સુરતમાં ભાજપના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ વાઈરલ થતાં ખળભળાટ
યુવા નેતાઓનું રાજકિય પાર્ટી સાથે મિલન થઈ રહ્યું છે ત્યારે હવે કઈ પાર્ટી કોને ટિકિટ આપે છે અને કોની બાદબાકી થાય છે તેના પર નેતાઓ અને મતદાતાઓની નજર છે. આવામાં સુરત બેઠકો પર ભાજપના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ચર્ચાઓ એવી પણ શરુ થઈ છે કેટલા સિટિંગ MLAsના નામ લિસ્ટમાં છે તો કેટલાક નેતાઓના નામ લિસ્ટમાં ન હોવાથી તેઓ બાહુબલી નેતાઓ પાસે દોડી ગયા હતા.
આજે વિધાનસભાની ચૂંટણી જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતા વચ્ચે ગઈકાલે સોશિયલ મીડિયા પર આ લિસ્ટ વાઈરલ થયું હતું. એક તરફ વિવિધ ધારાસભ્યોની ટિકિટ કપાવાની તો નવા ચહેરાને ટિકિટ મળવાની અટકળો ચાલી રહી છે તે વચ્ચે આ લિસ્ટ જાહેર થઈ જતા રાજકીય ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. આ યાદીમાં હયાત ધારાસભ્ય અને અન્ય ત્રણ ત્રણ પોટેન્શિયલ કેન્ડિડેટ્સના નામ સામેલ કરાયા છે. આ યાદી જેવી ફરતી થઈ કે તરત જ ભાજપના વર્તુળોમાં ખળભળાટ શરૂ થઈ ગયો હતો. ભાજપમાં સુરતની બાર બેઠકો ઉપર 261 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી હતી. તેમાંથી માત્ર 36 જેટલાં જ દાવેદારોને જ યાદીમાં સામેલ કરાયેલાં હોવાનું જણાતા કપાયેલા બાકીના દાવેદારો ફફડી ઉઠ્યાં હતા.ચૂંટણી અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ભાજપના સંભવિત ઉમેદવારોની પેનલમાં દક્ષિણ ગુજરાતમાં માંગરોળ અને ઉમરગામ એમ માત્ર બે બેઠકો જ એવી દર્શાવવામાં આવી છે કે, જ્યાં હયાત ધારાસભ્ય ગણપત વસાવા અને રમણ પાટકર સિવાય કોઈ દાવેદારોને સામેલ કરાયા નથી.