ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 એપ્રિલ 2022 (09:32 IST)

400ની સપાટીએ પહોંચેલા લીબુંનો હજુ વધશે, એક લીંબુની કિંમત 15 થી 20 રૂપિયા

Lemons
સામાન્ય રીતે ઉનાળામાં બેહાલ કરનારી ગરમીથી બચવા લોકો લીંબુનો ભરપૂર ઉપયોગ કરે છે. લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે, પણ હાલમાં લીંબુના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગી પરિવારોનું બજેટ ગરમાઈ રહ્યું છે. ખાવા-પીવામાં ખટાશ માટે ઉપયોગમાં આવતા લીંબુને હવે ઘરે લાવવા એ સામાન્ય માણસો માટે એક પડકાર છે. સમગ્ર દેશમાં એક લીંબુની કિંમત અંદાજે 15થી 20 રૂપિયા થઈ ગઈ છે.
 
બીજી તરફ, એક કિલો લીંબુની વાત કરવામાં આવે તો ભાવ 300થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક મહિના પહેલાં કિંમત 70-80 રૂપિયા હતી, એટલે ભાવ લગભગ 6 ગણા વધી ગયા છે. આમ ગરમીથી રાહત આપવાવાળા લીંબુ લોકોના બજેટ ગરમ કરી રહ્યા છે. ગુજરાતમાં એક બાજુ ૪૨ ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે તેવામાં ઉનાળામાં લીંબુની માંગ વધતા બજારમાં રૂ. 300થી 40 કિલોએ પણ લીંબુ મળી રહ્યા નથી.
 
ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગમાં એકાએક વધારો નોંધાય છે જેની સીધી અસર લીંબુના ભાવમાં જાેવા મળે છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો હોય કે પછી પડોશી દેશોમાં લીંબુના સપ્લાયમાં મહત્વનું માર્કેટમાં મહેસાણા મોટું નામ ધરાવે છે.
 
હાલમાં મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં લીંબુનું ઉત્પાદન હજુ શરૂ થયું નથી. તેથી માલની અછત વચ્ચે ભાવ ઊંચો જાેવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ દરરોજ હોલસેલ માર્કેટમાં એક હજાર બોરી આવતી હતી તેની જગ્યા છેલ્લા બે દિવસથી માત્ર 100 જેટલી બોરી આવી રહી છે. જેના લીધે બજારમાં લીંબુની અછત ઉભી થઈ ગઈ છે.
 
વેપારીઓ નું માનવું છે કે હાલમાં માંગ વધુ છે જ્યારે આવક ઓછી છે ત્યારે ભાવ વધ્યા છે, જેમ-જેમ મહેસાણા જિલ્લાના ઉત્પાદનની આવક વધશે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાશે. અત્રે નોંધનીય છે કે, મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતા લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે.
 
દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં પાંચ થી દસ રૂપિયાનો વધારો થયો છે. તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુ ૩૨૦ રૂપિયા પ્રતિકિલોના ભાવે મળી રહ્યા છે. શાકભાજીનું ઉત્પાદન ઘટવાથી ભાવમાં વધારો થયો છે.
 
સાથે જ ઈંધણના ભાવમાં વધારો થતા શાકભાજી બહારથી લાવવા મોંઘા પડી રહ્યા છે. જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીના ભાવ હજુ પણ વધશે.