધીમા શુ આપ્યું. ચાલો તમને અમિત શાહ સાથે મિટીંગ કરાવું,તમને રૃા.૧૦ કરોડ અપાવું,મારી કાર લઇ ડ્રાઇવર ડિઝલ પુરાવવા ગયો ત્યારે તે વખતે મને લાગ્યું કે, મારૃ અપહરણ થશે એટલે મેં મોબાઇલ ફોન બંધ કરીને મારી પુત્રીના ઘેર સુરત પહોંચ્યો હતો. ત્યાંથી મે ધારાસભ્ય આનંદ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. ડાંગના ધારાસભ્ય મંગળ ગામિતે કહ્યું કે, હું આહવા મહિલા સશક્તિકરણની બેઠકમાં ગયો હતો ત્યાં ખુમાનસિંહ વાંસિયાનો ફોન આવ્યો કે, શંકરસિંહ તમને બોલાવ્યાં છે. હું તમને તેમની સાથે વાત કરાવું. બાપુ સાથે મારી વાત થઇકે, તમે ગભરાવો નહીં,બધી વ્યવસ્થા થઇ જશે. વાંસિયાએ એમ પણ કહ્યું કે, ભાજપની ટિકિટ કન્ફર્મ સાથે સાથે ચૂંટણીનો ખર્ચ પણ હું આપીશ. ત્યારે મે કહ્યું કે, જે પક્ષે આદિવાસીઓની ઘોર ખોદી છે તેમાં કેવી રીતે જોડાઇ શકું. આ વખતે જે ભરતી થઇ તેમાં તલાટી,ફોરેસ્ટર,કલાર્ક તરીકે એકેય આદિવાસીને નોકરીએ લેવાયો નથી. હું ભાજપમાં જોડાઇ શકુ નહીં. ધરમપુરના ધારાસભ્ય ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું કે, અહેમદ પટેલે ફોર્મ ભર્યુ ત્યાર બાદ ભાજપના નેતાઓના મારાં પર ફોન આવવા માંડયા છે. ટિકિટ અને નાણાંની ઓફરો થવા માંડી છે.પણ મેં તેમને એટલું જ કહ્યું કે, જે પક્ષે મને નબળાવર્ગમાંથી ટીકીટ આપીને માન સન્માન આપ્યું તેને તેવી રીતે છોડી શકાય. માંડવીને ધારાસભ્ય આનંદ ચૌધરીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ૧૫ કોંગ્રેસી આદિવાસી ધારાસભ્યો અકબંધ રહેશે અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને જ મત આપશે.