શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 18 એપ્રિલ 2017 (12:56 IST)

શંકરસિંહ જૂથના 38 ધારાસભ્યોની હાઈકમાન્ડને રજુઆત, બાપુને સીએમ પદના ઉમેદવાર બનાવો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે તેવી માગ વધુ ઉગ્ર બની છે. જેને પગલે કૉંગ્રેસ હાઇકમાન્ડે સોમવારે તાબડતોડ પ્રદેશ પ્રભારી ગુરૂદાસ કામતને મુંબઇથી ગુજરાત દોડાવ્યા છે. શંકરસિંહના નિવાસસ્થાને વસંગ વગડોમાં સાંજે સાત વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી બેઠકનો દોર જામ્યો હતો, જેમાં પ્રભારી કામત સમક્ષ શંકરસિંહ જૂથના 36થી 38 ધારાસભ્યોએ એકીસૂરે રજૂઆત કરી હતી કે ચૂંટણીમાં શંકરસિંહને પક્ષની કમાન સોંપી મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જોઇએ. બેઠકમાં હાજર ધારાસભ્યોએ દાવો કર્યો કે અમે પ્રભારી કામત સમક્ષ રજૂઆત કરી છે કે, ચૂંટણી જીતવી હોય તો દરેકની જવાબદારી નિશ્ચિત હોવી જરૂરી છે.

પક્ષની કમાન કોઇ એક વ્યકિતના હાથમાં હોવી જોઇએ. શંકરસિંહ વાઘેલાને ચૂંટણીમાં કમાન સોંપી છુટ્ટોદોર આપવો જોઇએ અને તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જોઇએ. અલબત્ત સમગ્ર બેઠકમાં શંકરસિંહને કમાન સોંપવાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. કૉંગ્રેસ પક્ષની તાકીદે મળેલી બેઠકમાં કોંગીના 56 ધારાસભ્યો હાજર હતાં. બેઠક બાદ પ્રભારી કામતે ક્હ્યું કે શંકરસિંહને સીએમ પદ માટે રજૂઆત મળી છે. જેની રજૂઆત હાઇકમાન્ડને પહોંચાડીશ અને તેઓ જ અંતિમ નિર્ણય લેશે. પ્રદેશ પ્રમુખ અમેરિકાથી પરત આવી ગયા છે પણ બેઠકમાં ગેરહાજર રહ્યાં હતા. અગાઉ શંકરસિંહ બાપુએ કહ્યું હતું કે મને ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર થવામાં કોઇ રસ નથી, મારે તો પક્ષ માટે કામ કરવું છે.