મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (14:40 IST)

ઈવીએમની ગરબડ જીતી છે પણ મારી લડાઈ ચાલુ રહેશે - હાર્દિક પટેલ

હાર્દિક પટેલે ટવીટ કરીને કહ્યું હતું કે ભાજપ સરકારની કાર્યવાહીથી ડરવાનો નથી અને પાટીદાર સમાજના હક માટે અમારી લડાઈ ચાલુ જ રહેશે. તેણે કહ્યું કે, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેની સામે કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહી છે, પરંતુ તે તેનાથી ડરશે નહીં અને પોતાનું આંદોલન ચાલુ રાખશે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના એક દિવસ પછી હાર્દિકે ટવીટ કરી આ આશંકા વ્યકત કરી હતી. તેણે કહ્યું કે, ‘ભાજપે મારી સામે કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી છે. કંઈ વાંધો નહીં, હું પાછીપાની નહીં કરું જનતા માટે લડાઈ ચાલુ રાખીશ. મને જેલમાં નાખવાથી લડાઈ બંધ નહીં થાય. ઇન્કલાબના નારાથી લડાઈ ચાલુ રહેશે’ તેણે કહ્યું કે, ‘ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ એક સશકત વિપક્ષ તરીકે ઊભરી છે. આપણે એ જોવું પડશે કે તે વિપક્ષની ભૂમિકા નિભાવતી વખતે કઈ રીતે લોકોની સેવા કરે છે.’ ઈવીએમ પર હાર્દિકે કહ્યું કે, ‘ચૂંટણીપંચે જે કંઈ પણ કહ્યું છે, તે સંપૂર્ણ અને અંતિમ નથી. જો એક ઉમેદવાર કહે છે કે, તેને ઈવીએમ સામે વાંધો છે, તો વીવીપેટ સ્લીપની ચોક્કસ રીતે ફરીથી ગણતરી કરવી જોઈએ.’  તેણે કહ્યું કે, ‘હાર્દિક નથી હાર્યો, બેરોજગારી હારી છે. શિક્ષણની હાર થઈ છે. સ્વાસ્થ્યની હાર થઈ છે. ખેડૂતોની ભીની આંખો હારી છે. લોકો સાથે જોડાયેલા દરેક મુદ્દા હાર્યા છે અને એક આશા હારી છે. સાચું કહું તો ગુજરાતની જનતા હારી છે. ઈવીએમની ગરબડ જીતી ગઈ છે.