આજે 87 બેઠકોની પ્રથમ ચૂંટણી

14 જિલ્લાના 688 ઉમેદવારોનું ભાવી નક્કિ થશે

W.DW.D

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007ની પ્રથમ ચરણની 87 બેઠકો માટેના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. કરછ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાના 1.79 કરોડ મતદારો 19924 મતદાનમથક પરથી પોતાનો મત ઇલેકટ્રોનિકસ વોટિંગ મશીનમાં સેવ કરી 688 ઉમેદવારોનું ભાવી નક્કિ કરશે.

હવે આ વિસ્તારમાં કોઇપણ ઉમેદવાર જાહેરમાં પ્રચાર કરી શકશે નહીં. છેલ્લા પંદર દિવસના નેતાઓના વીજળીવેગી પ્રચાર પ્રવાસો અને અનેક પ્રકારના આરોપો-પ્રત્યારોપો, લોભલાલચો અને વચનોની લહાણી છતાં મતદારો અકળ મૌન ધારણ કરી લેતા ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે મૂંઝવણ ઊભી થઇ ગઇ છે કે કોણ આવશે રાજ કરવાં.

પ્રાપ્ત માહિતી મુજ્બ અમદાવાદ ખાતે સોમવારે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ બબ્બરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મતદાન માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે. પ્રથમ ચરણના મતદાન માટે 580 કંપની અર્ધલશ્કરી દળ, 1.20 લાખ કર્મચારીઓ અને અધિકારીઓ મળીને લગભગ બે લાખ સરકારી ફોર્સ મંગળવારે કામે લાગશે.

એક પ્રશ્નના ઉત્તરમાં બબ્બરે જણાવ્યું કે, મતદાનમથકની આસપાસના વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા હોવાથી અહીં ટોળાઓ ભેગાં કરી શકાશે નહીં. તેની સાથે કોઇપણ વ્યકિત કે પક્ષનો કાર્યકર પ્રચાર કરી શકશે નહીં. એટલું જ નહિ મતદાનકેન્દ્રમાં મોબાઇલ સાથે પ્રવેશ મળશે નહીં.

પ્રથમ ચરણ માટેની મતદારયાદીઓ, અવિલોપ્ય શાહી, ઇવીએમ મશીન, ઇલેકટ્રોનિકસ સ્ટાફ વગેરેને તૈયાર કરી દેવાયા છે. તમામ ઓબ્ર્ઝવર અને માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ સાથે જરૂરી સૂચનાઓ આપી દેવાઇ છે. હવે સોમવાર બપોર બાદ માઇક્રો ઓબ્ઝર્વરને જવાબદારી સોંપવામાં આવશે.

પ્રથમ ચરણમાં કરછ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, ડાંગ, પોરબંદર, નર્મદા, નવસારી એમ 14 જિલ્લાનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ભાજપના 87, કોંગ્રેસના 81, બસપાના 80 ઉમેદવારો છે. જયારે સાત બેઠકો પર એનસીપીના ઉમેદવારો છે.

વેબ દુનિયા|
આ સાથે બોગસ મતદાન અટકાવવા સ્થળાંતરિત અને ગેરહાજર મતદારો અંગેની યાદી અને આવા મતદારોને સંબંધિત વિગતો તૈયાર કરવામાં આવશે. આ યાદી સંબંધિત પ્રિસાઇડિંગ ઓફિસરને અપાશે. મતદાનના દિવસે આવા મતદારોને મતદાન કરવા માટે ફોટો ઓળખકાર્ડ અથવા કમિશને માન્ય કર્યા હોય તે પ્રકારના વૈકિલ્પક દસ્તાવેજની નકલ રજૂ કરે તો મતદાન કરવા દેવાશે.


આ પણ વાંચો :