1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Updated : ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (15:51 IST)

આદિવાસી બેઠકો અંકે કરવા ડિસેમ્બરમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલાં નવી 1500 ગ્રામ પંચાયતો ઉમેરવાની તૈયારી

93 આદિવાસી વસતી ધરાવતા તાલુકાઓમાં આ નવી પંચાયતો અસ્તિત્વમાં આવે તેવી શક્યતાઓ 
આદિવાસી અનામત એવી 27 બેઠક પૈકી હાલ ભાજપ પાસે 13 બેઠક છે ઉમરગાવથી અંબાજી સુધીના પટ્ટામાં આવતાં મોટા ગામડાઓના વિભાજન કરી નવી પંચાયતો તૈયાર થશે
 
 
ગાંધીનગર મહાનગર પાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને મત મળવાની ટકાવારીમાં વધારો થયો છે. બીજી તરફ હવે આદિવાસી વિસ્તારની બેઠકો અંકે કરવા ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. આગામી ડિસેમ્બર મહિનામાં રાજ્યની 10 હજાર 500 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પહેલાં નવી 1500 ગ્રામ પંચાયતો ઉમેરવાની તૈયારી ચાલી રહી છે. મોટાભાગે 93 આદિવાસી વસતી, સમૂહ ધરાવતા તાલુકાઓમાં આ નવી પંચાયતો અસ્તિત્વમાં આવે તેવી શક્યતાઓ છે. આ પંચાયતોની ચૂંટણી પણ ડિસેમ્બરમાં અન્ય ગ્રામ પંચાયતો સાથે યોજી દેવાની વિચારણા સરકારમાં ગંભીરતાથી થઈ રહી છે. 
 
આદિવાસી અનામત એવી 27 બેઠક પૈકી હાલ ભાજપ પાસે 13 બેઠક છે
ભાજપ દ્વારા મિશન 2022 હેઠળ વિધાનસભાની તમામ 182 બેઠકના જીતના લક્ષ્યાંક સાથે વ્યૂહરચના ઘડવામાં આવી છે. આ વ્યૂહ રચના મુજબ ગત મહિને ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આદિવાસી અનામત એવી 27 બેઠક પૈકી હાલ ભાજપ પાસે 13 બેઠક છે એ સિવાયની બેઠકો કેવી રીતે જીતવી તેના ઉપર મંથન કરાયું હતું.  આ બેઠકમાં એવો સુર વ્યક્ત થયો હતો કે હવે આદિવાસી વિસ્તારમાં પણ નવા નવા વિસ્તારોમાં માનવ વસતી વધી છે અને એમને પ્રાથમિક પાયાની જરૂરિયાતો પુરી કરવામાં પંચાયત કે મહેસૂલી વિસ્તારની માન્યતા ના હોવાથી ઘણી મુશ્કેલી પડી રહી છે. 
 
નવી ગ્રામ પંચાયતોના સિમાંકન અંગેની કામગીરી પુરી કરાઈ
ઉમરગાવથી અંબાજી સુધીના પટ્ટામાં આવતાં મોટા ગામડાઓના વિભાજન કરી નવી પંચાયતો માટેની પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ દરમિયાન પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નવી ગ્રામ પંચાયતોના સિમાંકન અંગેની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. જિલ્લા સ્તરેથી નવી પંચાયતોની રચના માટેની દરખાસ્તો ગાંધીનગર આવશે અને થોડા સમયમાં તેને મંજુરી મળે એવી શક્યતાઓ છે.  હાલ રાજ્યમાં 14 હજાર 300 ગ્રામ પંચાયતો 18 હજાર 200 ગામોને આવરી લે છે. જેથી હાલ શાસનમાં રહેલી ભાજપ સરકાર આદિવાસી વિસ્તારોમાં આવતી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં વિકાસના નામે મોટા પાયે યોજનાઓ હાથ ધરીને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેનો ફાયદો લેવા માટે પુરો પ્રયાસ કરશે. 
 
રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી
રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી. દરેક પાર્ટી પોતાના સમર્થિત ઉમેદવારો અને સરપંચ વિજયી થયા હોવાનો દાવો કરતી હોય છે. હાલ ભાજપ જિલ્લા, તાલુકા અને પાલિકાઓમાં મહત્તમ સત્તા ધરાવે છે. એવા સંજોગોમાં આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વઘુને વધુ પંચાયતો સમરસ થાય એવા પ્રયાસ કરી સરકારની વિકાસ ગ્રાન્ટનો લાભ લેવા અત્યારથી જ મથામણ શરૂ કરી છે.