ગુજરાત રાજ્યના ૫૬ માં સ્થાપના દિવસે રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ પ્રેરક સંદેશ

anandiben
Last Modified રવિવાર, 1 મે 2016 (00:23 IST)


આપણું ગુજરાત, ગૌરવવંતુ ગુજરાત છપ્પનમાં વર્ષમાં પ્રવેશે છે.

ગુજરાતમાં વસતા, ગુજરાત બહાર સ્‍થાયી થયેલા અને વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને મારી અને મારા મંત્રીમંડળની ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભેચ્‍છાઓ.

૧લી મે,૧૯૬૦ના દિવસે ગુજરાતીઓ તરીકે, ગુજરાતના ભાગ્‍યનું નિર્માણ કરવાની એક યાત્રાનો આપણે આરંભ કર્યો.

મહાત્‍મા ગાંધી, સરદાર સાહેબ, સ્‍વામી દયાનંદ સરસ્‍વતી, શ્‍યામજી કૃષ્‍ણ વર્મા, પૂજ્‍ય રવિશંકર મહારાજ, ઇન્‍દુચાચા અગણિત એવા મહાપુરુષો અને મનિષિઓના આશીર્વાદ, અનેક સર્જકો-સાહત્‍યિકારોનું માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ આ બધાની સફળ પરિપાટીએ આપણા ગુજરાતની સાડા પાંચ દાયકાની વિકાસયાત્રાની મંઝિલ આપણે પાર કરી છે. આજે એ સૌનું સ્‍મરણ કરવાનો, ઋણસ્‍વીકાર સાથે અભિવાદન-અભિનંદન કરવાનો અવસર છે.

પડકારો વચ્‍ચે પણ પ્રગતિશીલ ગુજરાતને ઘડવામાંસાડા ૬ કરોડ ગુજરાતીઓની જનશકિતનું સામર્થ્‍ય ઝળકયું છે.

આ સાડા ૬ કરોડ ગુજરાતીઓ એ કોઇ નારો નથી, જનશકિતનો મંત્ર છે.

વિકાસનો મંત્ર છે. આ મંત્ર લઇને ગુજરાતે વૈશ્વિક વિકાસની દિશા પકડી છે.
સૌના સાથ સૌના વિકાસની કેડી કંડારી છે.
એકવીસમી સદીના પ્રારંભના વર્ષોમાં ગુજરાતે સર્વાંગીણ વિકાસની હરણફાળ ભરી છે.
ભારત જ નહિ, એશિયાના વિકસીત દેશોની હરોળમાં ગુજરાત ઊભું રહી ગયું છે.
આનું શ્રેય કોઇ સરકાર કે મુખ્‍યમંત્રીને નહિ, ગુજરાતીઓના શકિત સામર્થ્‍યને ચરણે છે.
આનું સ્‍વાભિમાન સૌ ગુજરાતીઓ લઇ શકે છે.
ગુજરાતના આપ સૌ નાગરિકોના આશીર્વાદ-શુભેચ્‍છાઓ સાથે રાજ્‍યના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી તરીકેનું શાસન દાયિત્‍વ સંભાળવાનું ગૌરવ મને સાંપડયું છે.

આજે ગુજરાતના સ્‍થાપના દિને આપ સૌને નમ્રભાવે કહેવું છે.
આપે જે વિશ્વાસ-મારામાં મૂકયો છે તે સમગ્ર નારીશકિતનું સન્‍માન ગૌરવ છે તેમ હું સમજું છું.

ગુજરાતના સ્‍થાપના દિનની ઉજવણી કરતા હોઇએ ત્‍યારે સ્‍વાભાવિક છે કે રાજ્‍યની વિકાસની ગતિ-પ્રગતિની દિશા અને દશા જાણવાની મનસા-અપેક્ષા હર કોઇ, સરકાર પાસે રાખે જ.

ભાઇઓ-બહેનો,
યુવાશકિત રાષ્ટ્ર અને રાજ્યના વિકાસનો આધાર સ્થંભ છે. એમાંય ભારત તો ૬પ ટકા યુવાધન ધરાવતો વિશ્વનો અગ્રીમ દેશ છે. આ વર્ષ તો મહાગુજરાત ચળવળના પ્રણેતા અને યુવાનો માટે સદાકાળ પ્રેરણામૂર્તિ એવા ઇન્દુલાલ યાજ્ઞિકની સવાસોમી જન્મજ્યંતિનું વર્ષ છે. આપણે આ વર્ષને યુવા વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ.

હું પહેલાં એક શિક્ષક છું અને પછી એક મુખ્યમંત્રી, મારે માટે તો હરહંમેશ રાજ્યના વિદ્યાર્થીઓ-યુવાઓની ઉન્નતિ-પ્રગિત-ઉજ્જવળ ભાવિ અગ્રિમ રહ્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ની શરૂઆત કરી છે. એટલું જ નહીં, પ્રાથમિક શાળાના ૯૨ લાખ બાળકોને શિષ્યવૃત્તિ, ગણવેશ,પાઠ્ય પુસ્તકો આ યોજના અન્વયે આપીએ છીએ. આ યોજનામાં ૩૫ કરોડ ૪૨ લાખની સહાય ઉચ્ચશિક્ષણ માટે રાજ્યના હોનહાર યુવાનોને આપી છે.

સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા અભિયાન અને યુવા વિકાસ વર્ષના ભાગરૂપે, સરકારે સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી છે. રાજ્યના યુવાનોના ઈનોવેટિવ વિચારોને સાકાર કરવા ગુજરાત સ્ટાર્ટઅપ મિશનની રચના કરીને તેમના સપનાં સાકાર કરીશું. રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે અને પ્રોત્સાહિત થાય તે માટે રાજ્ય સરકાર ખેલ મહાકુંભ દ્વારા ખેલાડીઓ ને કરોડો રુપિયા ની સહાય આપે છે. નવી સ્પોર્ટસ પોલીસી (ખેલનીતિ) જાહેર કરી છે. ગતિશીલ ગુજરાતમાં મહિલાઓને વધુ સામર્થ્યવાન બનાવવા માટે આ વર્ષે સતત ત્રીજી વખત જેન્ડર બજેટ રજુ કર્યું છે.

સરકારી નોકરીઓમાં ભરતીમાં ૩૩ ટકા મહિલા અનામત આપીને પોલીસ વિભાગમાં ૨૮૦૦ મહિલાઓની ભરતી કરી છે અને આ વર્ષે વધુ ૨૨ હજાર મહિલાઓની ભરતી કરવાનું આયોજન છે. આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ મહિલાઓને ૫૦ ટકા અનામત આપી છે. સાથે સાથે સ્વરોજગારી આપવા મહિલા જી.આઈ.ડી.સી., મહિલા સંચાલિત દૂધ મંડળીના દૂધ ઘરના નિર્માણ માટે રૂ.૧ ટોકનથી ૩૦૦ ચો.વાર જમીન અને બાંધકામ માટે રૂ.૫ લાખની મદદ અમારી સરકાર કરે છે. મહિલા પશુપાલકોને ચાફકટર, મિલ્કીંગ મશીન, મિલ્ક કુલર માટે સહાય અને ૨.૫ લાખ સખી મંડળો દ્વારા ૩પ લાખ જેટલી બહેનો સ્વનિર્ભર થઈ છે.

સર્વે સન્તુ નિરામયાની આપણી ભાવનાને ચરિતાર્થ કરવા આપણે કેટલીક મહત્વની યોજનાઓ શરૂ કરી છે. મહિલાઓમાં જોવા મળતા સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર માટે 78 લાખથી વધુ મહિલાઓનું સ્ક્રીનીંગ કરાયુ છે. 1018 મહિલાઓને કેન્સર નું નિદાન થયુ છે. આવિ મહિલાઓને વિનામૂલ્યે હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલીટી સારવાર આપવામાં આવે છે. ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને બિમારીની સારવારમાં ખર્ચમાં રાહત આપવા મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજનાનો વ્યાપ વધારી મા- વાત્સલ્ય યોજના માટે ૩૩ ટકાનો વધારો કરી રૂ. ૧૬૦ કરોડ ફાળવ્યા છે.

આ યોજના હેઠળ રૂ. ૨ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને સરકારી હોસ્પિટલો દ્વારા આજીવન વિના મૂલ્યે દવાઓ પૂરી પાડવાનો નિર્ણય અમારી સરકારે કર્યો છે. આકસ્મિક સંજોગોમાં સારવાર મળી રહે તે માટે નવી ૧૦૦ એમ્બ્યુલન્સો ૧૦૮ સેવા માટે રૂ.૧૦૨ કરોડના ખર્ચે મૂકવામાં આવશે.

ભાઇઓ-બહેનો,
કિસાનો આ રાજ્યના વિકાસની ધરોહર છે…આ વર્ષના અંદાજપત્રમાં કિસાનો માટે રૂ. ૨૭,૦૦૦ કરોડનું આયોજન કરી
કૃષિ અને તેને સંલગ્ન સેવાઓ માટે ખાસ જોગવાઈ કરી છે જેમાં ખેડૂતોને ખરીફ પાક માટે રૂ.૩ લાખની મર્યાદામાં માત્ર ૧ ટકાના વ્યાજના દરે ધિરાણ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

ખેતરે ખેતરે સિંચાઈ માટે અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા રૂ.૯૦૫૦ કરોડ, તળાવો ભરવા માટે રૂ. ૫૨૦૦ કરોડ અને સૌરાષ્ટ્રના ડેમો ભરવા માટે ‘સૌની’ યોજના માટે રૂ.૨૦૦૦ કરોડની ફાળવણી આ સરકારે કિસાનો માટે કરી છે. તેમજ ૩ લાખ હેકટર ટપક સિંચાઈ માટે રૂ.૭૬૫ કરોડ તથા ખેડૂતોને આવકની સુરક્ષાનું કવચ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અન્વયે રક્ષણ માટે રૂ.૪૯૫ કરોડની ફાળવણી રાજ્યભરમાં કરી છે.

ખેડૂતો માટે ખાતર, બિયારણ તથા ખેત ઉત્પાદનના સંગ્રહ માટે ગોડાઉન બાંધવા રૂ.૧૨૬ કરોડ તથા ટ્રેકટર-મીની ટ્રેકટરની ખરીદીમાં કિસાનોને સહાય આપવા રૂ.૧૨૦ કરોડ રાજ્ય સરકાર ચૂકવશે. તથા પશુઓની ખરીદી માટે મહત્તમ પાંચ ટકાના દરે ધિરાણ પણ ૩ વર્ષ માટે રાજ્ય સરકાર આપશે.

આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતીત આ સરકારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રૂ.૧૦૨૬૮ કરોડની ફાળવણી કરીને આ વિસ્તારોના આદિવાસીઓને અનેકવિધ લાભો આપ્યા છે.

નર્મદા જિલ્લામાં આદિજાતી યુનિવર્સિટીનું નિર્માણ, ૧૦૦થી વધુ સ્માર્ટ આશ્રમ શાળાનું નિર્માણ. રૂ.૩કરોડના ખર્ચે ૧૦ નવા આદિજાતી કન્યા છાત્રાલયો, રૂ.૧૦ કરોડના ખર્ચે સમરસ છાત્રાલયોનું નિર્માણ કરાશે.

આદિજાતી વિસ્તારમાં પરંપરાગત સિંચાઈ માટેની પદ્ધતિનો વિકાસ, ચેકડેમ, ઉદવહન સિંચાઈ યોજનાઓ માટે રૂ.૯૨૬ કરોડનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત ‘પીવાના શુદ્ધ પાણીની સુવિધા માટે’ જૂથ પાણી પુરવઠા યોજના ‘અને નળ જોડાણ માટે રૂ.૩૫૬ કરોડની જોગવાઈ આ વર્ષે કરાઈ છે.

ગરીબોની બેલી આ સરકારે રાજ્યના પ્રત્યેક જરૂરિયાત મંદ લોકોને સસ્તુ અનાજ અને ચોખા મળી રહે તે માટે મા અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી છે.

આ યોજના હેઠળ રાજ્યના તમામ અંત્યોદય પરિવારોને બે રૂપિયે કિલોઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા, એમ પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ પાંચ કિલો અનાજ આપવાનું નક્કી કર્યું છે. આ દ્વારા ગુજરાતના ૩.૮૨ કરોડ જેટલા નાગરિકોને રાહત દરે અનાજ મળશે.

મિત્રો,
હું જ્યારે જ્યારે ગ્રામ વિસ્તારનો પ્રવાસ કરૂં છું, ત્યારે સ્થાનિક લોકો મને ગામના રસ્તાઓને મજબૂત કરવા હંમેશાં રજૂઆત કરતા રહે છે. ત્યારે ગ્રામ્ય સ્તરે ૫રાં વિસ્તારને ડામરના પાકા રસ્તાથી જોડવા માટે રાજ્યના નોન પ્લાન રસ્તાને ડામરના બનાવવા માટે આપની ગતિશીલ ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો નવતર અભિગમ શરૂ કર્યો છે. જે માટે ચાલુ વર્ષે બજેટમાં રૂ.૨૫૦૦ કરોડની ફાળવણી કરી છે અને આગામી ત્રણ વર્ષમાં રૂ.૧૦ હજાર કરોડની માતબર રકમના કામોનું આયોજન કરાશે. ગુજરાતે શહેરોની જેમ જ ગામડાંનો પણ સમ્યક વિકાસ કરીને ગામડાંને શહેરો સમોવડા બનાવ્યા છે.

એટલે જ હવે સ્માર્ટ સીટીનો આપણો કન્સેપ્ટ સ્માર્ટ વિલેજ સુધી પહોંચ્યો છે.

ગુજરાતના ગામો સ્વાવલંબિ, સ્વચ્છ અને સ્વસ્થ, સમરસ અને આર્થિક રીતે સશક્ત બને તે માટે ગામડાંને પણ હવે સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવાશે. પ્રથમ વર્ષે રાજ્યના લગભગ ૩૦૦ ગામોનો આ યોજના માટે સમાવેશ કરાશે.

મને જણાવતા આનંદ થાય છે કે, સમાજ ઉદ્ધારક, બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જયંતિ ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવાઈ. વંચિતોના વિકાસ અને કલ્યાણ માટે અનેક યોજનાઓ અમારી સરકારે અમલમાં મૂકી છે.

નાગરિકોએ પોતાની સમસ્યા-પ્રશ્નો લઇને ફરવું પડે નહીં.. જ્યાં ત્યાં ભટકવું પડે નહીં તે માટે રાજ્ય સરકાર સામેથી લોકો પાસે પહોંચીને તેમની સમસ્યાના ઉકેલની મથામણ કરે છે. આવા લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં ૯૦ ટકાથી પણ વધારે માત્રામાં આપણે પ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યા છીએ.

સ્વચ્છતા એ આપણા સંસ્કાર છે. ગુજરાતે સ્વચ્છતા માટે સમગ્ર દેશને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સમગ્ર દેશના કુલ વ્યક્તિગત શૌચાલયોના નિર્માણ પૈકી એકલા ગુજરાતે ૭૦ ટકા શૌચાલયોનું નિર્માણ કર્યું છે. કોઇ ગામ શૌચાલય વિહોણું રહે નહીં તેવો આપણો સંકલ્પ છે. શૌચાલયોના નિર્માણમાં અગ્રેસર ગુજરાતે ઘનકચરાના વ્યવસ્થાપન ક્ષેત્રે પણ દેશને નવી દિશા બતાવી છે. ઘન કચરામાંથી વીજ ઉત્પાદન માટે નવી નીતિ હેઠળ શહેરો ઘન કચરા મુક્ત બનશે અને કચરામાંથી કંચન રૂપે વીજળી પેદા થશે.

શહેરો-નગરોમાં વસતા ગરીબ પરિવારોને ઘરના ઘરનું સપનું પૂર્ણ થાય તે અમારો દ્રઢ નિર્ધાર છે.

સ્માર્ટ સીટીના નિર્માણ માટે શહેરોને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવાના સંકલ્પ માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૃહ યોજના જાહેર કરી છે.

આ યોજનામા પાછલા દોઢ વરસમાં 3.51 લાખ મકાનો શહેરો મા બનાવવા ના લક્શ્ય સામે 1.37 લાખ મકાનો બની ગયા છે. અને ગ્રામીણ વિસ્તારોમા 2.70 લાખ મકાનો બની રહ્યા છે.

આવો, વધુ સારું કરીએ, નવિન કરીએ. આપણે બધા મળીને કરીએ. આજે ગુજરાત જે છે તે આપ સૌના કારણે છે. આપના થકી છે. આવતીકાલ પણ આપના કારણે-આપના થકી છે.

અમે બધા તો કદાચ નિમિત્ત છીએ. જે છો તે આપ સૌ સાડા ૬ કરોડ ગુજરાતીઓ છો.

ભાઈઓ-બહેનો,
ગુજરાતની ગઈકાલ, ગુજરાતની આજ એ જ ગુજરાતની આવતીકાલનો આધાર છે.

આવો,
ઉમંગથી આગળ વધીએ. ગુજરાતના વૈશ્વિક વિકાસના સંવાહક બનીએ. ગુજરાત માટે ખૂંપી જાણનારા, ગુજરાત માટે ખપી જનારા સર્વે મહાનુભાવો અનેક નામી-અનામી વંદનીય વડીલોને અંતઃકરણપૂર્વક વંદન કરું છું.

એ દિવ્યાત્માઓના આશિષથી સાડા ૬ કરોડ ગુજરાતીઓના સહિયારા પુરૂષાર્થથી ગુજરાતને વિકાસની ઉર્વરા ભૂમિ, શાસ્વત-અજરા અમર બનાવીએ.

ફરી એકવાર,
ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો, વિશ્વભરમાં પથરાયેલા ગુર્જર બંધુ-ભગિનીઓ સૌને ગુજરાત ગૌરવ દિવસની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું.

જય જય જય ગરવી ગુજરાત


આ પણ વાંચો :