શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2017 (12:55 IST)

LPGના બિલમાં રૂપાણી અને નિતીન પટેલની તસવીરનો વિવાદ, કોંગ્રેસે કરી આચારસંહિતાની ફરિયાદ

LPGના બિલમાં રૂપાણી અને નિતીન પટેલની તસવીરનો વિવાદ, કોંગ્રેસે કરી આચારસંહિતાની ફરિયાદ
  ગુજરાત વિધાનસભાનીયોજાનારી ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરાયા બાદ ચૂંટણી આચારસંહિતા કડકાઇપૂર્વક અમલમાં આવી ગઇ છે. ઠેકઠેકાણેથી તંત્ર દ્વારા જે તે રાજકીય પક્ષ્ કે સરકારી યોજનામાં હોદ્દ્દારોને દર્શાવતા પરવાનગી વગરના હોર્ડિંગ્સ અને બેનરને ઉતારવાની કામગીરી ચાલી રહી છે. આ સંજોગોમાં સરખેજ વિસ્તારમાં આવેલી એક ગેસ એજન્સીએ ગ્રાહકને પાઠવાયેલા બિલમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની તસવીર દર્શાવતી સ્વચ્છ ભારત મિશનની જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. સરખેજ વિસ્તારના સોનલ સિનેમા રોડ પર આવેલી યુનિટી ગેસ એજન્સીએ એલિસબ્રિજ ખાતેની કોંગ્રેસ હાઉસ ઓફિસ એટલે કે રાજીવ ગાંધી ભવનને કાંતાબહેન શર્માના નામથી મોકલાવાયેલા રૂ.૬૪રનાં સિલિન્ડરનાં બિલથી વિવાદ સર્જાયો છે. ગત તા.૩૦ ઓકટોબર, ર૦૧૭ના આ બિલની નીચેની જગ્યાએ ગુજરાત સરકારની સ્વચ્છ ભારત મિશન હેઠળની સ્વચ્છતાનું મહત્ત્વ દર્શાવવા સૂકો અને ભીનો કચરો જુદા રાખવાની અપીલ કરતી જાહેરાત છે. આ જાહેરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની તસવીર પણ હોઇ કોંગ્રેસ દ્વારા ચૂંટણી આચારસંહિતા ભંગની કલેકટર કચેરીમાં ફરિયાદ કરાઇ છે. પ્રદેશ કોંગ્રેસનાં સૂત્રો કહે છે કે, વિધાનસભાની ચૂંટણીને લગતી આચારસંહિતા અમલમાં મુકાઇ ગઇ હોઇ આ પ્રકારે તસવીરને પ્રસિદ્ધ ન કરી શકાય. ચૂંટણી આચારસંહિતા ભંગને લગતી ગઇકાલે જિલ્લા કલેકટર કાર્યાલયમાં ફરિયાદ દાખલ કરાઇ છે. દરમ્યાન કોંગ્રેસની ફરિયાદ મળતાવેંત કલેકટર તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ગેસ સિલિન્ડર બિલમાં તસવીરો પ્રસિદ્ધ કરનાર ગેસ એજન્સીની ઓફિસમાં ગઇ કાલે સાંજે જ રૂબરૂ તપાસ કરાઇ હતી.