શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (10:38 IST)

ઇ-કોમર્સ પર છેતરાતા ગ્રાહકોની સુરક્ષા કરશે રાજ્ય સરકાર, એમેઝોન વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ

ઈ-કોમર્સ વેબસાઈટ્સ પરથી ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યુ છે ત્યારે રાજયના ઈ-કોમર્સ ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદી દરમિયાન છેતરપિંડી ન થાય તે માટે રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર છેતરાતા ગ્રાહકોની સુરક્ષા માટે રાજય સરકાર પણ કટિબદ્ધ છે. તાજેતરમાં જ રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એક જાગૃત ગ્રાહક સાથે થઇ હતી. છેતરપિંડી અંગે તપાસ કરીને તોલમાપ અને પેકેઝ્ડ કોમોડીટીઝના નિયમોના ભંગ બદલ એમેઝોન વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 
 
ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન મારફતે અનેક ચીજવસ્તુઓનું વેચાણ થાય છે એક ગ્રાહકે એમેઝોન પર HDMI ૨૦ મીટર વાયરનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડર ડિલિવર થયો અને ગ્રાહકે તે વાયરનું માપ લીધુ તો, ૧૯ મીટર જ વાયર હોવાનું ધ્યાને આવ્યું હતું. સમગ્ર મામલે જાગૃત નાગરિકે રાજયની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી ખાતે ફરિયાદ કરી હતી. ફરિયાદને ગંભીરતાથી લઈને અમદાવાદ વિભાગના જૂનિયર નિરિક્ષક જે.એમ.ચોહાણ મારફતે જયાંથી HDMI વાયરની ડિલિવરી થઈ હતી, તે એકમની આકસ્મિક મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી. 
 
તે એકમ ખાતે પડેલા HDMI વાયરનું ૨૦ મીટર વાયરનું સિલબંધ પેકેટ ખોલીને ચકાસણી કરાતા તેમાંથી પણ ૧૯ મીટરનો જ વાયર મળી આવ્યો હતો. તે ઉપરાંત પેકેટ ઉપર ઈમ્પોર્ટરનું નામ-સરનામુ પણ દર્શાવેલું ન હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે વજન માપ અને PCR કાયદાનું પાલન ન થતું હોવાનું ખુલતાં APPARIO RETAIL PVT. LTD. (મુ. બાવળા, જિ.અમદાવાદ) નામના એમેઝોન વિક્રેતા સામે લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ અને ધી ગુજરાત મેટ્રોલોજી(એન્ફો) રૂલ્સ-૨૦૧૧ અંતર્ગત નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 
 
તે ઉપરાંત મુદામાલ જપ્ત કરવાની અને દંડનીય પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હોવાની નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક સુરક્ષા, ગુજરાત રાજય ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.