હું કોંગ્રેસમાં જોડાવાનો નથી, જિજ્ઞેશ મેવાણીનો ખુલાસો
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાની અટકળોને સંપૂર્ણપણે ફગાવી છે અને ખુલાસો કર્યો છે કે તે કોઈ પણ પાર્ટીમાં જોડાશે નહીં. તેણે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી કોંગ્રેસ સહિત કોઈ પણ પાર્ટીમાં તે નહીં જોડાય. જિજ્ઞેશ મેવાણીની આ જાહેરાતથી કોંગ્રેસને ઝાટકો લાગી શકે છે. આ પહેલા મંગળવારના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને જિજ્ઞેશ મેવાણીની મુલાકાતની અટકળો ચાલી રહી હતી.
ગુજરાતમાં 7 ટકા દલિત છે અને તાજેતરમાં જ દલિતો સાથે થયેલી ઘટના પછી દલિત સમાજમાં વર્તમાન સરકાર પ્રત્યે રોષની લાગણી છે. કોંગ્રેસ આ મુદ્દાનો ઉપયોગ ચૂંટણીમાં કરવા માંગતી હતી પણ તેણે પોતાની ફેસબુક વૉલ પર જાણકારી આપી હતી કે તેમની કોઈ પણ મુલાકાત છુપી નહીં હોય. તેણે કોંગ્રેસને દલિતો મુદ્દે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાનું પણ કહ્યું છે. આ પહેલા રવિવારના રોજ પણ તેણે કહ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીમાં નહીં જોડાય. ભાજપને કઈ રીતે હરાવશો તેમ પુછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, દલિતોએ પાછલા એક-દોઢ વર્ષમાં નક્કી કરી લીધું છે કે ભાજપને વોટ નહીં આપે. હું, અલ્પેશ અને હાર્દિક ભાજપ વિરુદ્ધ છીએ. જ્યારે અમે સાથે આવીશું તો ભાજપની હાર નિશ્ચિત છે.