કોંગ્રેસના મુખ્યમંત્રીપદના દાવેદારો

P.R
અર્જુન મોઢવાડિયાઃ વિધાનસભામાં વિરોધક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયા વિધાનસભામાં ભાજપ અને મુખ્યમંત્રી મોદી સામે આંકડાકીય માહિતી સાથે કોઈપણ પ્રશ્નની ધારદાર રજૂઆત કરી વિધાનસભા ગજવી શકે છે. કાબેલ, હોશિયાર અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અસરકારક ભૂમિકા અદા કરવામાં સફળ રહ્યા છે. ભારતના બંધારણ અનુસાર જાગૃત વિપક્ષી નેતા, પ્રજાના પ્રહરી તરીકે ગુજરાત વિધાનસભામાં જ્યારે ગૃહની બેઠક મળવાની હોય એવા સમયે જરૂરી અભ્યાસ કરીને એકલે હાથે સરકારને મૂંઝવણમાં મૂકી દેવાની ક્ષમતા ધરાવે છે. અર્જૂન મોઢવાડિયા 1998માં યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર બેઠકમાં 16.18% મત મેળવી શક્યા હતા.

ત્રિપાંખિયા જંગમાં રાજપાના ઉમેદવાર હીરાલાલ શિયાળ 21.71% મત, ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખરિયા 53.48% મત મેળવી વિજયી બન્યા હતા. જ્યારે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વાવાઝોડા સામે પણ અર્જુન મોઢવાડિયા ભાજપના બાબુભાઈ બોખરિયાને હરાવવામાં સફળ થયા હતા. મોદી સામે જાહેરમાં ચર્ચા કરવાનો વારંવાર પડકાર ફેંકનાર મોઢવાડિયા વિધાનસભાની પહેલી ટર્મથી જ કોંગ્રેસમાં મહત્ત્વના સ્થાને પહોંચી ચૂક્યા છે.


W.D
નરહરિ અમીનઃ સામાન્ય કોર્પોરેટમાંથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પદે પહોંચનાર નરિહરિ અમીન નવનિર્માણના આંદોલન સમયે ભૂતપૂર્વ સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની નનામીને કાંધ આપનાર એક યુવા નેતા રહ્યા છે. સમય વહી જતાં એ જ નરહરિ અમીન 1990માં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બનતાં તેમના ડાબા હાથ સમાન ગણાતા. ચીમનભાઈ પટેલનો પડછાયો બની રહેલા નરહરિ અમીનનું નામ પણ ગુજરાતના રાજકારણમાં આગળ પડતું રહ્યું. 67, સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાંથી 2001માં યતીન ઓઝાએ રાજીનામું આપતાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલને પરાજિત કરી પુનઃ વિધાનસભામાં પ્રવેશ્યા હતા. જેમાં તેમને 56.81% અને 59203 મત મળ્યા હતા. જ્યારે ભાજપના બાબુભાઈ જમનાદાસને 40733, 39.08% મત મળ્યા હતા. ત્યારબાદ 2002ની વિધાનસભાની યોજાયેલી અમીનનો ટેકેદાર યતીન ઓઝા મણિનગરથી નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડી રહ્યા હતા.

1990માં જનતાદળના ઉમેદવાર રહેલા નરહરિ અમીન 44.90% મત મેળવીને ભાજપના નટુમામાને પરાજિત કર્યા હતા. 1995માં ભાજપના યતીન ઓઝા સામે હારી ગયા હતા. આમ, નરહરિ અમીન ભાજપના યતીન ઓઝા સામે હારી ગયા હતા. આમ, નરહરિ અમીન ગુજરાત કોંગ્રેસમાં મજબૂત સ્થાન ધરાવે છે. પણ હાલમાં સાબરમતી વિધાનસભાની બેઠક પરથી વિજયી બનવામાં મુશ્કેલીઓના સામનો કરવો પડે. કારણકે સાબરમતી ભાજપના ગઢ રહી છે અને હજી પણ હિંદુત્વના સજ્જડ ટેકેદાર સાબરમતી વિસ્તારમાં છે. આ વખતે નરહરિ અમીનને પોતાનો મતવિસ્તાર બદલાવની પણ ફરજ પડે. નરહરિ અમીન પર લાગેલો મૂળ ગોત્ર જનતાદળનો સિક્કો કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનતાં નડી શકે છે. રાજકીય કાવાદાવામાં માહિર નરહરિ અમીન કોંગ્રેસને સંગઠનમાં વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે.

P.R
ભરતસિંહ સોલંકીઃ કોંગ્રેસ પક્ષને ફિનિક્સ (દેવહૂમા) પંખીની જેમ રાખમાંથી બેઠો કરનાર આણંદના યુવા કોંગ્રેસી સાંસદ ભરતસિંહ સોલંકી ગુજરાતમાં કોંગ્રેસને સંગઠિત કરવામાં તમામ તાકાત લગાવીને કામગીરી કરી રહ્યા છે. કોંગ્રેસમાં સૌને સાથે લઈને ચાલવાનો અભિગમ ધરાવનાર ભરત સોલંકી પ્રદેશ પ્રમુખ બન્યા પછી કોંગ્રેસમાં નવું જોમ ફૂંકવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અવનવાં કાર્યક્રમો યોજીને આગામી વિધાનસભામાં સત્તાની નજીક પહોંચવા પ્રયત્નો કરી રહ્યા છે. 1995થી સત્તાવિહીન કોંગ્રેસના નેતાઓ, કાર્યકરોને આગામી ચૂંટણીમાં સત્તા હાથવેંત દેખાય છે ત્યારે પ્રમુખ તરીકે ભરત સોલંકીની કામગીરી મહત્ત્વની પૂરવાર થશે. પિતા માધવસિંહ સોલંકી અને દાદા ઈશ્વરસિંહ ચાવડાનું નામ પણ ભરત સોલંકી માટે મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે.

શક્તિસિંહ ગોહિલઃ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા બાપુ મીડિયામાં લોકપ્રિય છે. પરંતુ 2002ની વિધાનસબાની ચૂંટણીમાં 58, ભાવનગર દક્ષિણની બેઠક પરથી ભાજપના સુનિલ ઓઝા સામે હારી ગયા હતા. જ્યારે શક્તિસિંહ ગોહિલ 1990માં જનતા પક્ષના ઠાકરસી પટેલ સામે 8628 મતોની સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. 1995માં ભજાપના પ્રચંડ વાવાઝોડા સામે પણ શક્તિસિંહ ગોહિલ ભાજપના હરુભાઈ ગોંડલિયા સામે 5217 મતોને સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ 2002માં યોજાયેલી ચૂંટણીમાં ગોધરાકાંડ બાદના તોફાનોમાં ભાવનગર દક્ષિણ વિસ્તાર સળગતો રહ્યો હતો. જેની અસર શક્તિસિંહને પણ દઝાડી ગઈ. હાલ કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ભાજપ અને મુખ્યમંત્રી મોદી સામે પત્રકાર પરિષદો યોજીને મોદીના જુઠ્ઠાણાને ઉજાગર કરી રહ્યા છે અને વાસ્તવિકતા શું છે એ પ્રજા સમક્ષ મીડિયાના માધ્યામથી રજૂ કરે છે.
ધર્મેન્દ્ર વ્યાસ|


આ પણ વાંચો :