Last Modified: શનિવાર, 21 નવેમ્બર 2015 (16:37 IST)
રવિવારના મતદાન માટે સઘન સુરક્ષા વ્યવસ્થા
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેનો પ્રચાર શુક્રવાર સાંજથી પૂરો થઈ ગયો છે. ૨૨મીના રવિવારે ચૂંટણી યોજાશે. સવારના ૮થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન કરાશે. આ માટે રાજય ચૂંટણી પંચ તરફથી બૂથ મુજબ ઈવીએમ (ઈલેકટ્રિક વોટિંગ મશીન) પહોંચતા કરી દેવાયા છે. સ્ટ્રોંગ રૂમ કે બૂથ પાસે સુરક્ષાની વ્યવસ્થા થઈ ગઈ છે. મુક્ત અને ન્યાયી માહોલમાં મતદારો સહેજ પણ ભય રાખ્યા વિના મતદાન કરી શકે તે માટે પોલીસે પણ મોરચો સંભાળી લીધો છે. બીજાબાજુ શુક્રવારે પ્રચારના છેલ્લા કલાકોમાં ભાજપકોંગ્રેસ તરફથી રેલીઓ યોજીને મતદારોને રિઝવવાના પ્રયાસો કરાયા હતા. જોકે, ખરી કવાયત શુક્રવારની રાત અને શનિવારે દિવસ દરમિયાન કરાશે.
આ વખતની ચૂંટણીના પ્રચારમાં ઊડીને આંખે વળગે તેવી બાબત એ જોવા મળી કે, તમામ રાજકીય પક્ષો કે ઉમેદવારોને નાણાંની તંગી અનુભવવી પડી છે. એમ કહેવાય કે, મંદીની અસર ચૂંટણી પ્રચારમાં પણ વર્તાઈ હતી. જેના કારણે પ્રચારના શરૂઆતના દિવસોમાં પ્રચાર જામ્યો નહોતો. પરંતુ શુક્રવારે સાંજે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા પછી રાજકીય પક્ષો અને ઉમેદવારોએ નાણાંની કોથળીઓ ખોલી દેતા નાણાંની રેલમછેલ શરૂ થઈ ગઈ છે.આ વખતે ભાજપને ચૂંટણી પ્રચારમાં પાટીદાર આંદોલનની અસર ઉપરાંત અન્ય અનેક નકારાત્મક પરિબળોનો સામનો જરૂર કરવો પડ્યો હતો. જયારે બીજીબાજુ કોંગ્રેસને બે દાયકા બાદ સાનુકૂળ રાજકીય માહોલની મોજ માણવા મળી હતી પરંતુ હવે, ચૂંટણી પ્રચારનો તબક્કો પૂરો થયો છે. હવે, તો મતદાનના દિવસે જે રાજકીય પક્ષ કે ઉમેદવારો, મતદારોને પોતાની તરફેણમાં મતદાન માટે મતદાન મથક સુધી લાવવામાં સફળ થશે, તેનો વિજય નિશ્ચિત બનશે. ભાજપકોંગ્રેસની સરખામણીમાં સંગઠનની દૃષ્ટિએ ભાજપ વધુ મજબૂત હોવાથી તેણે અગાઉથી બૂથ સુધીની વ્યવસ્થા પૂરી કરી લીધી છે. ભાજપે શુક્રવારની રાત્રે ગ્રૂપ બેઠકો યોજીને તથા કાર્યકરોને વિવિધ જવાબદારીની સોંપણી કરીને મતદાનના દિવસ માટેની ખરી ચોપાટ પાથરી દીધી છે. શનિવાર દરમિયાન પણ બૂથ ઉપરની જવાબદારીની સોંપણીની ફરીથી ચકાસણી કરી લેવાશે. જયારે કોંગ્રેસ પણ આ વખતે તેને ભાજપ પ્રત્યેના નકારાત્મક પરિબળોનો લાભ મેળવવા કોશિશ કરશે એમ મનાય છે.