રાહુલ ગાંધી આજે પહેલીવાર ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર, બે રેલીઓને કરશે સંબોધિત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે પહેલીવાર પાર્ટીની બે રેલીઓને સંબોધિત કરશે. તેમણે આ ચૂંટણીમાં અત્યાર સુધી રાજ્યમાં પાર્ટી માટે પ્રચાર કર્યો નથી. ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારથી પણ અંતર રાખ્યું હતું. તેઓ સોમવારે બપોરે 1 વાગ્યે સુરત જિલ્લામાં પ્રથમ રેલીને સંબોધશે. ત્યાર બાદ તેઓ બપોરે 3 વાગ્યે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં બીજી રેલીને સંબોધશે. ભારત જોડો યાત્રા શરૂ કર્યા બાદ આ તેમનો પ્રથમ રાજકીય કાર્યક્રમ હશે.
રાજકોટ અને સુરત જશે રાહુલ
કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' વચ્ચે કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં જાહેર સભાઓને સંબોધવા માટે તૈયાર છે. રાહુલ રાજકોટ અને સુરત જઈને જાહેરસભાઓ કરશે.
મહારાષ્ટ્રમાં હાલમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં પ્રવેશતા પહેલા આ યાત્રાએ તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ઘણા ભાગોને કવર કરી લીધા છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ તેના 179 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.