શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By રીઝનલ ડેસ્ક|
Last Updated :અમદાવાદ: , સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (14:05 IST)

બજેટ હોટલ એસોસિયેશને ઓયો સામે બાંયો ચડાવી

ઓયો હોટલ ચેઇન સાથે વિવિધ મુદ્દે મતભેદોનો ઉકેલ ન આવતાં બજેટ હોટલ એસોસિયેશને આજે ઓયોના બહિષ્કાર કરવાનું આહ્વાન કરીને આગામી સમયમાં ઓયો વિરૂદ્ધ વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. ઓયો સાથે સંકળાયેલી ગુજરાત ભરની હોટલ દ્વારા છેલ્લાં ઘણાં સમયથી પેમેન્ટ સહિતના વિવિધ મુદ્દે ઓયો મેનેજમેન્ટને વારંવાર રજૂઆતો કરવામાં આવ્યાં છતાં તેનો ઉકેલ લાવવામાં કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઇ પહેલ કરવામાં આવી નથી. આથી હોટલ માલીકોએ ઓયોનો બહિષ્કાર કરીને તેમની હોટલના નામમાંથી ઓયો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. 
 
આ મુદ્દે બજેટ હોટલ એસોસિયેશનના સ્થાપક કૃણાલ રાજપરાએ જણાવ્યું હતું કે, ઓયો દ્વારા હોટલ માલીકોને ઘણાં સમયથી અન્યાય કરાઇ રહ્યો છે તેમજ કંપનીએ ઉઘાડી લૂંટ મચાવી છે. હોટલ માલીકોને થતી સમસ્યાઓ વિશે અમે વારંવાર ઓયો સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ તેમણે નિરાકરણ લાવવા માટે કોઇપણ જાતની પહેલ કરી નથી. આથી અમે ઓયો વિરૂદ્ધ લોકો વચ્ચે જાગૃતિ ફેલાવવાનો નિર્ણય કર્યો છે, જેથી હોટલ માલીકો અને પ્રજાને ઓયોની ઉઘાડી લૂંટથી બચાવી શકાય.
તેમણે ઉમેર્યું હતું કે, ઓયો સામે અમારા વિરોધને અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોના હોટલ માલીકોએ સમર્થન જાહેર કર્યું છે. જે અંતર્ગત સોમવારના રોજ ઓયોના કાર્યાલય ખાતે ઓયો કંપનીને તેના ટેબલેટ પરત કરવામાં આવશે અને હોટલના નામમાંથી પણ ઓયો દૂર કરાશે. 
કંપનીની આડોડાઇને કારણે મોટી સંખ્યામાં હોટલ માલીકો છેતરાયા હોવાનો અહેસાસ કરી રહ્યાં છે ત્યારે પેમેન્ટ સહિતના મુદ્દાઓનો ઝડપી ઉકેલ લાવવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની પણ એસોસિયેશને તૈયારી દર્શાવે છે. બજેટ હોટલ એસોસિયેશનના સ્થાપક કૃણાલભાઇ રાજપરા સાથે મેમ્બર ચેનસિંઘજી, પ્રતાપસિંઘજી, નિતિનભાઇ રાજા, તેજેન્દ્રસિંઘ આ બધા લોકો આ પ્રેસ કોન્ફરન્સમા સાથે હતા. બજેટ હોટલ એસોસિયેશનના આ નિર્ણયને અન્ય સંબંધિત એસોસિયેશને પણ સમર્થન જાહેર કરીને તેમની સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે.