ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (08:54 IST)

સીઆર પાટીલે કેજરીવાલના 'કંસની ઓલાદ' નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું

CR Patil
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કેજરીવાલે 8 ઑક્ટોબરે વડોદરામાં આપેલા 'કંસની ઓલાદોનો નાશ કરવા માટે ભગવાને મને મોકલ્યો છે' નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે.
 
તેમણે કેજરીવાલને ભાષા પર સંયમ રાખવા અને ખોટું બોલવાનું બંધ કરવાની સલાહ આપી હતી.
 
આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 8 ઑક્ટોબરે ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચ્યા ત્યારે રાજ્યનાં વિવિધ શહેરોમાં તેમને હિન્દુ ધર્મ વિરોધી ચીતરતા પોસ્ટર્સ લાગ્યાં હતાં. આ વિવાદાસ્પદ ઘટના સામે કેજરીવાલે 8 ઑક્ટોબરની સાંજે વડોદરામાં યોજાયેલી તિરંગા રેલી બાદ આપેલા ભાષણમાં પ્રતિક્રિયા આપી હતી.
 
તેમણે પોતાના વિરોધમાં લગાડેલાં પોસ્ટર્સ માટે ભાજપને જવાબદાર ગણાવીને કહ્યું હતું કે, ભાજપ તેમની નફરતમાં એટલો આંધળો થઈ ગયો છે કે પોસ્ટર પર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું.
 
તેમણે પોતાને ધાર્મિક અને હનુમાનજીના ક્ટ્ટર ભક્ત ગણાવતા કહ્યું હતું કે, આ બધા કંસની ઓલાદ છે. તેમણે જાહેર સભામાં એમ પણ જણાવ્યું હતું હતું કે તેમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો અને ભગવાને તેમને કંસની ઓલાદોનો નાશ કરવા માટે મોકલ્યા છે.
 
કેજરીવાલના આ નિવેદન સામે પ્રતિક્રિયા આપતા સીઆર પાટીલે કહ્યું કે, કેજરીવાલ જેવો જુઠ્ઠો માણસ તેમણે જોયો નથી.
 
પાટીલે વિગતો આપતા જણાવ્યું હતું કે, કેજરીવાલનો જન્મ 16 ઑગસ્ટ 1968ના રોજ થયો હતો અને એ વર્ષે જન્માષ્ટમી 15 ઑગસ્ટે હતી. તો પછી કેજરીવાલ ખોટું કેમ બોલ્યા?
 
તેમણે કેજરીવાલે ભાજપ માટે કરેલી ટિપ્પણીને ગુજરાતીઓ સાથે જોડીને કહ્યું કે, તેમણે (કેજરીવાલે) ગુજરાતના લોકોને કંસ કહ્યા છે. ગુજરાતના લોકોને કંસ કહેવા અને પછી તેમના જ મત લેવા માટે ગુજરાત આવવું એ ગુજરાતમાં જ શક્ય બને. આમ કરીને તેમણે કેજરીવાલને પોતાની ભાષા પર સંયમ રાખવા અને ખોટું બોલવાનું બંધ કરવાની સલાહ આપી હતી.