ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (15:21 IST)

લોકોએ એટલો કિચડ નાંખ્યો જેનાથી કમળની જીત સરળ થઈ - મોદી

ભુજની લાલન કોલેજમાં ચૂંટણી સભા સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જાત-જાતના લોકો અને ભાત-ભાતના લોકોએ એટલો કીચડ ઉછાળ્યો છેકે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયું છે. જેમણે આવીને કીચડ ઉછાળવાની કપરી મહેનત કરી ખૂણે ખૂણે જઇને કીચડ ઉછાળ્યો, આજની પળે આ કીચડ ઉછાળનારાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કમળ ખીલવામાં આ કીચડ કમળની મોટી તાકાત બની જતો હોય છે અને હું ગુજરાતની રગે રગને જાણું છું.  કોંગ્રેસના મિત્રો ગુજરાત તમને ક્યારેય માફ નથી કરવાનું.

ગુજરાતે ક્યારેય તમને સ્વીકાર્યા નથી. તેનું કારણ સરદાર પટેલના જમાનાથી તમે ગુજરાતને દાઢમાં રાખીને ગુજરાતને પાછળ ધકેલવામાં કોઇ પાછી પાની કરી નથી. આ ગુજરાતના લોકો મહા ગુજરાતનું આંદોલન ચલાવતા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યાલયમાંથી તમે ગુજરાતની માંગણી કરનારાઓ પર ગોળીઓની રમઝટ ચલાવી હતી. ગુજરાતના યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. માત્ર સરદાર પટેલ નહીં તમે ડગલે ને પગલે ગુજરાત પ્રત્યે વેર વાળવામાં ક્યારેય કચાશ નથી રાખી. આજથી ત્રીસ વર્ષ પહેલા મા નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું હોત તો લોકોને હિજરત કરીને જવું પડ્યું ન હોત.