1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બિઝનેસ સમાચાર
  4. Bank Strike 3 December

IDBI બેંકના ખાનગીકરણ સામે કર્મચારીઓનો આક્રોશ: 3 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળનું એલાન, ગુજરાતમાં ₹1200 કરોડના વ્યવહારો અટકશે

Bank Strike
રાજ્યના 25 હજાર બેંક કર્મીઓ હડતાળમાં જોડાશે IDBI બેંકના ખાનગીકરણ અને તેનો મુખ્ય હિસ્સો વિદેશી કંપનીને સોંપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે બેંક યુનિયનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ નિર્ણયના વિરોધમાં આગામી 3 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળમાં ગુજરાતના અંદાજે 25,000 જેટલા બેંક કર્મચારીઓ અને અધિકારીઓ જોડાવાના હોવાથી રાજ્યની બેંકિંગ સેવાઓ પર મોટી અસર વર્તાશે.

3700 શાખાઓના કામકાજ અને નાણાકીય વ્યવહારો ઠપ્પ થવાની ભીતિ

 મહા ગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (MGBEA) ના મતે, આ એક દિવસીય હડતાળને કારણે ગુજરાતની આશરે 3,700 બેંક શાખાઓમાં કામકાજ ખોરવાઈ જશે. રોકડ લેવડદેવડ અને ચેક ક્લિયરિંગની પ્રક્રિયા અટકી પડવાથી રાજ્યમાં અંદાજે ₹1,200 કરોડના નાણાકીય વ્યવહારો ઠપ્પ થવાની શક્યતા છે. IDBI બેંકના કર્મચારીઓના સમર્થનમાં AIBEA, AIBOA અને BEFI જેવા મોટા સંગઠનોએ આ હડતાળનું આહ્વાન કર્યું છે, જ્યારે 'યુનાઇટેડ ફોરમ ઓફ IDBI ઓફિસર્સ એન્ડ એમ્પ્લોઇઝ' દ્વારા પણ અલગથી દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે.
 

₹52,878 કરોડના વિદેશી સોદાથી સર્જાયો વિવાદ 

 
આ સમગ્ર વિવાદના મૂળમાં કેન્દ્ર સરકારનો ગત 14 ઓક્ટોબરનો નિર્ણય છે, જેમાં કેનેડાની 'ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ' ને IDBI બેંકના 60.72% હિસ્સાના ખરીદદાર તરીકે મંજૂરી આપવામાં આવી હતી. અંદાજે ₹52,878 કરોડના આ પ્રસ્તાવિત સોદા મુજબ, ફેરફેક્સની પેટાકંપની દ્વારા સરકારનો 30.48% અને LIC નો 30.24% હિસ્સો હસ્તગત કરવામાં આવશે. જોકે, આ સમગ્ર પ્રક્રિયા હજુ વિવિધ નિયમનકારી મંજૂરીઓને આધીન છે.

નફો કરતી બેંકનું ખાનગીકરણ અયોગ્ય: 

 
યુનિયનોનો તર્ક બેંક કર્મચારી સંગઠનોએ સરકારની આ નીતિ સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. યુનિયનોનું કહેવું છે કે જાહેર ક્ષેત્રની બેંકો સામાન્ય લોકોની બચત માટે સુરક્ષા કવચ સમાન છે. આવા સંજોગોમાં, સારો નફો કરતી સરકારી બેંકનું સંચાલન અને નિયંત્રણ વિદેશી કંપનીના હાથમાં સોંપી દેવું તે ગ્રાહકો, કર્મચારીઓ અને દેશના આર્થિક હિતની વિરુદ્ધ છે
 
આગળનો લેખ
વર્ષ 2027માં વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કોર્સની યાદી – ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવા માટેના બેસ્ટ કોર્સ