ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: બીજા તબક્કા માટે કૉંગ્રેસે કોને બનાવ્યા સ્ટારપ્રચારક?
હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને પાર્ટીના અન્ય સિનિયર નેતાઓ દિગ્વિજયસિંહ અને રમેશ ચેન્નીથલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કૉંગ્રેસ માટે પ્રચાર કરી શકે છે.
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમલનાથ અને અશોક ચવ્હાણ પણ 5 ડિસેમ્બરના રોજ યોજાનાર 93 બેઠકો પરના મતદાન અગાઉ બીજા તબક્કામાં પ્રચારાર્થે ઊતરી શકે છે.
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે બીજા તબક્કા માટેના પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં ઉપરોક્ત નામો સમાવિષ્ટ કર્યાં છે.
નોંધનીય છે કે ભારતના ચૂંટણીપંચના નિયમો અનુસાર આ સ્ટાર પ્રચારકોનો પ્રચારખર્ચ જે તે ઉમેદવારના પ્રચારખર્ચમાં ગણવામાં આવે છે. શનિવારે 40 નામોવાળી આ યાદી બહાર પડાઈ હતી.
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાવા જઈ રહ્યું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.
પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પાર્ટીપ્રમુખ સોનિય ગાંધી અને રાહુલ ગાંધી, પાર્ટીનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય સિનિયર નેતાઓ બીજા તબક્કા માટે ચૂંટણીપ્રચાર કરી શકે છે.