શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (13:15 IST)

ગીતા ભજન - શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ

શ્રી કૃષ્ણ કહે સાંભળ અર્જુન ભક્તિ વિષે તમે રાખો મન 
 
ભક્તિ થકી અળગો નવ ખસું હદય કમળમાં વાસો વસું. 
 
મારી દેહ મારા ભક્તોને સહી તેમાં ભિન્ન ભેદ તમે જાણો નહિ 
 
મને ભક્ત વહાલા છે ઘણું હું કારજ કરું સેવક તણું 
 
ભક્ત તણું હું રક્ષણ કરું હસ્ત છાયા મસ્તક શિર ધરું 
 
ભક્તિ ઉપર છે મારું મન ધેનુ ચરાવા ઈચ્છું વન 
 
ખરો મિત્ર મૂકું નહિ ઘડી મને સેવકની ચિંતા ઘણી 
 
ખાય ખર્ચે મુજ નિમિત્ત કરી અક્ષય ભંડાર તેને આપું ભરી 
 
પાષાણમાંથી પ્રગટ જ થઈ ભક્ત માગે તે આપે સહી 
 
સુખ દુઃખનો વાધ્યો સંબંધ અક્ષર લખ્યા પહેલે દિન
 
મારું લખ્યું ફોગટ નવ થાય ચાહે દેશ મેલી પરદેશે જાય, 
 
ભલું ભૂં ડું માથે નવ લઉં હૃદયમાં બેસી શિખામણ દઉં 
 
મારી માયા કોઈ નવ લહે શ્રીફળમાં જેમ પાણી રહે 
 
કોટિ બ્રહ્માંડ ભાંગું ને ઘડું એક પલકમાં હું પેદા કરું 
 
જળ સ્થળ પૃથ્વી ને આકાશ સર્વ ભૂતલમાં મારો વાસ 
 
જપ તપ તીરથ મારું કરે એ સહુ નીર સાગરમાં ભરે 
 
એવું જાણી જે મુજને ભજે મોહ માયા અહંકાર તજે 
 
સર્વ લોકને સરખા જાણ કીડી કુંજર એક સમાન 
 
રાત દિવસ હરિના ગુણ ગાય ત્યાં મારું મન પ્રસન્ન થાય 
 
મને જે મન સોંપે તે ખરું તેની ઇચ્છા હું પૂર્ણ કરું 
 
એક તરફ ધન સીંચે દિન રાત તેને બાંધી આપું જમને હાથ 
 
મને સેવ્યાનું ફળ છે ઘણું વિમાન બેસાડી વૈકુંઠ મોકલું 
 
અર્જુન તું વહાલો છે ઘણું મુજની વાત તુજ આગળ કરું 
 
ગીતાનો અર્થ હતો જેહ મેં તુજને સંભળાવ્યો તેહ 
 
સહુ મળી લેજે હરિનું નામ રાત દિવસ ભજવા ભગવાન
 
તે માટે પ્રપંચથી પર હરો શ્રીકૃષ્ણ હદયમાં ધરો 
 
કર જોડી કહે છે વલ્લભદાસ તમારે ચરણે અમારો વાસ.