બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

આગામી વિધાનસભામાં વધુ અપક્ષો ચૂંટાશે !

ગુજરાતની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીના અપક્ષોની સ્થિતિ

અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની 1995માં યોજાયેલી ચૂંટણીમાં સૌથી વદુ 16 અપક્ષો ચૂંટાયા હતા મુંબઈ રાજ્‍યની 1957માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી સિવાય ગુજરાત રાજ્‍યની સ્‍થાપના થી લઈને 2002 સુધીમાં યોજાયેલી કુલ 10 વિધાનસભા ચૂંટણીઓમાંથી એકપણ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો ચૂંટાયા નથી.

સૌરાષ્ટ્રને ભેળવી દેવાયા પછીના ગુજરાતી ભાષી નાગરિકોની બહુમતી ધરાવતા પ્રદેશમાં ફેલાયેલી 118 બેઠકો ઉપર 30 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા, જે રેકોર્ડ ગુજરાતની રચના પછી પણ અકબંધ છે. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા અને જીતેલા 1957ના પ્રત્‍યેક ગુજરાતી ઉમેદવારનું સ્‍થાન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કરતા મતદારોના માનસમાં અચૂક પણે ઉંચુ હશે તે સાબિત થયા વગર રહેતું નથી. અપક્ષ તરીકે જીતવા માટે વ્‍યક્‍તિગત શાખ ઉંચી હોવી જોઈએ તેવો એ જમાનો હતો. ગુજરાતની રચના પછી યોજાયેલી ચૂંટણીઓ પૈકી 1962માં 7, 1967માં 5, 1972માં 12, 1975માં 14, 1980માં 10, 1985માં 8, 1990માં 11, 1995માં 16, 1998માં 3 અને 2002માં ફક્‍ત 2 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા. જે બાબત અપક્ષ ઉમેદવારી જેવી મહત્‍વની પ્રથાનું ધોવાણ બતાવે છે.

હાલ ગુજરાત તરીકે ઓળખાય છે તે પ્રદેશમાં આવેલી બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવારોની લોકપ્રિય ઘટના પાછળ 1956માં ભાષાના ધોરણે રાજ્‍યોની પૂર્નરચના કરવા વિશે સમગ્ર દેશમાં જાગેલા વિવાદનો પ્રતિઘોષ હશે તેવું લાગ્‍યા વગર રહેતું નથી. ભાષાના ધોરણે અલગ રાજ્‍ય મળે તો જ આપણો વિકાસ થશે તેવી પ્રજાની લાગણીનો પડઘો તેની અસર ગુજરાતમાં તમામ પ્રદેશમાં સરખી હતી.

ખાડીયા બેઠક જેવા જાગૃત અને એલિસબ્રીજ બેઠક જેવા શિક્ષિત સંપન્ન મતદારોએ અપક્ષ તરીકે શ્રી બ્રહ્મકુમાર રણછોડલાલ ભટ્ટ તથા શ્રી ગણપતરામ ગોકળદાસ પટેલ ઉપર પસંદગી ઉતારી હતી. તો આદિવાસી પ્રદેશ બે અલગ અલગ છેડા ઉપર આવેલી ભિલોડા અને દેવગઢ બારીયા જેવી બેઠકો ઉપર હજુ 2002માં પણ જેમના વિકાસ માટે કરોડોનો ખર્ચની યોજના ઘડવી પડે છે તેવા આદિવાસી મતદારોએ શ્રી હિતાભાઈ મરતાભાઈ તરાલ તથા શ્રી જયંત કાશીરામ પંડયા જેવા અપક્ષ ઉમેદવારોને વિજય અપાવ્‍યો હતો. મૂલ્‍યો, સિધ્‍ધાંત અને સેવા જેવા ઉદ્દેશ ધરાવતા મજબૂત આગેવાનો કોઈ પક્ષનો ખેસ પહેરવા કરતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝુકાવત અને મતદારો તેમને ચૂંટી કાઢતા તે સમયની આ વાત છે. અપક્ષ એટલે અસંતુષ્ટ ઉમેદવાર જેવી પરિસ્‍થિતિ ઉભી થશે તેવી 1957માં મતદાર કે નેતા, કોઈને કલ્‍પના પણ નહીં હોય.

ભારતની ચૂંટણી વ્‍યવસ્‍થામા પક્ષોના ઉમેદવારની સાથો સાથ અપક્ષ તરીકે પણ નાગરિકો ચૂંટણી લડી શકે તેવી દુરંદેશીભરી વ્‍યવસ્‍થા કરનાર આપણા બધારણના ઘડવેયાઓ, લોક પ્રતિનિધિત્‍વ કાયદો ઘડનાર સંસદને તથા મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી યોજવાની જવાબદારી સંભાળતાં ચૂંટણી પંચને પણ કલ્‍પના નહી હોય કે અપક્ષ ઉમેદવારની પ્રથાનું આટલું ધોવાણ થઈ જશે.

- 182 બેઠકો માટે 1268 ઉમેદવાર : ગઈ ચૂંટણીમાં 1000 ઉમેદવાર હતા ગુજરાત વિધાનસભાની 11 અને 16 ડીસેમ્‍બરે થનારી બે તબક્કાની ચૂંટણી મેદાનમાં ઉતરેલા છે. જેમાં માન્‍ય પક્ષો તેમજ અપક્ષોની ભારે બોલબાલા છે. બીજા તબક્કાની 95 બેઠકો માટે ઉમેદવારી પત્રક પાછું ખેચવાના છેલ્લા દિવસે લગભગ 200 જેટલા ઉમેદવારોએ ઉમેદવારીપત્રક પાછું ખેંચતા 599 ઉમેદવારો મેદાનમાં છે. જ્‍યારે પ્રથમ તબક્કાની ચુંટણીમાં 669 ઉમેદવારો મેદાનમાં છે. આમ બંને તબક્કામાં થઈને 182 બેઠક માટે 1268 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 182, કોંગ્રેસના 173, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનાં 8, સી.પી.એમ. 1, ભારતીય જનશક્‍તિ પક્ષ 51, બહુજન પક્ષ 180 જ્‍યારે અપક્ષ ઉમેદવારો 480 છે. એટલે 182 બેઠક માટે કુલ 1268 ઉમેદવારે ચૂંટણી મેદાનમાં ઉભેલા છે.

ગઈ 2002ની ચૂંટણીમાં 182 બેઠકો 1000 ઉમેદવારો ઉભા હતા. જેમાં ભાજપ 182, કોંગ્રેસ 180, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ 81, સમાજવાદી પક્ષ 48 તથા અપક્ષ 344 મુખ્‍યત્‍વે હતાં. આ ઉપરાંત 16 અન્‍ય પક્ષોના ઉમેદવારો પણ 1 થી 29 સુધીના ઉમેદવારો ઉભા રહ્યા હતાં.