રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (08:39 IST)

‘દેખો અપના દેશ’: કેવડિયા ખાતે ભારતીય સ્થાનિક ટૂર ઓપરેટર્સ સંગઠનના વાર્ષિક સંમેલનનો પ્રારંભ

કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી (સ્વતંત્ર પ્રભાર) પ્રહલાદસિંહ પટેલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના કેવડિયા ખાતે ભારતીય સ્થાનિક ટૂર ઓપરેટર્સ સંગઠન (ADTOI)ના ત્રિદિવસીય વાર્ષિક સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ આપેલું ‘દેખો અપના દેશ’ સૂત્ર કોરોના પછીના સમયમાં દેશમાં પર્યટન ક્ષેત્રને વેગ આપવા માટે છે.
 
કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવેલી ટેન્ટ સિટી 2માં ADTOIના 10મા વાર્ષિક સંમેલન-કમ-પ્રદર્શનનો પ્રારંભ થયો છે જેની થીમ ‘સ્થાનિક પર્યટન- પુનરુત્કર્ષની આશા – દેખો અપના દેશ’ રાખવામાં આવી છે. ત્રણ દિવસનું આ સંમેલન પર્યટન મંત્રાલય અને ADTOI દ્વારા સંયુક્ત રીતે ગુજરાત ટુરીઝમના સહયોગથી યોજવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ દેશમાં સ્થાનિક પર્યટનને ફરી બેઠું કરવા માટે જાહેર જનતામાં મુસાફરી માટે વિશ્વાસનું નિર્માણ કરવાનો છે અને આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી ADTOIના સભ્યો, હોટેલ ક્ષેત્રના અગ્રણીઓ, એરલાઇન્સના પ્રતિનિધિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, મીડિયાના કર્મચારીઓ તેમજ પર્યટન ક્ષેત્રના અન્ય હિતધારકો સહિત અંદાજે 400 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
આ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા વીડિયો સંદેશામાં પટેલે જણાવ્યું હતું કે, “જો આપણે સારા ઇરાદા અને યોગ્ય આયોજન સાથે કામ કરીએ તો, આપણે ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ સ્મારક (સ્ટેચ્યૂ ઓફ યુનિટી) આ બાબતનો પૂરાવો છે.” તેમણે ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિમાં તમને આવા બીજા પણ ઘણા આશ્ચર્યો જોવા મળશે.” 
 
પર્યટન ક્ષેત્રના હિતધારકોને અભિનંદન પાઠવતા મંત્રીએ અનુરોધ કર્યો હતો કે, ભારત ટૂંક સમયમાં જ પર્યટન ક્ષેત્રમાં 34મા ક્રમેથી ટોચના સ્થાને આવી જવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, “ભારત ‘વસુધૈવ કુટુબંકમ’ની ભાવનામાં માને છે જેણે 140 દેશોને દવાઓનો જથ્થો પૂરો પાડ્યો છે અને હવે આજદિન સુધીમાં 16 દેશોને રસી પણ પૂરી પાડી છે. આનાથી પર્યટન ક્ષેત્ર પર સકારાત્મક પ્રભાવ પડશે અને તેની અસર અત્યારથી દેખાવા જ લાગી છે.”
 
આ પ્રસંગે સંબોધન આપતા ભારત સરકારના પર્યટન સચિવ અરવિંદ સિંહે જણાવ્યું હતું કે, મહામારીના પરિણામે માણસોના આવનજાવન અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બંને સ્તરે પર્યટન ક્ષેત્ર પર ખૂબ જ ઘેરી અસર પડી છે. આતંરરાષ્ટ્રીય ઉડાનો સ્થગિત કરી દેવાથી, હવાઇમથકો તેમજ સરહદો બંધ કરવાથી અને સ્થાનિક મુસાફરી સહિત તમામ પ્રકારની મુસાફરીઓ પર ચુસ્ત પ્રતિબંધો મૂકવામાં આવ્યા હોવાથી પર્યટન ક્ષેત્ર સૌથી વધુ કપરી સ્થિતિનો સામનો કરનારા ક્ષેત્રોમાંથી એક છે અને તેના કારણે લાખો લોકોની નોકરીઓ પર જોખમ તોળાયું છે. 
 
જોકે, આ વર્ષમાં સકારાત્મક સંકેતો દેખાઇ રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરની સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન પ્રયાસોના પરિણામે નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. મુસાફરી પર લાદવામાં આવેલા પ્રતિબંધો પણ હળવા કરવામાં આવ્યા છે અને સમગ્ર દેશમાં એકબીજા રાજ્યોમાં મુસાફરીનો પ્રારંભ થઇ ગયો છે. રસી સંબંધિત પ્રોત્સાહક સમાચારો પણ ઝડપથી રિકવરીને મોટો વેગ આપ્યો છે. પ્રવાસના તમામ માધ્યમો જેમ કે, એરલાઇન્સ, ટ્રેનો અને ધોરીમાર્ગો પણ ખુલી ગયા છે અને દૈનિક ધોરણે મુલાકાતોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે.
 
તેમણે ઉમેર્યું હતું કે, “સ્થાનિક પર્યટન આગળની પ્રગતિનો માર્ગ છે અને તેનાથી આ ક્ષેત્રને ફરી બેઠું થવામાં ઘણી મદદ મળશે.” સચિવે વધુમાં માહિતી આપી હતી કે, મંત્રાલય દ્વારા સ્વદેશ દર્શન અને પ્રસાદ નામની તેમની યોજનાઓ અંતર્ગત રૂપિયા 7103.12 કરોડની કિંમતની 132 પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે જેની મદદથી દેશમાં વિવિધ યાત્રાધામો અને પર્યટનના સ્થળોનો વિકાસ કરવામાં આવશે જેનો મૂળ ઉદ્દેશ પર્યટનનો અનુભવ વધુ ઉન્નત કરવાનો છે. 
 
મંત્રાલય દ્વારા 19 આઇકોનિક ગંતવ્ય સ્થળોનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે અને આ આઇકોનિક ગંતવ્ય સ્થળો વિશ્વમાં શ્રેષ્ઠ સ્થળો તરીકે સ્થાન પ્રાપ્ત કરશે. તેમણે વિવિધ સરકારો સહિત તમામ હિતધારકો અને ખાનગી ક્ષેત્રોને એકજૂથ થવા અને ફરી પ્રવાસ ખેડવા તેમજ ‘દેખો અપના દેશ’ માટે એટલે કે દેશના વિવિધ સ્થળોની મુલાકાત લેવા માટેનો સંદેશો નાગરિકોમાં સંદેશો ફેલાવવા માટે અપીલ કરી છે.
 
આ સંદેશો ફેલાવવા માટે ભારતીય સ્થાનિક ટૂર ઓપરેટર્સ સંગઠનના વાર્ષિક સંમેલન માટે જરૂરી પ્રોટોકોલ અને સલામતીના અમલ સાથે આયોજન કરવું હોય તો, કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી બહેતર બીજું કોઇ સ્થળ ના હોઇ શકે. પર્યટન કેવી રીતે દરેક સ્તરે લોકોના જીવનને સ્પર્શે છે તે જાણવા માટે કેવડિયા એકદમ યોગ્ય દ્રષ્ટાંત છે. 
 
તેમણે ઉમેર્યું હતું કે, કેવડિયા તમામ સુવિધાઓ સાથે એક સંપૂર્ણ પારિવારિક મુકામમાં પરિવર્તિત થઇ ગયું છે. અહીં દેશના મોટા શહેરો જેમ કે, દિલ્હી, મુંબઇ, વારાણસી, ચેન્નઇ, રિવા, અમદાવાદ અને તે સિવાયના અન્ય સ્થળોએથી ટ્રેનની સીધી કનેક્ટિવિટી છે. અમદાવાદ- કેવડિયા જન શતાબ્દીમાં વિસ્ટા ડોમ કોચ પણ સામેલ કરવામાં આવ્યો છે જે મુલાકાતીઓને એક અનન્ય અનુભવ આપે છે.
 
આ સંમેલનના બીજા દિવસે ‘એકતા મેરેથોન’નું પણ આયોજન કરવામાં આવશે તે ઉપરાંત કેવડિયા સિટી ટૂર યોજવામાં આવશે જેમાં જંગલ સફારી, ન્યૂટ્રીશન પાર્ક અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા મહત્વના સ્થળોને આવરી લેવામાં આવશે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં સ્થાનિક પર્યટન, વિવિધ સરકારી યોજનાઓ અંગે પ્રેઝન્ટેશન અને સત્રોનું આયોજન કરવામાં આવશે જેથી ટૂર ઓપરેટર્સને MDA યોજના સહિત વિવિધ યોજનાની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય.