શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2017 (16:36 IST)

અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ શંકરસિંહને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

ગુજરાતમાં ભાજપની સામે ચૂંટણી મોરચો ખોલવા કોગ્રેસ હાઈકમાન્ડ સફાળુ જાગ્યુ છે અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ બાબાએ એકાએક જ ગુજરાતના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીને દિલ્હી બોલાવ્યાં છે. જેને લઈને અનેક ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતના બંન્ને નેતાઓની સાથે જ કોંગ્રેસના ગુજરાત પ્રભારી ગુરુદાસ કામતને પણ હાઈકમાન્ડે તેડુ મોકલાવ્યું છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની બજેટ બેઠકનો આજે છેલ્લો દિવસ છે. દોઢ મહિનો ચાલેલી બજેટ બેઠક હવે પૂર્ણ થવાની હોઇ ચૂંટણીલક્ષી કવાયતોનો દોર જોરશોરથી આરંભાશે. જે રીતે અમિત શાહે એક જ દિવસ ગુજરાત રોકાઈને સંગઠનમાં જોમ ભરી દીધુ અને ચૂંટણી માટે તૈયાર રહેવાની કાર્યકર્તાઓને હાકલ કરી છે તે ભાજપની એક મોટી સફળતા છે. તો તેની સામે કોગ્રેસને પણ ચૂંટણી માટે તૈયાર થઈ જવા આદેશ અપાયો છે. રાજ્ય સરકારની રજેરજ જાણતા વિપક્ષી નેતા શંકરસિહ વાઘેલાને સમગ્ર ચૂટંણી કેમ્પેઈનની કમાન સોંપાય તેવા એંધાણ મળી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલને પણ મહત્વની જવાબદારી સોંપાશે. સમગ્ર ચૂંટણીમાં પાટીદાર નેતાઓ પર વધુ ફોકસ કરવા અને તેમની પસંદગી કરવાની ચર્ચા વહેતી થઈ છે.હાઇકમાન્ડનું તાકીદનું તેડું આવતાં ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા આજે સવારની ફલાઇટ પકડીને દિલ્હી જવા રવાના થયા છે. ચૂંટણીલક્ષી કાર્યક્રમોને અનુલક્ષીને આ બંને નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ચર્ચા વિચારણા કરશે. પ્રદેશ કોંગ્રેસનાં ટોચનાં સૂત્રો વધુમાં જણાવે છે કે હાઇકમાન્ડ પાસેથી ઉમેદવારોની પસંદગી સહિતનાં ભાવિ આયોજન અંગે માર્ગદર્શન મેળવીને આ બંને નેતાઓ આજે સાંજે અમદાવાદ પરત ફરશે. જોકે ભરતસિંહ અને શંકરસિંહની અચાનક દિલ્હી મુલાકાતના પગલે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે.