શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (11:34 IST)

વાંદરા સાથે સરખામણીના વિવાદિત નિવેદન બાદ પરેશ રાવલે માફી માંગી

અમદાવાદના સાંસદ અને અભિનેતા પરેશ રાવલને ભરૂચ જિલ્લાના રાજપુત સમાજે  પરચો આપી દીધો છે. રાજકોટમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન વેળા તેમણે રાજા રજવાડાઓની સરખામણી વાંદરા સાથે કરતાં રાજપુતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જંબુસરમાં સભાને સંબોધવા આવેલા પરેશ રાવલને ટંકારી ભાગોળ ખાતે સમાજના યુવાનોએ ઘેરો ઘાલતાં તેમને બે હાથ જોડી માફી માંગવી પડી હતી. ભરૂચમાં અભિનેતાનો વિરોધ કરવા જઇ રહેલાં 15થી વધારે રાજપુત યુવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી.

રાજયમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો જામ્યો છે ત્યારે નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહયાં છે. ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે રાજકોટમાં રાજા રજવાડાઓની સરખામણી વાંદરાઓ સાથે કરતાં વિવાદ થયો હતો. તેમના નિવેદન સામે રાજપુત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. કરણીસેનાએ પરેશ રાવલના વિરોધ કરવાની જાહેરાત કરી હતી. રવિવારે પરેશ રાવલને ભરૂચના રાજપુતોએ અસલ દરબારી મિજાજના દર્શન કરાવી દીધાં હતાં.જંબુસરના ટંકારી ભાગોળ ખાતે રાજપુત યુવાનોએ પરેશ રાવલનો ઘેરો ઘાલ્યો હતો. યુવાનોનો મિજાજ પારખીને પરેશ રાવલને બે હાથ જોડી માફી માંગવી પડી હતી. ભરૂચ શહેરમાં પરેશ રાવલની સભાનો વિરોધ કરવા જઇ રહેલાં રાજપુત સમાજના 15થી વધારે યુવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી. જંબુસરમાં પરેશ રાવલે રાજપુત યુવાનો સમક્ષ બે હાથ જોડી દીધા હતાં અને આખા સમાજની માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજપુત સમાજ માટે મને ગર્વ છે. મારા મોં માંથી તે દિવસે શું નીકળી ગયું તેની મને ખબર નથી. સમાજના માતા, બહેનો અને ભાઇઓની હું માફી માંગું છું.